કાળા વાદળમાં સોનેરી કોર
આકાશ મારી પાંખમાં – ડૉ. કલ્પના દવે
દીપાલી ચૌહાણના લગ્નને માંડ સાત મહિના થયા હશે. મુંબઈના એક બેંકમાં એકાઉન્ટન્ટની જોબ પણ મળી ગઈ. રાજકોટમાં રહેતા તેનાં મમ્મી-પપ્પા પણ દીકરીને સારું સાસરું મળ્યું એ વાતે ખુશ હતા. દીપાલીનો ભાઈ હેમંત તેના બિઝનેસના કામના બહાને મહિનામાં બેત્રણ વાર આવી જતો. દીપાલી અને તેનો પતિ રાજેશ હજુ લગ્નજીવનના રોમાંચિત દિવસો માણી રહ્યાં હતાં.
ત્યાં જ એક શનિવારે સવારે મોબાઈલ રણક્યો, દીપાલીએ હરખભેર ફોન ઉપાડ્યો. સામેથી હેમંતે રડમસ અવાજે કહ્યું- દીપુ, પપ્પાનો રોડ એક્સિડંટ થઈ ગયો છે, સિરિયસ છે. તું જલદી આવ.
હા, હા, હું તરત નીકળું છું. તું હિંમત રાખજે. કહેતાં દીપાલી રડી પડી. રાજેશે ફોન હાથમાં લેતાં કહ્યું- અમે પહેલી જ ફલાઈટ પકડીને આવીએ છીએ.
સાંજે ૬-વાગે દીપાલી અને રાજેશ રાજકોટની સિટી હોસ્પિટલે પહોંચી ગયા, પણ અડધા કલાક પહેલાં જ પપ્પાએ દેહ છોડી દીધો હતો. દીપાલીએ હૈયાફાટ રૂદન કર્યું. બેબાકળી બની પપ્પાને માથે હાથ ફેરવવા લાગી- પછી રાજેશને કહેવા લાગી- ચાલો, એમ્બ્યુલંસ બોલાવો, હું પપ્પાને મુંબઈની મોટી હોસ્પિટલમાં લઈ જઈશ.
ડોકટર જોશીએ દીપાલીને માંડ શાંત કરી અને કહ્યું, સોરી, અમે તમારા પપ્પાને બચાવી ન શક્યા. બ્રેનહેમરેજને કારણે એ બેભાન હતા અને હાર્ટના પલ્સ ડાઉન હતા. તમારા નાનાભાઈ અને બા સામું જુઓ. હિંમત રાખો.
કારમા ઘા ને મનમાં દાટીને દીપાલીએ હકારમાં માથું ધુણાવ્યું.
પપ્પાની લાડકી દિપાલી માટે આ આઘાત ઝીરવવો દુષ્કર હતો. એ વિચાર્યા કરતી કે હેમંતે હમણાં જ પપ્પાનો બિઝનેસ સંભાળ્યો છે, એ કેવી રીતે ધંધો સાચવશે ? હવે મમ્મીને કેવી રીતે સંભાળવી? હું મુંબઈ રહું છું. મોટી દીકરી તરીકે મારી ફરજ છે કે મારે ફેમિલી જોવાની. હું શું કરું? આખો દિવસ ચિંતાગ્રસ્ત અને સૂનમૂન રહેતી દીપાલી કોઈ સાથે ખાસ બોલતી નહીં. કયારેક પપ્પાના રૂમમાં બેસી પપ્પાના ફોટા સામે જ ઉદાસ ચહેરે તાકી રહેતી.
રાજેશે કહ્યું- દીપાલી, પંદર દિવસ થયા. હવે આપણે મુંબઈ જવું જોઈએ. બેન્કમાંથી પણ ફોન આવ્યો હતો. તારે ચાર દિવસમાં રીઝ્યુમ થવાનું છે.
મમ્મી અને ભાઈને છોડીને હું કયાંય જવાની નથી. હવે આ બધી મારી જ જવાબદારી છે. દીપાલીએ કહ્યું. પછી ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી.
દિપુ, આપણે મમ્મી અને હેમંતનું ધ્યાન રાખીશું , મળવા આવીશું. પણ મુંબઈ તો જવું પડે. ત્યાં આપણું ઘર છે. આપણી નોકરી છે. રાજેશે કહ્યું.
મારે મુંબઈ નથી આવવું, મારે નોકરી પણ નથી કરવી. હું તો મમ્મી સાથે જ રહીશ. એને કંઈ થઈ જાય તો- હેમંત હજુ નાનો છે. દીપાલી ફરીથી બે પગ વચ્ચે માથું ઘાલી રડવા લાગી.
