ઉત્સવ

રણપ્રદેશના વાહનનું અસ્તિત્વ જોખમમાં?

સૈદ્ધાંતિક રીતે જોઈએ તો ઊંટને સ્ટેટ ઍનિમલ જાહેર કરવા પાછળનો આશય ખૂબ જ સારો હતો, પરંતુ તેનો અમલ ખોટો હતો કેમ કે ઊંટના વેચાણ અને નિકાસ પર મુકવામાં આવેલા પ્રતિબંધે તેનું મૂલ્ય ઘટાડી દીધું હતું. રાજસ્થાને કાયદો બદલી ઊંટના ચારણની જમીનને કાયદેસર રક્ષણ આપવાની અને ઊંટનાં ઉત્પાદનોની વૅલ્યૂ ચેઈન ઊભી કરવાની જરૂર છે.

સર્વેક્ષણ – નિધિ ભટ્ટ

વર્ષ ૨૦૧૪માં ઊંટને રાજસ્થાનનું સ્ટેટ એનિમલ જાહેર કરવામાં આવ્યું હતું. ઊંટના વેચાણ અને નિકાસ પર મુકવામાં આવેલા પ્રતિબંધને કારણે ઊંટનો ઉછેર વેપારીઓ માટે આર્થિક રીતે અવ્યવહારુ બની જવાની બાબત રાજસ્થાનમાં ઊંટની સંખ્યા ઘટવા પાછળનું મુખ્ય અને મહત્ત્વનું પરિબળ બન્યું છે. ઊંટડીના દૂધના વપરાશને પ્રોત્સાહન આપવાની બાબત આ સમસ્યાનો ચાવીરૂપ ઉકેલ બની શકે છે.

વસતિ ગણતરીના સર્વેક્ષણનો અહેવાલ રાજસ્થાનમાં ઊંટની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું દર્શાવે છે. તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણના તારણ મુજબ રાજસ્થાનમાં
હાલ ઊંટની સંખ્યા માત્ર એકથી દોઢ લાખ જેટલી જ છે.

દેશમાં ઊંટની કુલ વસતિની ૮૪ ટકા વસતિ રાજસ્થાનમાં છે.

રણનું વહાણ ગણાતાં ઊંટની વસતિ અને તેનું મહત્ત્વ છેલ્લા થોડા સમયથી ઘટી રહ્યા છે. આ ચિંતાજનક સ્થિતિ ઊલટાવવાનું કામ મુશ્કેલ હોવાનું જણાઈ રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સમસ્યાનું નિવારણ આણવા દૈનિક જીવનમાં ઊંટની ઉપયોગિતા અને મહત્ત્વ વધારવાની જરૂર છે.

ઊંટનો ઉપયોગ માત્ર દૂધ મેળવવા પૂરતો સીમિત રાખવાને બદલે તેના ઔષધી ઉપયોગ સહિત તેનો ઉછેર તેમ જ તેની વસતિ વધારવા જેવી બાબતો જ પ્રસ્તાવિત સમસ્યાનો ઉકેલ બની શકે એમ હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

વર્ષ ૨૦૧૪માં ઊંટને રાજસ્થાનનું સ્ટેટ એનિમલ જાહેર કરવામાં આવ્યું હતું. દેશમાં ઊંટની કુલ વસતિની ૮૪ ટકા વસતિ રાજસ્થાનમાં છે. ઊંટની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને રોકવાનો અન્ય માર્ગ રાજ્ય બહાર ઊંટના મર્યાદિત વેચાણનો છે જેને કારણે ઊંટનો ઉછેર વેપારીઓ માટે આર્થિક રીતે અવ્યવહારુ બની જાય છે. આ બાબત પણ રાજસ્થાનમાં ઊંટની સંખ્યા ઘટવા પાછળનું મુખ્ય અને મહત્ત્વનું પરિબળ છે.

રાજસ્થાનનો રાયકા સમુદાયનો મુખ્ય વ્યવસાય ઊંટનો ઉછેર અને તેનાં વેચાણનો હતો, પરંતુ હવે તેમાં પૂરતી આવક ન થતી હોવાને કારણે આ સમુદાયના લોકો પણ તેનાથી વિમુખ થઈ રહ્યા છે અને નોકરી તરફ વળી ગયા છે. સવેક્ષણના અહેવાલ દર્શાવે છે કે વર્ષ ૨૦૦૭થી અત્યાર સુધીમાં રાજસ્થાનમાં ઊંટની સંખ્યામાં અંદાજે પચાસ ટકા જેટલો ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે.

નેવુના દાયકાના અંતમાં રાજસ્થાનમાં લગભગ સાડા છ લાખ કરતાં પણ વધુ ઊંટ હતાં જે સંખ્યા હવે ઘટીને એકથી દોઢ લાખ જેટલી જ રહી ગઈ છે.

