સૌરાષ્ટ્રને ત્રણ દિવસ ધમરોળ્યા બાદ ‘મેઘવિરામ’ : આજે રાજ્યના 93 તાલુકાઓમાં વરસાદ
અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે. અતિ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જોકે આ દરમિયાન આજે બપોર બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આજે રાજ્યના 93 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં એકધારા પડીને વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. આજે રાજ્યના 93 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં સાડા છ ઇંચ નોંધાયો છે. જ્યારે જુનાગઢમાં સવા પાંચ ઇંચ, વેરાવળમાં સાડા ચાર ઇંચ અને તાલાલામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જોકે આજ બપોર બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
સાંજે છ થી આઠ વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગતો જોઈએ તો આજે રાજ્યના સાંજ છ થી આઠ ના ગાળામાં પડેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ બોટાદ જિલ્લાના રાણપુરમાં 11 મીમી નોંધાયો છે. એ સિવાય બોટાદના બરવાળા આઠ મીમી, માળીયા હાટીના અને વિસાવદરમાં છ મીમી, મેંદરડા અને ગણદેવીમાં પાંચ મીમી, બોટાદમાં ત્રણ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે કચ્છના ભચાઉ, અમરેલીના ખાંભા, જૂનાગઢના કેશોદમાં બે મીમી વરસાદ નોંધાયો છે.
જોકે આ દરમિયાન માળીયાહાટીના તાલુકાના આંબલગઢ ગામે નદીના પૂરમાં એક શ્રમિક તણાયો છે. શ્રમિક તણાયાની ઘટનાની જાણ થયા બાદ તેને શોધવાની આદરવામાં આવી હતી. સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે પોરબંદર, જુનાગઢ અને દ્વારકામાં જળપ્રલયના દ્રશ્યો સામે આવ્યા છે. જો કે આજે મેઘાએ પોરો લેતા ખેડૂતો અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.