મમ્મીએ કહ્યું- દીપાલી તું મારી સમજુ દીકરી છે ને,. મારી અને હેમંતની ચિંતા ન કર. હું તારે ઘેર આવીશ. મુંબઈ જાય પછી તું મને રોજ રાતે ફોન કરજે. બેટા, રાજેશ કહે છે તેમ કર.
દીપાલી અશ્રુભીની નજરે મમ્મી અને હેમંત સામું જોઈ રહી. બીજે દિવસે રડતા રડતા પપ્પા-મમ્મીનો ફોટો બેગમાં મૂકયો. ભારે હૈયે મુંબઈ જવા માટે ઘરેથી નીકળી.
રાજેશ દીપાલીને આ શોકમાંથી બહાર લાવવા અને ખુશ રાખવાના પ્રયત્ન કરતો, પણ દિપાલી ગુમસુમ જ રહેતી. પપ્પાનું અચાનક ચાલ્યા જવું અને મમ્મી અને હેમંતની ચિંતામાં જ રહેતી.
રાજેશના માતા-પિતાએ પણ દીપાલીને સમજાવી પણ એ કોઈ સાથે ઝાઝું બોલતી જ નહીં. સતત તાણ અનુભવતી દીપાલી પોતાની મનની વાત કરતી જ નહીં. રાજેશે કેરળ ટુરની વ્યવસ્થા કરી ત્યારે દીપાલીએ મોટેથી ઉદ્ધત અવાજે કહ્યું- તારે જવું હોય તો જા, હું નથી આવવાની. આખરે રાજેશને એ ટુર કેન્સલ કરવી પડી.
મૂંગેમોઢે યંત્રવત કામ કરતી દીપાલી ડિપ્રેશનમાં સરી પડી છે, આ વાત રાજેશ સમજી શકતો હતો, પણ દીપાલીનું વર્તન વધુ અસંગત થતું હતું.
આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં નયનાબેન અને અશોકભાઈ પુત્રવધૂ દીપાલી સાથે વત્સલતા દાખવતા.
બેંકમાં પણ દીપાલી જાણે ના છૂટકે જતી. પોતાની સાથે કામ કરતા સંજય, રેખા અને તેની ખાસ સહેલી મોના સાથે પણ વાત કરતી ન હતી. લંચ ટાઈમમાં પોતાના ટેબલ પર બેસી થોડું ખાઈ લેતી. રોજ મોના સાથે કટીંગ કોફી પીનારી દીપાલીએ મોનાને કહી દીધું- હું અને પપ્પા રોજ રાતે સાથે કોફી પીતા હતા, હવે હું કયારેય કોફી નહીં પીઉં.
એકાઉન્ટના કામમાં એક્ષપર્ટ ગણાતી, સદા ય હસતે ચહેરે કામ કરતી દિપાલીનું આવું ગંભીર સ્વરૂપ ચિંતાનો વિષય છે, આ વાત મોના અને સંજયે મેનેજર સાહેબને જણાવી. તે જ દિવસે એક કલાયંટના હિસાબમાં દિપાલીથી મોટી ભૂલ થઈ ગઈ. સમયસર ખબર પડતાં સંજયે મેનેજરને કહ્યું અને મેનેજરે એ અકાઉન્ટને હોલ્ડ પર રાખવા કહ્યું.
મેડમ, મેનેજર સાહબ આપ કો બુલાતે હૈ, પ્યુને દીપાલીને કહ્યું.
દસ મિનિટ થઈ ગઈ. દીપાલી એના ટેબલ પર બેસીને કોરા કાગળ પર લિટોડા કરતી રહી. તેના મનમાં ખુન્નસ હતું કે મારે મેનેજરને મળવા શું કામ જવાનું-
સંજયે કહ્યું-દીપાલી, તારા અકાઉન્ટમાં કંઈક પ્રોબ્લેમ છે, સર બોલાવે છે. આ સાંભળતા દીપાલીની આંખો ચકરવકર થવા લાગી. સંજય, હવે શું થશે?, સર મને નોકરીમાંથી કાઢી
મૂકશે ?
તારા ક્લાયન્ટના એકાઉન્ટમાં કોઈ મેજર મિસટેક છે. ચાલ, હું તારી સાથે આવું છું. સંજયે મિત્રભાવે કહ્યું.
મારા પપ્પાના ગયા પછી .. .. .. કહેતાં દીપાલીનો અવાજ રૂંધાઈ ગયો.