સરકાર ઊંટના ઉછેર તેમ જ પુનર્વસનને મામલે બેદરકાર હોવાને કારણે પણ લોકો આ વ્યવસાયથી વિમુખ થઈ રહ્યા છે, એમ બિકાનેર જિલ્લાના કેસર દેસર બોરાન ગામના રહેવાસી ૨૪ વર્ષના ધન્નારામનું કહેવું છે.

ઊંટને હવે વાહન તરીકે પસંદ કરવામાં ન આવતું હોવાને કારણે તેની ઉપયોગિતા
ઘટી છે જેને લીધે ઊંટના ઉછેર અને વેચાણના વ્યવસાયમાં હવે પહેલા જેવી આવક ન રહેતા લોકો આ વ્યવસાયથી વિમુખ થઈ રહ્યા છે અને આવકના અન્ય સ્રોતો તરફ વળી રહ્યા છે.

બિકાનેરસ્થિત ઉર્મૂલ સિમાન્ત સમિતિ (યુએસએસ)ના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મોતીલાલનું કહેવું છે કે રાયકા સમુદાયના લોકોને હવે ઊંટને ખોરાક પૂરો પાડવા પણ રીતસરનું ઝઝૂમવું પડી રહ્યું છે. બિકાનેર, જોધપુર, બાડમેર, જેસલમેર અને નાગૌરસ્થિત ઊંટના ૩,૫૦૦ વેપારીઓને આવરી લઈને હાથ ધરવામાં આવેલા અભ્યાસના તારણોમાં જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં હાલમાં ઊંટની સંખ્યા એકથી સવા લાખ જેટલી છે.

ઊંટ ચરાવવા લઈ જવા માટેની ઘાસચારાની જમીન ઘટી રહી છે. બાડમેર, બિકાનેર, ચુરુ, હનુમન ગઢ, જેસલમેર, જોધપુર અને શ્રીગંગાનગર જિલ્લામાં ઈંદિરા ગાંધી કેનલ પ્રોજેક્ટ માટે હજારો એકર જમીન હસ્તગત કરવામાં આવી હોવાને કારણે પણ આ સમસ્યા વકરી છે.

યુએસએસ દ્વારા વર્ષ ૨૦૧૯માં હાથ ધરવામાં આવેલા અભ્યાસના તારણ મુજબ ઊંટનો ઉછેર અને વેચાણનો વ્યવસાય હવે જીવનનિર્વાહ માટે જરૂરી સ્થિર આવકનું સાધન નથી રહ્યા. જે લોકો પાસે માત્ર એક કે બે ઊંટ છે તેઓ તેને ત્યજી દે છે. ત્યજી દેવામાં આવેલા આ ઊંટ રેલ કે રોડ અકસ્માતનો ભોગ બની માર્યા જાય છે.

ઊંટના ઉછેર અને વેચાણને સમર્થન અને પ્રોત્સાહન આપતા પાલિસ્થિત સંસ્ખથા લોકહિત પશુપાલક સંસ્થાનના ડિરેક્ટર હનવંતસિંહનું કહેવું છે કે પહેલા ઊંટડી ઓછામાં ઓછા રૂ. ૪૫,૦૦૦માં વેચાતી હતી, પરંતુ રાજ્ય બહાર ઊંટના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ ઊંટડીની કિંમત ઘટીને રૂ. ૧૦,૦૦૦ થઈ ગઈ છે.

ઊંટડીનું દૂધ અને રૂપિયા

વર્ષ ૨૦૧૬માં રાષ્ટ્રપતિનો નારીશક્તિ અને જર્મન ઑર્ડર ઑફ મૅરિટ ઍવોર્ડ મેળવનાર જર્મનીમાં જન્મેલા પશુચિકિત્સક ઈસ્લે કૉલ્હેરરૉલેફ્સનનું કહેવું છે કે ઊંટને સ્ટેટ ઍનિમલનો દરજ્જો આપવામાં આવ્યો એ બાબત જ તેની વસતિના ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે.

સૈદ્ધાંતિક રીતે આ શુભ આશય ધરાવતું પગલું હતું, પરંતુ તેનો અમલ ખોટો હતો કેમ કે ઊંટના વેચાણ અને નિકાસ પર મુકવામાં આવેલા પ્રતિબંધે તેનું આર્થિક મૂલ્ય ઘટાડી દીધું હોવાનું તેમણે કહ્યું હતું.

રાજસ્થાને કાયદો બદલવાની જરૂર છે અને ઊંટના ચારણની જમીનનું કાયદેસર રક્ષણ કરવું જોઈએ અને ઊંટના ઉત્પાદનની શૃંખલાનું નિર્માણ કરવું જોઈએ. ઊંટના દૂધના વેચાણને પ્રોત્સાહન આપી લોકપ્રિય બનાવવું એ રાયકા સમુદાયના લોકોની આવક વધારવાની એક રીત છે. પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ મારફતે એમ કરવું વધુ યોગ્ય હશે, એમ તેમણે કહ્યું હતું.

