ગરવા સહેજે ગુણ કરે, કંઠ કારણ ના જાણ, મેવલો વરસે સરોવર ભરે, કબી ન માગે દાણ
ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી
ગર્વ છે તો અઢી અક્ષરનો શબ્દ પણ ૧૪ લોકને પોતાના કરી લેવાની ઈચ્છા ધરાવે છે. અભિમાન, અહંકાર, ગુમાન, મગરૂરી, દર્પ વગેરે એના સમાનાર્થી શબ્દો છે. ગર્વ સંબંધિત સૌથી પ્રચલિત કહેવત છે ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું કે ગર્વ તો રાજા રાવણનોય નથી રહ્યો’. અહંકાર – અભિમાન બાબતે રાવણને સર્વોચ્ચ માનવામાં આવ્યો છે, કારણ કે તેણે ભગવાન શ્રી રામ સામે ગર્વ કર્યો હતો. ગર્વની એક ઓછી જાણીતી પણ માર્મિક કહેવત જાણવા – સમજવા જેવી છે. ગરવ કિયો રત્નાગર સાગર, નીર કર ડાલો ખારો, ગરવ કિયો ચકવા ચકવી, રૈન બિછોહર ડારો. અભિમાન કરે એનો પરાજય થતો હોય છે એ આ કહેવત દ્વારા સમજાવવામાં આવ્યું છે. રત્નોના ભંડાર એવા સાગરે ગર્વ કર્યો તો એનાં નીર ખારા કરી દેવામાં આવ્યા. ચક્રવાક – ચક્રવાકી (પ્રેમ – વિરહનું પ્રતીક પક્ષી યુગલ)એ એકબીજા માટે અપાર પ્રેમ હોવાનો ગર્વ કર્યો તો એમની જીવનચર્યા એવી બની કે રાત્રે કાયમ એકમેકથી અળગા રહેવાનો વારો આવ્યો – વિરહની વેદના સહેવાનો વખત આવ્યો. અભિમાનના ચૂરેચૂરા થઈ ગયા.
ગર્વ ઊતરે ત્યારે માણસ નમ્ર બને છે. એનું ગર્વગંજન થાય છે. દુ:ખભંજન એટલે દુ:ખને હરનાર અને એ જ પ્રમાણે ગર્વગંજન એટલે અહંકાર ઉતારનાર, અભિમાનના ભુક્કા બોલાવી દેનાર. ગર્વની બાદબાકી થાય એટલે માણસમાં ગરવાઈ – મોટપ આવે. મોટપ એટલે નમ્રતા. એના વિશેની કહેવત જીવનમાં ઉતારવા જેવી છે. ગરવા સહેજે ગુણ કરે, કંઠ કારણ ના જાણ, મેવલો વરસે સરોવર ભરે, કબી ન માગે દાણ. મેવલો એટલે મેહુલોનું તળપદું સ્વરૂપ, કબી એટલે કભી અને દાણ એટલે જકાત. શહેરી ભાષામાં કહીએ તો ટેક્સ. સ્વભાવમાં મોટપ આવ્યા પછી વ્યક્તિ કાયમ સહુનું ભલું જ ઈચ્છતી હોય છે. પોતાની કોઈ વાહ વાહ કરે, પોતાની કીર્તિના ગીત ગાય એવી એને જરાય ઈચ્છા ન હોય. વરસાદ વરસીને સરોવર છલકાવી દે પણ એ માટે જકાતની – વેરાની માગણી નથી કરતો.
