પુણેમાં રસ્તા વચ્ચે સ્કૂટી સવાર મહિલા પર થયો હુમલો.
પુણેમાં સ્કૂટર પર સવાર મહિલા પર હુમલાના કેસમાં પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે. પીડિત મહિલાનું નામ જર્લિન ડી’સિલ્વા છે. તેણે આરોપ મૂક્યો છે કે કાર ચાલકે તેના વાળ ખેંચ્યા, તેના નાક પર મુક્કો માર્યો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
પોલીસને આપેલી ફરિયાદમાં જર્લિને જણાવ્યું હતું કે બપોરે 1.30 વાગ્યે તે તેના કાકાના બે બાળકો સાથે બાનેર રોડ પરથી સ્કૂટી પર જઈ રહી હતી. એ સમયે મહાબળેશ્વર હોટલ ચોકમાં સફેદ રંગની કાર ખૂબ જ ઝડપથી આવી હતી અને તેને ઓવરટેક કરી હતી. મહિલાએ હોર્ન વગાડતા જ કાર ચાલક ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે આગળ જઇને સ્કૂટીને રોકી દીધી. એક વૃદ્ધ માણસ કાર ચલાવી રહ્યો હતો.
મહિલાના જણાવ્યા મુજબ, આરોપી તેના પર ગુસ્સે થયો હતો કારણ કે તેણે તેને પાસ થવા માટે સાઈડ નહોતી આપી. મહિલાના કહેવા પ્રમાણે, આરોપીએ તેના વાળ પણ ખેંચ્યા હતા. જેર્લિન ડી’સિલ્વા એક ડિજિટલ સામગ્રી નિર્માતા છે. તેણે પોતાની સાથે ઘટેલી આ ઘટનાનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
પોસ્ટ કરેલા વીડિયોમાં ડી સિલ્વાએ કહ્યું હતું કે , “કાર ડ્રાઈવર ગુસ્સામાં બહાર આવ્યો. તેણે મને બે વાર મુક્કો માર્યો અને મારા વાળ ખેંચી લીધા. મારી સાથે બે બાળકો પણ હતા. તેણે તેમની પણ પરવા કરી નહીં. ડી સિલ્વાએ આગળ જણાવ્યું હતું કે આ શહેર ઘણું અસુરક્ષિત છે. વીડિયોમાં પીડિતાના મોં. અને નાક પરથી લોહી નીકળતું જોવા મળે છે.
આ મામલે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આરોપી વ્યક્તિ વિરુદ્ધ ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધવામાં આવી છે. હુમલા દરમિયાન આરોપી વ્યક્તિની પત્ની તેની સાથે હતી પરંતુ તેણે તેને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. આરોપીની ઓળખ સ્વપ્નિલ કેકરે તરીકે થઈ છે.
આજકાલ પુણેમાં ડ્રાઇવિંગ સંબંધિત ગુનાઓ વધવા માંડ્યા છે, જેને કારણે સામાન્ય લોકોની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે.
હાલમાં જ પુણે જિલ્લાના એક 17 વર્ષના કિશોરે દલીલ બાદ એક મહિલાને કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ટૂંક સમય પહેલા પુણેમાં દારૂ પીને કાર ચલાવતા શ્રીમંત કુટુંબના એક નબીરાએ બે હોનહાર યુવક-યુવતીને ઉડાવી દીધા હતા, જેમાં બંનેનું મૃત્યુ થયું હતું.