ઑલિમ્પિક-સ્ટાર નીરજ ચોપડાની ફિટનેસને લઈને કોચનું મોટું નિવેદન…
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સના આરંભને એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે અને ભારત સહિત વિવિધ દેશોના ઍથ્લીટોએ ઑલિમ્પિક વિલેજમાં પહોંચવાની શરૂઆત કરી દીધી છે. ભારતના કુલ મળીને 117 ઍથ્લીટો અને ખેલાડીઓ રમતોના આ મહાકુંભમાં ભાગ લેશે અને બધા ભારતીય રમતપ્રેમીઓને આશા છે કે તેઓ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સ કરતાં સારો દેખાવ કરશે. .
એમાં એક નામ ટોક્યો ઑલિમ્પિક ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર ભાલાફેંકના ઍથ્લીટ નીરજ ચોપડાનું નામ અગ્રેસર છે. થોડા દિવસથી તેની ફિટનેસને લઈને ખૂબ ચર્ચા હતી, પરંતુ તેના કોચે બધાની શંકા દૂર કરી આપી છે.
નીરજે છેલ્લા એક વર્ષમાં કેટલીક સ્પર્ધાઓમાં સારું પર્ફોર્મ કર્યું છે, પરંતુ તેની ફિટનેસને લઈને થોડી ચિંતા રહી છે. જોકે તેના કોચ બાર્ટોનિટ્ઝે તેની ફિટનેસ સંબંધમાં મોટું નિવેદન આપ્યું છે.
બાર્ટોનિઝે પીટીઆઇને કહ્યું છે, ‘બધુ અમારા પ્લાન પ્રમાણે થઈ રહ્યું છે. નીરજને જાંઘના સ્નાયુઓની જે સમસ્યા હતી એ દૂર થઈ ગઈ છે અને તે પૂર્ણપણે ફિટ છે. આપણને બધાને ખાતરી છે કે નીરજ પૂરી ક્ષમતાથી ઑલિમ્પિક્સમાં ભાગ લઈ શકશે અને તેની 100 ટકા ક્ષમતા જોવા મળશે. હજી થોડા દિવસ બાકી છે અમે ટ્રેઇનિંગનું સ્તર વધારી દીધું છે જેમાં નીરજ સામાન્ય રીતે ભાલો ફેંકતો હોય છે એ જ રીતે ફેંકી શકે છે.’
આ પણ વાંચો: Paris Olympics: સ્પેનના જૂના અને નવા ટેનિસ ચૅમ્પિયનને સાથે મળીને પૅરિસ ઑલિમ્પિક્સનો મેડલ જીતવો છે
ઑલિમ્પિક્સ 26મી જુલાઈએ શરૂ થઈ રહી છે, પરંતુ જ્વેલિન થ્રોની ઇવેન્ટનો ક્વૉલિફિકેશન રાઉન્ડ છઠ્ઠી ઑગસ્ટે શરૂ થશે એટલે નીરજ પાસે હજી બે અઠવાડિયા બાકી છે.
બાર્ટોનિઝને નીરજના ટ્રેઇનિંગ શેડ્યૂલ વિશે પૂછાતાં તેમણે કહ્યું, ‘સવારે નીરજ માટે દોડવાની, કૂદકો મારવાની, ભાલો ફેંકવાની તેમ જ વેઇટલિફ્ટિંગની પ્રૅક્ટિસ હોય છે. દરરોજ સવારે અને સાંજે બેથી અઢી કલાકનું આવું સત્ર હોય છે. નીરજે ટોક્યો ઑલિમ્પિક્સની પહેલાં તાલીમને લગતી જે પધ્ધતિ અપનાવી હતી એવી અત્યારે અપનાવી છે.
તે ટૂર્નામેન્ટને જ લક્ષમાં રાખવાને બદલે ટ્રેઇનિંગ પર વધુ ધ્યાન આપે છે અને સાથળ પર કે જાંઘ પર દબાણ ઓછું રહે એની ખાસ કાળજી રાખે છે. તેને જે પગમાં અડચણ ઊભી થવાની શંકા છે એને વધુ મજબૂત બનાવવાની પણ તાલીમ તે લઈ રહ્યો છે.’