ઉત્સવ

ઍન ઑલિમ્પિક ઇન પૅરિસ

ફ્રાન્સના પાટનગરમાં ૧૦૦ વર્ષે ઑલિમ્પિક ગેમ્સનું કમ બૅક: ૨૬મી જુલાઈએ ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઓપનિંગ સેરેમની સાથે વિશ્ર્વના સૌથી મોટા રમતોત્સવનો આરંભ

કવર સ્ટોરી – અજય મોતીવાલા

ક્રિકેટોત્સવ અને ફૂટબૉલના મહોત્સવ બાદ હવે ૩૨ રમતોવાળી ‘પૅરિસ ઑલિમ્પિક ગેમ્સ’નો સમય નજીક આવી ગયો છે.

વિશ્ર્વનો આ સૌથી મોટો રમતોત્સવ ૨૬મી જુલાઈએ ફ્રાન્સના પાટનગર પૅરિસમાં ઐતિહાસિક તથા શાનદાર ઓપનિંગ સેરેમની સાથે શરૂ થશે અને ૧૧મી ઑગસ્ટે ક્લોઝિંગ સેરેમની સાથે સમાપન થશે.

પૅરિસમાં સૌથી પહેલાં ૧૯૦૦માં અને ત્યાર બાદ ૧૯૨૪માં સમર ઑલિમ્પિક્સનું આયોજન કરાયું હતું. ત્યાર બાદ હવે એક સૈકા બાદ (બરાબર ૧૦૦ વર્ષે) પૅરિસને આ મેગા
રમતોત્સવના આયોજનનો લાભ મળ્યો છે. લંડન પછી પૅરિસ બીજું શહેર છે જેને ત્રીજી વાર ઑલિમ્પિક ગેમ્સનું યજમાનપદ મળ્યું છે. લંડનમાં ૧૯૦૮, ૧૯૪૮ અને ૨૦૧૨માં આ રમતોત્સવ યોજાયો હતો.

૨૦૧૭ના સપ્ટેમ્બરમાં ૨૦૨૪ની ઑલિમ્પિક ગેમ્સ માટે (પાંચ શહેરોની હરીફાઈ વચ્ચે) પૅરિસ પર કળશ ઢોળવામાં આવ્યો હતો. પૅરિસમાં ૧૦ દાયકા બાદ ફરી આવેલા આ સુવર્ણ અવસરને આપણે ‘ઍન ઇવનિંગ ઇન પૅરિસ’ને બદલે ‘ઍન ઑલિમ્પિક ઇન પૅરિસ’ તરીકે ઓળખાવીશું.

ભારતમાં વર્ષ ૨૦૩૬ની ઑલિમ્પિક ગેમ્સ યોજવા માટે જોરશોરથી પ્રયાસો થઈ રહ્યા છે એ જોતાં આ વખતે પૅરિસમાં ભારતીય ઍથ્લીટો અને ખેલાડીઓ નવા જોશથી ભાગ લેશે.
પૅરિસ ઑલિમ્પિક્સમાં ૨૦૬ દેશના ૧૦,૦૦૦થી પણ વધુ રમતવીરો અને રમત વીરાંગનાઓ ભાગ લેશે. તેમની વચ્ચે ૩૨ રમતોની ૩૨૯ મેડલ-ઇવેન્ટમાં હરીફાઈઓ યોજાશે.
અંદાજે કુલ ૫,૦૮૪ મેડલ એનાયત કરવામાં આવશે. છેલ્લી સાત ઑલિમ્પિક્સથી અમેરિકા સૌથી વધુ મેડલ જીતતું આવ્યું છે. યુક્રેન સામે યુદ્ધ કરનાર રશિયાષ્ૂતથા બેલારુસના ઍથ્લીટોને તેમના દેશના રાષ્ટ્રધ્વજ વિના આ સ્પર્ધામાં ભાગ લેવાની છૂટ અપાઈ છે.
ભારતના કુલ ૧૧૭ ઍથ્લીટ્સ તથા ખેલાડીઓ પૅરિસ ઑલિમ્પિક્સની ૧૬ રમતોમાં ભાગ લેશે. બૅડમિન્ટન-સ્ટાર પીવી સિંધુ તેમ જ ટેબલ ટેનિસ સ્ટાર શરથ કમલ ઓપનિંગ સેરેમનીમાં ભારતીય તિરંગા સાથે આગેવાની લેશે. ઑલિમ્પિક મેડલ વિજેતા શૂટર ગગન નારંગ ભારતીય સંઘના વડા છે.

મેડલ માટેના ભારતના મુખ્ય દાવેદારોમાં નીરજ ચોપડા (ભાલાફેંક), પીવી સિંધુ (બૅડમિન્ટન), મીરાબાઈ ચાનુ (વેઇટલિફ્ટિંગ), મેન્સ હૉકી ટીમ, લવલીના બોર્ગોહેઇન (મુક્કાબાજી), નીખત ઝરીન (મુક્કાબાજી), વિનેશ ફોગાટ (કુસ્તી), અમન સેહરાવત (કુસ્તી), મનુ ભાકર (નિશાનબાજી), સિફત કૌર સામરા (નિશાનબાજી), સાત્વિક સાઇરાજ રૅન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટી (બૅડમિન્ટન ડબલ્સ), અદિતી અશોક (ગૉલ્ફ) અને મનિકા બત્રા (ટેબલ ટેનિસ).

