છાકટા થાઓ, છવાઇ જાઓ: અપુન ભી ફેમસ હોગા !
મિજાજ મસ્તી – સંજય છેલ
ટાઇટલ્સ:
સિદ્ધિ ને પ્રસિદ્ધિ, બે અલગ વાત છે.
(છેલવાણી)
સદીના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચને ૧૨-૧૩ ફ્લોપ ફિલ્મ્સ આપ્યા પછી ફિલ્મની દુનિયાને છોડીને પાછા અલાહાબાદ જવાનું નક્કી કર્યું. પછી એમને અચાનક એક ફિલ્મ મળી: આનંદ’ ત્યારે બિગ-બીએ. મમ્મીને ફોન કરીને કહ્યું, હવે હું સુપર-રસ્ટાર રાજેશ ખન્ના સાથે ફિલ્મ કરી રહ્યો છું, બોલો!’ પછી એ જ રાજેશ ખન્નાને અમિતાભે ૩ વરસ પછી ઊથલાવીને સ્ટારડમ ભોગવ્યું. ટૂંકમાં ખ્યાતિ, કામયાબી કે મશહૂર થવું કે ફેમસ થઇ જવું એ બધું ભીના સાબુ જેવી સરકતી, ફિસલતી, લપસતી ક્ષણિક વાત છે.
૧૯૮૦-૯૦નાં દાયકામાં અમેરિકા-બ્રિટનમાં સનસનાટીવાળા બ્રેકિંગ ન્યૂઝની હોડમાં દોટ મૂકતા પત્રકારોને એમ્બ્યુલન્સ ચેઝર’ કહેવાતા. કોઈ સેલિબ્રિટી કે નેતા મરી જાય તો ન્યૂઝ-રિપોર્ટરો તરત દોડી જતાં ને ટી.વી. પર છવાઇ જતા. મડદાં ચૂંથવાનું માર્કેટિંગ કરતા. એ જ રીતે વર્ષો અગાઉ સોશિયલ મીડિયાનાં આગમાન પહેલાં, કોઇપણ દુર્ઘટના, મર્ડર કે વિવાદ થાય એટલે આપણે ત્યાં પણ મહેશ ભટ્ટ કે શોભા ડે જેવી સેલિબ્રિટી, સરકાર કે સમાજની વિશે તીખાં નિવેદનો આપી છાપાં- ટી.વી.માં વર્ષો સુધી સતત નામ કમાતા રહ્યા અગાઉ આમિર ખાનને પણ ફિલ્મ રિલીઝ વખતે ચંદેરી બનાવનારાંઓ વિશે અચાનક ચિંતા થવા લાગતી. આવા લોકો પર રેન્ટ અ કોઝ’ એટલે કે મશહૂર થવા મુદ્દાને ઉછળી ચર્ચામાં રહેવું! જેવું લેબલ લાગતું.
આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવાનો સૌને ચસ્કો છે. જેને જુઓ એ વાનગીની રેસીપીઓ, તંદુરસ્તીનાં નુસખાઓ કે ડાંસ-શાયરીની રીલ્સ’ કે ડહાપણનાં વાયડા વિડિયો રાત-દિન મૂકે રાખે છે. ૧ મિનિટમાં ફેમસ થવાનાં ચક્કરમાં લોકોએ જાન ગુમાવ્યા છે! પહાડની ટોચ પર વિડિયો લેતા કે નદી કિનારે વહેતાં પાણી પાસે રીલ્સ બનાવવામાં લોકો તણાઇ ગયા છે. આ અઠવાડિયે એક ગુજરાતી યુવતી આવા જ ચક્કરમાં ખીણમાં પછડાઈને જીવ ગુમાવ્યો. સેલ્ફી-રીલ્સનાં ચકકરમાં પ્રાણી સંગ્રહાલયનાં પાંજરામાં, મૂરખાઓએ કૂદેલા ને વાઘ-સિંહે ફાડી ખાધાના દાખલાઓ છે.
વિચક્ષણ અભિનેતા-નિર્માતા-નિર્દેશક ગુરુદત્ત મર્યા પછી વધારે ફેમસ થયા. લોકો આજે ય એમની આત્મહત્યા કે ટૂંકા આયુષ્યમાં બનાવેલી ૨-૩ ફિલ્મ માટે યાદ કરે છે. માટે જ હોલીવૂડનાં વૂડી એલન નામના એક્ટર-ડાયરેક્ટરે, સિનેમા-ટી.વી. જેવા શો-બિઝનેસ માટે કહેલું-ડેથ ઇઝ અ ગુડ કરિઅર મૂવ’ એટલે કે મર્યા પછી મશહૂર થઇને લાઇફ બની જાય!
હમણાં એક હીરોઈને પોતાનાં મૃત્યુના ખોટા સમાચાર સોશિયલ મીડિયા મૂકેલા ને રાતોરાત ફેમસ થઇ ગઇ. પછી ૨-૩ દિવસે જાહેર કર્યું: હું મરી નથી. મેં તો ગર્ભાશયનાં કેન્સર’ની જાહેરાત માટે આવું કરેલું’ ઇન શોર્ટ, વારંવાર ડહાપણભર્યાં વિધાન કરવા કે અકારણ વિવાદ ઊભા કરીને મશહૂર થવું એ ય સમાજમાં ફેલાતું એક જાતનું કેંસર જ છેને?