ENGLISH વિંગ્લિશ
CONTRARY PROVERBS
જીવનમાં આભાસથી નિરાશ થઈ નાસીપાસ થવા કરતા વિરોધાભાસ સામે અસ્તિત્વ જાળવી રાખવાનો આનંદ અનેરો હોય છે. સહજીવનમાં એકમેકથી સાવ વિપરીત સ્વભાવ ધરાવતા દંપતી ખૂબ આનંદથી જીવ્યા હોય એવા અઢળક ઉદાહરણ જોવા મળે છે. અંગ્રેજી ભાષાની વિરોધાભાસી કહેવતનો આ દોર સમજણ વિકસાવનાર ચોકાસ રહ્યો છે અને આ કોઈ આભાસ નથી, વિરોધાભાસ નથી, હકીકત છે. કલમની તાકાત દર્શાવતી કહેવત છે કે The pen is mightier than the sword. તલવાર કરતા કલમ વધુ બળુકી હોય છે. આ કહેવતનો જન્મ એક 1839ની નાટ્યકૃતિમાં થયો હતો. ફ્રાન્સના રાજા લૂઈ 13માની હત્યા કરવાનો પેંતરો એના મુખ્ય પ્રધાન કરે છે. જોકે, એ પાદરી હોવાથી હથિયાર ઉપાડવું એમના માટે વર્જ્ય હોય છે. એટલે એમનો સહાયક કહે છે કે તમારી પાસે બીજા હથિયાર પણ છે. ત્યારે પ્રધાન કહે છે કે Yes, the Pen is Mightier than sword – હા, તલવાર કરતા કલમ વધુ તાકાતવર છે. બસ, ત્યારથી આ કહેવત ચલણમાં આવી ગઈ. આના વિરોધાભાસ જેવી કહેવત છે Actions speak louder than words. તમે બોલો એના કરતા તમે જે કરો એનું મહત્ત્વ વધારે છે. કલમ કરતા કૃતિનું વજન વધારે છે. આમ પહેલી કહેવતમાં કલમ ‘ક્વીન’ છે તો બીજીમાં ‘કનીઝ’ છે. બીજું ઉદાહરણ જોઈએ. Wise men think alike વિચારોમાં સામ્ય ધરાવતા માણસો શાણા હોય છે એવો આ કહેવતનો ભાવાર્થ છે. અલબત્ત એમાં વિનોદી તત્ત્વ વધુ છે કારણ કે કે આ કહેવતનું બીજું અડધિયું છે Fools seldom differ – મુર્ખાઓ બધી વાતમાં સહમત થાય છે – ડોકું ધુણાવતા હોય છે. એક હા પાડે એટલે બાકીના બધા સમજ્યા વિના હા પાડે એવો ઘાટ છે. The best things in life are free. પરિશ્રમ કરી પરસેવો પાડનારને જ શ્રેષ્ઠ વળતર મળે એવું નથી, ક્યારેક અનાયાસે, વગર મહેનતે પણ લોટરી લાગી જતી હોય છે એ એનો ભાવાર્થ છે. તો એવી પણ કહેવત છે કે You get what you pay for – ઓછા દામ ખર્ચી મૂલ્યવાન વસ્તુ ન મળે એવું એમાં ફલિત થાય છે. ટૂંકમાં વસ્તુની કિંમત એની ગુણવત્તા સાબિત કરે છે. વર્તમાન સમયમાં યંગ જનરેશન એટલે તો બ્રાન્ડેડ આઇટમનો આગ્રહ રાખે છે.