દીપાલી, ડોન્ટ વરી હું અને સંજય તારી સાથે જ છીએ. મોનાએ કહ્યું.
મેનેજર સાહેબની કેબિનમાં જતાં દીપાલી માંડ માંડ બોલી- સર, ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ, બેસો. દીપાલી, તમારા આ એકાઉન્ટમાં આવી મેજર મિસ્ટેક કેવી રીતે થાય ?
એ તો સારું થયું કે સંજયના ધ્યાનમાં ગયું. જો ક્લાયંટ પાસે ગયું હોત તો, હવે જે કાંઈ ભૂલ છે તે સુધારી લો. તમે તો આ કામમાં એક્ષપર્ટ છો. મેનેજર સાહેબે કહ્યું.
સોરી સર, હવે આવી ભૂલ નહીં થાય.
તમારા હસબંડ રાજેશને કહેજો કે મને ફોન કરે. મેનેજરે કહ્યું.
બીજે દિવસે રાજેશે મેનેજરને ફોન કર્યો.
રાજેશ, મને લાગે છે કે તમારી પત્ની દીપાલી હજુ પણ ડિપ્રેશનમાં છે. તેના પિતાના મૃત્યુને ઝીરવી શકી નથી. એને કાઉન્સિલરની જરૂર છે. મેનેજરે કહ્યું.
સર, હું ઘણા પ્રયત્ન કરું છું. પણ, એ તો રાતે પણ એના પપ્પા-મમ્મીનો ફોટો છાતી પર મૂકીને જ સૂઈ જાય છે. અમારા અંગત સંબંધોમાં પણ,.. .. .. રાજેશ કશું જ બોલી ન શકયો.
રાજેશ તમારી પરિસ્થિતિનો ઝડપી ઉકેલ જરૂરી છે. હું મારા એક મિત્ર અનુજ દેસાઈનો નંબર આપું છું. એ સારા કાઉન્સીલર છે. એમની એપોઈંટમેન્ટ લઈ લો. મને લાગે છે કે ઘણો ફેર પડશે.
પણ, દીપાલી આવશે ? રાજેશે મૂંઝાતા પૂછ્યું.
એને ડોકટર પાસે લઈ જાય છે એવું ન કહેતો. એને કહેજે તારા સરના મિત્રને મળવાનું છે.
કાઉન્સિલર દેસાઈ તો એકદમ હસમુખા સ્વભાવ હતા. રાજેશ અને દીપાલી મુકત મને વાત કરી શક્યાં.
દેસાઈ સરે કહ્યું- દીપાલી, હું તમને મારી વાત કહું. હું એક ઓફિસમાં કામ કરતો હતો. મારું શ્રેષ્ઠ કામ જોઈને મારી મેનેજિંગ કમિટીમાં નિમણૂક થવાની હતી. પણ કેટલાક અદેખા લોકોએ મેનેજિંગ સભ્યોના કાન ભંભેર્યા. મને પ્રમોશન ન મળ્યું. એટલું જ નહીં પણ મારા કેરેકટર વિષે પણ અફવા ફેલાવી. હું ખૂબ મેન્ટલી અપસેટ થઈ ગયો હતો. હું હિંમત હાર્યો નહીં. મેં મારું આ નવું કામ શરૂ કર્યું. જીવનમાં અપડાઉન તો આવે પણ જીવનની દરેક પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ. દીપાલી, તને શું તકલીફ છે, આવા પ્રેમાળ પતિ છે, સુખી કુટુંબ છે. દેસાઈએ પૂછયું.
દીપાલીએ ખુલ્લા મને તેની મૂંઝવણ કહી સંભળાવી.
દેસાઈ સર બધું સમજી ગયા. એમણે કહ્યું,રાજેશભાઈ, દીપાલી બહુ સમજુ છે. એને એની મમ્મી સાથે થોડા દિવસ રાખો. એક મહિનામાં જ આ સમસ્યા દૂર થશે.
હેમંત અને મમ્મી દીપાલીના ઘરે ત્રણ અઠવાડિયા રહ્યાં. હેમંત માટે મુંબઇની જ ક્ધયા પસંદ કરી. એટલું જ નહીં કાંદિવલીમાં હેમંતે ફલેટ લીધો. મમ્મી અને ભાઈ હવે નજદીકમાં જ રહેવા આવી ગયા એટલે દીપાલીનું મન હળવું ફુલ જેવું થઈ ગયું. જાણે કે કાળા વાદળમાં ઢંકાયેલા પેલાં સોનેરી કિરણો દીપાલીના જીવનમાં ફરી ફેલાઈ ગયાં.