એમેઝોન: અતુલ્ય- અવિસ્મરણીય ને અસાધારણ
આ છે એક એવી કંપની , જેણે કર્મચારીઓ માટે તિજોરી નહીં , પણ બૅંકનાં ખાતાં ખુલ્લા મૂકયાં હતાં
ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ
દુનિયાની કોઈ પણ કંપની જ્યારે કર્મચારીનું વિઝન વિચારીને કોઈ પ્રયોગ કરે તો એમાં સફળતાની ગેરેન્ટી ૫૦-૫૦ ટકા રહેલી હોય છે. આ પાછળનું એક કારણ મૂડી અને મહેનત બન્ને હોય છે. કર્મચારી ઓછી મહેનતે વધુ શ્રેષ્ઠ પરિણામ આપે એ રસ્તો શોધે છે તો ક્યારેક કંપનીઓ મૂડીરોકાણ સામે નફાની આવરદા ધ્યાન પર લેતી હોય છે.
ટેક કંપનીની વાત આવે ત્યારે એનો સ્ટાફ કેન્દ્રમાં હોય છે. બીજા ક્રમે મૂડી આવે છે. આપણે ત્યાં ધમધમતી કંપનીઓમાં મૂડી જ પહેલા ક્રમે આવે છે. રોકાણની સામે ઉત્પાદનનું પૈડું સક્રિય કોઈ પણ ભોગે રહે એવું જ માલિક માનતા હોય છે. સંતોષી જીવ અને સંયમી કાર્યશૈલીનો એક પાઠ ‘એમેઝોન ’ પાસેથી શીખવા જેવો છે.
વેલકમ ટુ એમેઝોન હેડક્વાર્ટર પાર્ટ- ટુ…. સ્વાગત છે નિઝામ અને બિરયાનીની નગરી હૈદરાબાદમાં…
હવે તમે કહેશો કે, અમેરિકાના એમેઝોનમાંથી સીધા હૈદરાબાદ કેવી રીતે? સમગ્ર એશિયામાં બીજા ક્રમનું સૌથી ઉત્તમ ટેક કેન્દ્ર હોય તો એ હૈદરાબાદનું એમેઝોનનું વડુંમથક છે.
-તો ચાલો, અંદરની એક અનોખી દુનિયામાં જ્યાં રાત પડે ને દિવસ ઊગે છે !
ગેમ ઝોન ઈઝ રિલેક્સ ઝોન : હવે તમે કોઈ કંપનીમાં જાવ છો અને વેઈટિંગ એરિયામાં મંદ મંદ મ્યુઝિક વાગતું હોય અને ફ્રી વાઈફાઈ મળી જાય તો? યસ, હૈદરાબાદમાં આવેલી એમેઝોનની ઓફિસ આખી વાઈફાઈ ક્નેક્ટેડ છે, જેના વેઈટિંગ એરિયામાં પાસ સાથે એક્સેસ લઈને ઈન્ટરનેટ સર્વિસ વાપરી શકો છો. વેઈટિંગ એરિયા પણ કોઈ વિદેશની લાઈબ્રેરી કે મ્યુઝિયમને ટક્કર મારે એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. ચોમાસામાં અહીં વરસાદ પડે એટલે જાણે પારદર્શક કાચ પર કોઈ ફુવારો મૂક્યો હોય એવી રીતે પાણીના રેલા નીચે ઊતરે. વરસાદ વિરામ એટલે તરત જ આધુનિક મશીનથી એ કાચની સફાઈ થઈ જાય. એક આખું ગ્લાસ કોરિડોર એવી રીતે તૈયાર કર્યું છે કે, વરસાદનો અવાજ પણ ન સંભળાય, પણ પાણીના ઊતરતા રેલા જોવાનો આનંદ અનેરો છે.
વેઈટિંગ એરિયામાં કંટાળો આવતો હોય તો અંદર એક બોક્સ ક્રિકેટ ઝોન છે. ટાઈમર સેટ કરીને આરામથી ટી-૨૦ની ઓવર્સ રમી શકો છો. સ્ક્રિન ગેમના શોખીનો માટે અહીં ઝોમ્બી જેવી ગેમ્સ રિમોટથી રમી શકાય એવી સુવિધા છે. આ બધું કર્મચારીઓ માટે તો ખરું જ, એની સાથે આવેલા સ્વજનોને પણ રમવાની છૂટ. જલસા કરો ત્યારે.
