ઉત્સવ

FOGAUSA: ગુજરાતીઓ વિલાસમાં… ડલાસમાં…

આજે આટલું જ – શોભિત દેસાઈ

અમેરિકા આખાના ગુજરાતીઓ અને પાછા લંડન, આફ્રિકા અને અન્ય આંતરરાષ્ટ્રીય ગુજરાતીઓ અને એમાં પાછા ભારતના અને ખાસ કરીને ગુજરાતના ખાસ આમંત્રિત ગુજરાતીઓ (મુખ્ય પ્રધાન અને મંત્રીગણમાંથી કેટલાક) ભેગા થઈ રહ્યા છે. ૨-૩-૪ ઓગસ્ટ ડલાસ ટેક્સાસ અમેરિકામાં, FOGAUSAના નેજા હેઠળ. કહું ને! FOGAUSAનું આખું નામ જરૂર કહુ તમને: Federation of Gujarati Association of United States of America.

આયોજકગણ અને અન્ય માહિતી તરફ રાજુ ગાઈડ તમને લઈ જાય એ પહેલા રાજુ ગાઈડ એટલે કે મારા તરફથી એક ખૂબ જુદું તરી આવતું નિરીક્ષણ. કારણ કોઈ પણ હોય, કોઈ પણ જાતિ કોઈ પણ દેશમાં ક્યારે પણ ભેગી થાય અને અપને અપને સુખ દુ:ખ બાંટે ચંદ દિન દરમ્યાન, એ વાત જ મારા માટે મહામહાત્મ્યની છે. તો આ તો પાછી આપણી, મારી ગુજરાતી પ્રજા ભેગી થાય ત્યારે એનો આનંદ તમે જ કહો ને, વર્ણવી શકાય? અને એ પણ મારા દ્વારા?! ભેગા થવાની અને રહેવાની મહત્તા આપણે ભારતમાં તો છેલ્લા ૧૧ વરસથી ભોગવી જ રહ્યા છીએ. આઝાદી પહેલાના ૩૦-૩૫ વર્ષ સુધીના ભારતને જે ગુજરાતી ભોગવટો નસીબે તાસક પર ધર્યો હતો એ તો કોણ ભૂલવાનું?! અને બદઈરાદાદાર નેતાઓએ મહાન મોહનદાસને કેવા સૂરજમાંથી કોડિયું બનાવી દીધેલા એય કોણ વિસર્યું છે હજી?!… પાછી આડી વાત અને હવે પછી મૂળ વાત. FOGAUSA… આયોજનગણ તરફથી ‘મુંબઈ સમાચાર’ના રવિવારીય કાળજીકર્તા આપના આજ્ઞાંકિત કવિશ્રી શોભિત દેસાઈને આમંત્રણ મળ્યું છે, ભાષાના રખોપાની રજૂઆત કરવાનું, એ અસ્તિત્વ અહમદાર બનાવી દે એવી બિના છે. તો હું જ્યારે ત્યાં ખરેખર હોઈશ ત્યારે તો કેવો હોઈશ?!

૨૦૨૧માં અસ્તિત્વમાં આવ્યું જે એ આ FOGAUSAનો એકમેવ હેતુ સમગ્ર અમેરિકાના ગુજરાતીઓના સામૂહિક અવાજ માટે એક પ્લેટફોર્મ ઊભું કરવાનો છે. એ વાત તો હવે સર્વવિદિત છે કે ગુજરાતીઓ, ખાસ કરીને અમેરિકાના ગુજરાતીઓ પોતાની વેપારી કુનેહ તેમ જ મેડિકલ અને સોફ્ટવેર નિપુણતાને કારણે ખૂબ જ મોટો અને સન્માનનીય સ્રોત બની ગયા છે… અમેરિકાની કાયાની ઘોરી નસનો મોટો ભાગ બની ગયા છે. અમેરિકાની આવડી મોટી વસ્તીના અવાજને રજૂ કરવા માટે એક સ્ટેજની એક પ્લેટફોર્મની જરૂર હતી અને છે જ. જેના યજમાન છે DFW ગુજરાતી સમાજના મુખ્ય ટ્રસ્ટી ડૉ. કિરણ પારેખ અને એમની ઝળહળ ઝળહળ ટીમ એવું FOGAUSA આ બધી જરૂરિયાત અને પ્રશ્ર્નોનો જવાબ છે.

ગુજરાતીઓનું ગૌરવગાન

આણ પ્રવર્તે છે જેની આ આખીયે દુનિયામાં
ગુજરાતીઓ થયા છે ભેગા ફોગા અમેરિકામાં
સળીઓ અલગ અલગ તો બહુ આસાનીથી તૂટવાની
પણ જો ભેગી થાય તો ભારે મહેનત પણ ખૂટવાની
જીતી જ લઈશું જે કોઈ પડકાર ઊભા હો સામા
ગુજરાતીઓ થયા છે ભેગા ફોગા અમેરિકામાં

પૂરા ભારત દેશના હોઠો પર બોલાતી જાણી
ગાંધીથી મોદી સુધીની આઝાદીની વાણી
ભવ્ય નર્મદા નદી સમાતી ખંભાતી દરિયામાં
ગુજરાતીઓ થયા છે ભેગા ફોગા અમેરિકામાં

શરૂ કરી ગુજરાતથી દેશ વિદેશમાં જે ફેલાયા
ટાટા, અંબાણી જેવા ગુજરાતી મા ના જાયા
શોભિત ભાષા છે પૂરી જે દુનિયાની સેવામાં
ગુજરાતીઓ થયા છે ભેગા ફોગા અમેરિકામાં

શોભિત દેસાઈ

આજે આટલું જ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?