Mission Maharashtra: ભાજપે કહ્યું, બેઠકો ગુમાવી છે, લોકોનું સમર્થન નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કંગાળ દેખાવ બાદ મહાયુતિમાં અને ખાસ કરીને ભાજપમાં મનોમંથનનો દોર શરૂ થયો હતો અને વિધાનસભાની ચૂંટણી (Assembly Election)માં લોકસભાની ચૂંટણીમાં થયેલી કોઇ પણ ભૂલનું પુનરાવર્તન ન થાય એ માટે તેમ જ નિરાશ થયેલી મહારાષ્ટ્ર ભાજપમાં ફરી પ્રાણ ફૂંકવા માટે પુણેમાં ખાસ અધિવેશન બોલાવવામાં આવ્યું છે. આ અધિવેશનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા. જોકે તબિયત નાદુરસ્ત હોવાને કારણે કેન્દ્રીય પ્રધાન ગડકરી આ અધિવેશનમાં હાજર રહી શક્યા નહોતા.
અધિવેશનમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે તેમ જ મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર સહિતના નેતાઓ પણ હાજર હતા. આ દરમિયાન બાવનકુળેએ ભાજપ પાસે હજી પણ લોકોનું સમર્થન હોવાનું કહેતા જણાવ્યું હતું કે ભાજપે લોકસભાની ચૂંટણીમાં અમુક બેઠકો ગુમાવી છે, પરંતુ આપણા મતદારો હજી પણ અકબંધ છે. એ વિશે આપણે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 1,33,08,961 મત મળ્યા હતા. આ આંકડો એ વર્ષની વિધાનસભા ચૂંટણીમાં વધ્યો હતો અને ભાજપે 1,47,09,276 મત મેળવ્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 1,49,139 અને 2024ની ચૂંટણીમાં આપણને 1,49,13,914 મત મેળવ્યા હતા. તેનાથી સ્પષ્ટ થાય છે કે આપણે લોકસભાની ચૂંટણીમાં ફક્ત 9 બેઠક મેળવી હોવા છતાં ભાજપને લોકોનું સમર્થન છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ આખા દેશમાં ભાજપના સાંસદોની કુલ સંખ્યા 303થી ઘટીને 240 થઇ ગઇ છે અને ઘણી બેઠકો ભાજપે ગુમાવી હતી. મહારાષ્ટ્રમાં ભાજપના સાંસદોની સંખ્યા 23થી ઘટીને નવ થઇ ગઇ હતી. જેને પગલે મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પહોંચ્યો હતો.
બાવનકુળેએ આ માટે વિપક્ષે ફેલાવેલા જુઠ્ઠાડાને જવાબદાર ગણાવતા કહ્યું હતું કે ભાજપે 400 પારનો નારો આપ્યો તો વિપક્ષે ભાજપ 400 બેઠકો જીતશે તો બંધારણ બદલાવી નાંખશે તેવું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. જેના કારણે ભાજને નુકસાન વેઠવું પડ્યું હતું.
Also Read –