ચરબીનાં ઓછાં પ્રમાણ અને વધુ ઔષધીય મૂલ્યને કારણે ઊંટડીનાં દૂધને પ્રવાહી
સોનુ માનવામાં આવે છે. ઊંટડીનું દૂધ ડાયાબિટીસ અને ઑટિઝમ જેવી બીમારીની સારવાર માટે અક્સીર માનવામાં આવે છે. ઈમ્યુનોગ્લોબ્યુલિન્સથી સમૃદ્ધ ઊંટનું લોહી વૅક્સિન (રસી) વિકસાવવામાં ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે.

રાઈકા સમુદાયના લોકો પાસેથી ઊંટડીનાં દૂધની ખરીદી કરવા નેશનલ રિસર્ચ સેન્ટર
ઑન કેમલ (એનઆરસીસી)એ રાજસ્થાન કોર્પોરેશન ડેરી ફેડરેશન (આરસીડીએફ) સાથે સહયોગ કર્યો છે. ઊંટડીનાં દૂધ સહિતનાં અન્ય ઉત્પાદનોની ઉપયોગિતા અંગે સંશોધન કરવા એનઆરસીસીએ વિવિધ સંશોધન સંસ્થાઓ સાથે કરાર કર્યા છે.

ઔષધિય મૂલ્ય

ટીબી અને ડૅન્ગ્યુના દરદીઓ માટે ઊંટડીનું દૂધ કેટલું લાભકારક છે તેની ચકાસણી કરવા એનઆરસીસી (બિકાનેર)એ ેસપી મૅડિકલ કૉલેજ સાથે સહયોગ સાધ્યો છે. બિકાનેરસ્થિત માર્ણી સ્કૂલમાં અભ્યાસ ચાલી રહ્યો છે અને બાળકોમાં ઑટિઝમ (માનસિક સમસ્યા) પર ઊંટડીના દૂધની અસરની આકારણી કરવા પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે.

કેન્સર અને ડાયાબિટિસની સારવાર માટે પણ ઊંટડીનાં દૂધનો ઉપયોગ કેટલો અકસીર છે તેની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે. ઊંટના શરીરમાંનાં પ્રવાહીનો ઉપયોગ કરી સાપના ઝેરનું મારણ વિકસાવવા એનઆરસીસીએ બેંગલુરુસ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ સાથે કરાર કર્યા છે.

ઊંટડીનાં દૂધને ન્યૂટ્રાસ્યૂટિકલ સપ્લિમેન્ટ અને ફાર્માસ્યૂટિકલ સ્ટૉર હાઉસ ગણવામાં
આવે છે. ઊંટડીનાં દૂધમાં ઔષધિય ગુણો હોય છે અને તેને કુદરતી ઈન્સ્યૂલીન ગણવામાં
આવે છે. ડાયાબિટીસ અને ઑટિઝમની સારવારમાં તે કારગત નીવડે છે. પંજાબના ફરિદાકોટમાં ઑટિઝમની બીમારી ધરાવતા ૧૦૮ બાળકોને આવરી લઈ હાથ ધરવામાં આવેલા અભ્યાસનાં તારણોમાં ઊંટડીના દૂધને કારણે ૩૦ ટકા બાળકોની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.

રાયકા સમુદાયના લોકો નિયમિતપણે ઊંટડીના દૂધનો જ વપરાશ કરતા હોવાને
કારણે તેમનામાં ડાયાબિટીસનું પ્રમાણ શૂન્ય જોવા મળ્યું હતું. ઊંટડીનું દૂધ હાલ રૂ. ૧૫થી રૂ. ૨૦ પ્રતિલીટરના ભાવે બજારમાં મળે છે. જો ઊંટડીના દૂધનો તંદુરસ્ત આરોગ્ય માટે પૂરક ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેનો ભાવ પ્રતિલિટર રૂ. ૬૦ જેટલો મેળવી શકાય એમ છે.

આરસીડીએફએ બિકાનેરમાં ‘સરસ કેમલ મિલ્ક’ના નામે ઊંટડીનાં દૂધનું વેચાણ શરૂ કર્યું છે અને રાજસ્થાનનાં અન્ય શહેરોમાં પણ તેનો પુરવઠો પૂરો પાડવાનું તેમનું લક્ષ્ય છે.
એલપીએસના હનુમંતસિંહનું કહેવું છે કે વર્ષ ૧૯૯૯માં રાજસ્થાન હાઈ કોર્ટે ઊંટડીનું દૂધ માનવ વપરાશ માટે અયોગ્ય હોવાનો આદેશ આપ્યા બાદ ઊંટડીનાં દૂધનો લોકોમાં વપરાશ વધારવા લાંબી મજલ કાપવી પડી છે.

વર્ષ ૨૦૦૦માં અમે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે ઊંટડીનું દૂધ માનવીના આરોગ્ય માટે યોગ્ય હોવાનું જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૬માં ફૂડ ઍક્ટમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?