ઈન્ટરવ્યૂ રૂમ : સામાન્ય રીતે કોઈ કંપનીમાં પર્સનલ ઈન્ટરવ્યૂ હોય એટલે એક લાંબા ટેબલ પર ત્રણ- ચાર વ્યક્તિ બેઠી હોય અને પછી પ્રશ્ર્નોપનિષદ શરૂ કરે. એમેઝોનમાં એવું નથી. માત્ર ત્રણ બેસી શકે એટલું નાનું ટેબલ છે અને ખુરશી છે, જેમાં તમે આરામથી એવી રીતે બેસી શકો જાણે કોઈ સોફા પર બેઠા હોવ. એટલા નજીક બેસવાનું થાય કે, પગ આરામથી સામેવાળી વ્યક્તિને ટચ થઈ જાય. આ પાછળનો કોન્સેપ્ટ એ છે કે, તમે કંપનીના અંગત છો. નજીક છો અને વ્યક્તિગત તો ખરા. વાત નક્કી થાય એટલે ત્યાંના ઈન્ટરકોમમાંથી માત્ર ક્ધફર્મ એટલો જ મેસેજ જાય. એક દિવસમાં આઈડી કાર્ડ અને કર્મચારી નંબર પણ આવી જાય. જોબ જોઈનિંગ કરો એટલે કામ કરવામાંથી મુક્તિ. પહેલા દિવસે મજા કરવાની…. કામ નહીં. પછી તો વર્કલોડ લેવાનો જ છે.
આ પછી તરત આવે છે કાફેઝોન. આને કોઈ સામાન્ય કેન્ટીન તો કહી જ ન શકે, આ ૫ સ્ટાર રેસ્ટોરાંને ટક્કર મારે એવો કાફેટેરિયા છે. એમ્બિયન્સથી લઈને ફૂડ સુધી બધુ જ ક્લાસ-વન. લાઈવ પ્લાન્ટ વચ્ચે ટેબલ- ખુરશીની એવી ગોઠવણ કે ભલભલાનો સ્ટ્રેસ ઊતરી જાય. હા, જ્યારે ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ શરૂ થાય ત્યારે અહીંથી જ જુદી જુદી થીમ તૈયાર થાય છે. કોઈ ઓફિસમાં તો માત્ર મંજૂરી પાસ થાય છે. અહીં મળે છે આખા ભારતની થાળી. દાળ-ભાત, શાક-રોટલી, દહીં-છાશ. ફરસાણ સાથે.
વર્કિંગ એરિયા : આમ તો આ બહુમાળી ઈમારતનો દરેક ખૂણો ખૂબ જ સ્પેશિયલ છે. હૈદરાબાદની ઓફિસ ભલે સાદી સિંપલ છે પણ વર્કિંગ એરિયા જોરદાર છે. ડેસ્ક એવી રીતે તૈયાર કરાયા છે કે, લેપટોપ હોય કે ડેસ્કટોપ પૂરતી જગ્યામાં આરામથી બેસીને કામ કરી શકાય છે. અહીંયા મોટાભાગે ઈન્વેન્ટરી અને ઓફર્સ સંબંધિત કામ થાય છે. જ્યારે ટેકનિકલ સપોર્ટ બેંગ્લુરુથી આવે છે.
નાવ મુવ ટુ કર્ણાટક…: દક્ષિણના રાજ્યમાં સૌથી હાઈટેક અને ઈકોનોમિક સેન્ટર એટલે બેંગ્લુરુ. કલરફૂલ વાયરની લાઈન્સની ડિઝાઈન વચ્ચેથી જ્યારે કોઈ કર્મી જાય છે ત્યારે એવું લાગે કોઈ આઈટી રૂમમાં પ્રવેશ થઈ રહ્યો છે. એવી એની દીવાલ છે. દરેક ફ્લોર પર એક કોફી-ચાય એરિયા અને બેકાઉટ ઝોન છે. થોડી થોડી વારે જેને ઓફિસની બહાર જઈને આંટા મારવાની ટેવ હોય એવા લોકો માટે આવી જગ્યા સ્વર્ગ સમાન છે. એક વખત એન્ટ્રી કર્યા બાદ મોટાભાગે કોઈ બહાર જતું જ નથી.
ટર્મ્સ એન્ડ કંડિશન : સામાન્ય રીતે જ્યારે કોઈ કર્મચારી કોઈ પણ કંપનીમાં કામ હેતું જોઈન થાય ત્યારે કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે, જે એમના ઓફર લેટર સાથે સ્પષ્ટ કરેલું હોય છે. અહીં ઈન્ટરવ્યૂ આપતા પહેલાં નિયમો આખી ધ્યાનથી અને વ્યવસ્થિત રીતે વાંચી લેવા અનિવાર્ય છે. આઈટી કંપની હોય એટલે જુદા જુદા ડિવાઈસ તો પ્રાથમિકતા હોય છે. અહીંયા એક આઈટી ડિવાઈસ વેડિંગ મશીન છે, જેમાં ચાર્જરથી લઈને પેનડ્રાઈવ સુધીની વસ્તુઓ કાઢી શકો- ખરીદી તમે કરી શકો છો. માર્કેટ કરતાં થોડા ઓછા પૈસે.
વર્કિંગ એરિયામાં એટલી શાંતિ હોય છે કે, ટાંકણી પડે તો પણ અવાજ આવે.
એમેઝોનની આ સફરને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું આવતા અંકે કોઈ નવી ટેકનોલોજીની વાત સાથે…
આઉટ ઓફ ધ બોક્સ
ટીમવર્ક હોય તો જ કોઈ કંપની સફળતાના શિખર સુધી પહોંચી શકે. કર્મચારીને માત્ર સ્કિલ બ્રેન્સ સમજવા એ ભૂલ છે.