અમદાવાદઆપણું ગુજરાત

સુરતમાં પણ પહોંચી ચાંદીપુરાની જ્વાળાઃ પહેલો કેસ નોંધાયો, કુલ 73 કેસ

અમદાવાદઃ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પહેલીવાર જોવા મળેલો ચાંદીપુરા વાયરસ સૌરાષ્ટ્ર તો પહોંચ્યો જ હતો, પણ હવે દક્ષિણ ગુજરાતમાં પણ પહોંચ્યો છે. સુરતમાં પહેલો કેસ ચાંદીપુરાનો નોંધાયો હોવાના અહેવાલ છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આજરોજ 21મી જુલાઈ રવિવારે સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો છે. 11 વર્ષની બાળકીને તાવ આવ્યા બાદ ઊલટી અને બે-ત્રણ વાર ખેંચ આવતા ICUમાં દાખલ કરાઈ છે. આ ઉપરાંત આજે રાજકોટમાં પણ વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેના પગલે ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 73 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 27 થયો છે. હાલ 42 દર્દીઓ દાખલ છે, જ્યારે ત્રણ દર્દીને રજા આપી દેવામાં આવી છે.


સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો
સુરતમાં ચાંદીપુરાનો પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સચિન સ્લમ બોર્ડમાં રહેતા પરિવારની 11 વર્ષની દીકરીને તાવ આવ્યા બાદ ઊલટી અને બે-ત્રણ વાર ખેંચ આવતા ICUમાં દાખલ કરાવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.


રાજકોટમાં વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો
રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો રવિવારે 21મી જુલાઈ વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. બે મહિના પહેલાં જ દાહોદથી પડધરી તાલુકામાં આવેલા પરિવારનું સાત વર્ષનું બાળક સંક્રમિત હોવાની આશંકા છે. હાલમાં બાળકના નમુના પૂણે લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે. શંકાસ્પદ બાળકની તબિયત હાલ સ્થિર હોવાનો સિવિલ તંત્ર દ્વારા જણાવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ફફડાટ ફેલાવતા વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા રોગથી ગભરાશો નહીં, સાવચેતી રાખો!

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યારસુધી ચાંદીપુરા વાયરસની સૌથી વધુ અસર ગ્રામીણ વિસ્તારમાં હતી, પણ હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવાં મોટાં શહેરોમાં પણ કેસ નોંધાઈ રહ્યા છે. ચાંદીપુરા વાયરસ માટે સરકારે હેલ્પલાઈન નંબર 104 શરૂ કરી છે, જેમાં આ વાયરસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી મળી રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button