ઇંટરવલ:
સારી દુનિયા પર મૈં છાઉં,
બસ ઇતના સા ખ્વાબ હૈ. (જાવેદ અખ્તર)
જો કે નાનપણમાં અમે ય મશહૂર બનવા માગતા હતા. બહુ પ્રયત્નો કરી જોયા પણ કંઇ ન ચાલ્યું તો છેવટે અમારી ગલીમાં ગાંધીજીની સ્ટાઇલમાં, સ્વચ્છતાનું એક ગ્રુપ બનાવ્યું. દિવસો સુધી અમે નાળામાં, કાદવ-કચરામાં રઝળતા રહ્યા. અમે ધારેલું કે ગલી સ્વચ્છ થશે તો છાપાંમાં અમારા વિશે સમાચારો છપાશે, પણ એને બદલે બાજુની ગલીનો પત્રકાર, પાનની પીચકારી અમારા પર જ મારીને જતો રહ્યો. ઉપરથી લોકો, દિવાળીમાં સફાઇ માટે ઘરે બોલાવવા માંડ્યા!
એ પછીઅમે ફિલ્મના હીરો બનવાનું વિચાર્યું. ત્યાં અમારી ઊંચાઇ, નિર્દેશકોને ઓછી લાગી. અમારા અભિનયનું કે અંદરનું ઉંડાણ એમને દેખાયું નહીં. પછી ફેમસ થવા અમે કવિતાઓ ને ગીતો લખી જોયાં, જેમ કે- કાગડાની ચાંચમાં ગાલિબનાં ચશ્મા ને તૂટેલા આયનામાં ચુંબનની ઉષ્મા..બોલને તું ક્યાં છે, સુષ્મા?! જેવી ગુજરાતીની બેસ્ટ કવિતાઓ લખે રાખી પણ શું છે કે એ લાઇનમાં નબળા કવિઓમાં હરીફાઇ બહુ, એટલે ત્યાં પણ ફેમસ ના થવાયું. પછી લેખનમાં નસીબ અજમાવ્યું. પડોશી પર જ જલદ વાર્તા ઘસડી મારી. અમને હતું કે આ વાર્તાથી પડોશી ઝઘડો કરશે, પથ્થર કે લાકડી ઉપાડી અમારા માથા પર મારશે. જેથી અમે કહી શકીશું કે હવે આ દેશમાં લખવાની આઝાદી નથી રહી. લેખકો પર અત્યાચાર થાય છે.’ અમે આવું છાપામાં છપાવીને મશહૂર થવા માંગતા હતા. પણ ઉલ્ટાનું પડોસી, અમારી વાર્તા વાંચીને હસી પડ્યો એટલે અમે આખરે કટાક્ષ કે વ્યંગ લખવાનું વિચાર્યું. અહીંયા ફેમસ થવાની ઘણી તક દેખાણી, કારણ કે ભારતમાં હાસ્ય-વ્યંગ લેખકોની સંખ્યા ઓછી છે. પછી વ્યંગ-લેખોના પુસ્તકમાં જાણી જોઇને અમુક વાંધાજનક’ નિબંધો લખ્યા. અમને હતું કે એ વાંચીને કોઇક તો અમારા પર કેસ કરશે તો થોડી પબ્લિસિટી મળશે. એક-બે મિત્રોને કેસ કરવા માટે રેડી પણ રાખેલા. પણ પ્રકાશકે, વાંધાજનક વાતો કે નિબંધો કાઢી નાખીન પૂછયા વિના પુસ્તક છાપી માર્યું, (અને ઓફ કોર્સ, પૈસા પણ ન જ આપ્યા.) પછી જેટલીવાર ગંભીર વાર્તાઓ લખવાની કોશિશ કરી બધાંએ એનાં પર હસી નાખ્યું. છેવટે અમે કોમેડી સિરિયલો કે રોમેંટિક-કોમેડી ફિલ્મો લખવાનો રસ્તો પકડ્યો. ત્યાર બાદ ૩૦ વરસથી, એ જ રસ્તા પર સતત ચાલી જ રહ્યા છીએં. ખબર નથી, મશહૂર છીએં કે નહીં? પણ ક્યારેક રાતે ૧ વાગે યુ.પી.-બિહારથી કોઇ ઉગતા લેખકનો ફોન આવે છે કે એની પાસે કોઇ ફિલ્મી વાર્તા છે. અમે અડધી ઉંઘમાં એને સમજાવીએ છીએં : ભાઇ, આજકાલ અમારી પોતાની સ્ક્રિપ્ટ વેંચાતી નથી, તો તારી વાર્તાનું શું કરીશ?’ ત્યારે સામે જવાબ મળે છે: ના ના, હુજૂર, આપ લિખતે હૈં વૈસીવાલી નહીં, હમરે પાસ તો બહુત બઢિયાવાલી કહાની હૈ! બસ એક બાર, નામ હો જાયે! ’
એન્ડ-ટાઇટલ્સ:
આદમ: મારે ખ્યાતિ મેળવવી છે.
ઈવ: ખ્યાતિ’ને પૂછ્યું?