રાષ્ટ્ર भाषा
गुजराती प्रयोग हिंदी में
ગુજરાતી જેવા જ લાગતા હિન્દી શબ્દોના ઉપયોગમાં કાળજી ન રાખવામાં આવે તો અર્થ બદલાઈ જાય અને સમજફેર થવાનો સંભવ ભારોભાર છે. શબ્દ સાથે એ વાપરવો ઉદ્દેશ પણ ધ્યાનમાં લેવો જરૂરી છે. એક ઉદાહરણ પરથી આ વાત સ્પષ્ટ થઈ જશે. ઊંચા શબ્દ માત્રામાં વધારો સૂચક ગણાય છે, સામાન્યપણે. જોકે, હિન્દી ભાષાનો રૂઢિપ્રયોગ ऊँचा सुनना એટલે ઓછું સાંભળવું કે નજીવી બહેરાશ હોવી એવો અર્થ થાય છે. मामाजी के साथ बात करते समय जरा जोर से बोलना क्योंकि वे ऊँचा सुनते हैं. હિન્દી ભાષાના રૂઢિપ્રયોગનું શબ્દશઃ અનુવાદ કરવાથી પણ દૂર રહેવું, કારણ કે ગરબડ થવાની શક્યતા છે. થાક ઉતારવો માટે હિન્દીમાં कमर सीधी करना કહેવાય છે. પરિશ્રમ – થાકની અસર પગ કરતા વધુ કમર પર વર્તાતી હશે એટલે આવો પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો હશે એવું અનુમાન કરી શકાય. लंबा सफर करके बहुत थक गए होगे, तो जरा कमर सीधी कर लो। લાંબી સફર કરી આવ્યા છો તો થાક તો બહુ લાગ્યો હશે. જરા આડા પડી થાક ઉતારી લો. ગુજરાતીમાં આડા પડવું હિન્દીના કમર સીધી કરના સાથે સામ્ય ધરાવે છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ દીઠી ન ગમતી હોય, પસંદ ન આવતી હોય ત્યારે એ આંખમાં કણાની જેમ ખૂંચે એમ કહેવાતું હોય છે. આ જ ભાવાર્થ હિન્દીમાં फूटी आँख न सुहाना સ્વરૂપે હાજર છે. અલબત્ત એમાં આંખ ફૂટવાની કોઈ વાત નથી.
સગ્ગી बहिण
विलक्षण भाषा
દરેક ભાષાની આગવી લાક્ષણિકતા હોય છે જે વિવિધ સ્વરૂપે આપણી સમક્ષ આવતી હોય છે. મરાઠી કેવી વિલક્ષણ ભાષા છે એના કેટલાક ઉદાહરણ આપણે અગાઉ જોયા. આજે એ ભાષા જ્ઞાનમાં ઉમેરો કરીએ. पळणं – धावणं બંને મરાઠી શબ્દોનો સીધો સંબંધ દોડવા સાથે છે. પણ દોડવું અને ભાગવું એના ભાવમાં ફરક છે. पाकीटमार काम झाल्यावर जे करतो ते पळणं. ખિસ્સાકાતરું કામ ‘પતાવી’ દીધા પછી દોટ મૂકે એ માટે મરાઠી શબ્દ છે પળણં. कैदी जेलमधून पळून गेला. કેદી જેલમાંથી નાસી છૂટ્યો. વાત દોડવાની જ છે પણ હેતુ નકરાત્મક છે. કોઈ વ્યક્તિ ખૂબ ગભરાઈ ગઈ હોય – મોતિયા મરી ગયા હોય એના માટે મરાઠીમાં तोंडचे पाणी पळणे રૂઢિપ્રયોગ વપરાય છે. दोन पावलांवर मोठा साप पाहून भाऊच्या तोंडचे पाणी पळाले. બે ડગલાં આગળ અચાનક મોટો સાપ દેખાતા ભાઈના તો મોતિયા જ મરી ગયા. ट्रेन पकडतांना आपण जे करतो ते धावणं. ટ્રેન કે બસ પકડવા આપણે દોડીએ એની વાત છે. झाड – वृक्ष શબ્દયુગ્મમાં સ્થૂળરૂપે તો કોઈ ફરક નથી. અલબત્ત વપરાશથી અર્થનો તફાવત સમજાય છે. जे माणसांकडून लावलं जातं ते झाड. માણસ જે વાવે એ ઝાડ. शहरात जास्त झाडं लावणे पर्यावरणाच्या दृष्टीने आवशयक आहे. શહેરમાં વધુ ઝાડ ઉગાડવા પર્યાવરણની દૃષ્ટિએ આવશ્યક છે. जो आधीपासूनच असतो तो वृक्ष. પહેલેથી જ હોય એ વૃક્ષ. वड भारतीय उपखंडात आढळणारा एक मोठा वृक्ष आहे. વડ ભારતીય ઉપખંડમાં જોવા મળતું વિશાળ વૃક્ષ છે.