ભારતે સૌથી પહેલાં ૧૯૦૦ની પૅરિસ ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ ૧૯૨૦ની ઍન્ટવર્પ અને પછી ૧૯૨૪ની પૅરિસ ઑલિમ્પિક ગેમ્સમાં પણ ભારતે ઍથ્લીટો મોકલ્યા હતા. અત્યાર સુધીમાં ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓ કુલ મળીને ૩૫ ઑલિમ્પિક મેડલ જીત્યા છે જેમાં મેન્સ હૉકીનાં આઠ ગોલ્ડ મેડલ ભારતનો વર્લ્ડ રેકૉર્ડ છે. ભારતના ૩૫માંથી ૧૦ ગોલ્ડ મેડલ, ૯ સિલ્વર અને ૧૬ બ્રૉન્ઝ મેડલ સામેલ છે.

અભિનવ બિન્દ્રા (શૂટિંગ) અને નીરજ ચોપડા (ભાલાફેંક) ભારતના માત્ર બે વ્યક્તિગત ગોલ્ડ મેડલવિજેતા છે.

૨૦૨૧ની ટોક્યો ખાતેની ગઈ ઑલિમ્પિક ગેમ્સમાં અમેરિકા ૩૯ ગોલ્ડ સહિત ૧૧૩ મેડલ સાથે નંબર-વન, ચીન ૩૮ ગોલ્ડ સહિત ૮૯ મેડલ સાથે નંબર-ટૂ અને જાપાન ૨૭ ગોલ્ડ સહિત ૫૮ મેડલ સાથે નંબર-થ્રી હતું.

ભારત ૨૦૨૧ની ટોક્યો ઑલિમ્પિક્સમાં કુલ સાત મેડલ સાથે ૪૮મા સ્થાને રહ્યું હતું. એ સાત ચંદ્રકમાં એક ગોલ્ડ (નીરજ ચોપડા-ભાલાફેંક), બે સિલ્વર (મીરાબાઈ ચાનુ-વેઇટલિફ્ટિંગ, રવિ દહિયા-કુસ્તી) અને ચાર બ્રૉન્ઝ (પીવી સિંધુ-બૅડમિન્ટન, લવલીના-બૉક્સિગં, બજરંગ પુનિયા-કુસ્તી અને મેન્સ હૉકી ટીમ) મેડલ વિજેતાઓ સામેલ હતા.

પહેલી વાર સ્ટેડિયમની બહાર સેન નદીની આસપાસ ઑલિમ્પિક્સનું ઓપનિંગ!

ઑલિમ્પિક ગેમ્સના સવાસો વર્ષના ઇતિહાસમાં પહેલી જ વાર આ રમતોત્સવની ઓપનિંગ સેરેમની સ્ટેડિયમની અંદર નહીં, પણ સ્ટેડિયમની બહાર, જાહેર સ્થળે રાખવામાં આવી છે. ૧૦,૦૦૦થી પણ વધુ ઍથ્લીટો અને ખેલાડીઓ આ મેગા રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને તેમને વારાફરતી પૅરિસની જગવિખ્યાત સેન નદીમાં બોટની સફર કરાવવામાં આવશે. સેન નદીમાં છ કિલોમીટરના અંતરમાં સ્પર્ધકોની શાનદાર અને યાદગાર સફર યોજાશે જે દરમ્યાન તેઓ નદીની આસપાસના એફિલ ટાવર સહિતનાં વિશ્ર્વવિખ્યાત સ્થળો તથા સ્મારકોની ઝલક માણી શકશે. દરેક બોટમાં કૅમેરા ગોઠવાયેલા હશે કે જેથી ટીવી પર કે મોબાઇલ પર ઓપનિંગની સેરેમની માણી રહેલા લોકોને ક્લોઝ-અપ વ્યૂ જોઈ શકાય.

સેન નદી ખાતેની ઓપનિંગ સેરેમની દરમ્યાન ૧૦૦ દેશોના સરકારી વડા તથા ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમ જ ૩,૦૦,૦૦૦થી પણ વધુ પ્રેક્ષકો આ ઐતિહાસિક ઓપનિંગનો નઝારો પ્રત્યક્ષ માણશે. ઓપનિંગ માટેના સેન નદીની આસપાસના સ્થળે કુલ ૮૦ જાયન્ટ સ્ક્રીન પણ લગાવવામાં આવી રહ્યા છે.

પર્પલ પૅરિસ: જાંબુડી રંગની થીમ આધારિત અત્યાર સુધીનો સૌથી ઝડપી ટ્રૅક

પૅરિસમાં ઍથ્લેટિક્સના સ્થળે પર્પલ થીમ આધારિત ટ્રૅક આ વખતની ઑલિમ્પિક્સનું મોટું નજરાણું છે. સામાન્ય રીતે દરેક ઍથ્લેટિક્સનો ટ્રૅક લાલ-નારંગી અથવા બ્લ્યૂ રંગનો હોય છે, પરંતુ પૅરિસમાં અનોખી ટેક્નૉલોજીના ઉપયોગથી જાંબુડી રંગનો ટ્રૅક તૈયાર કરવામાં આવ્યો છે. કહેવાય છે કે લૅવેન્ડર કલરનો આ ટ્રૅક ભાલાફેંકના ડિફેન્ડિંગ ચૅમ્પિયન નીરજ ચોપડાને મદદરૂપ થશે. કારણ એ છે કે ભાલો ફેંકવાની તેની જે સ્ટાઇલ છે એનાથી તેને આ નવા ટ્રૅક પર ઘણો ફાયદો થશે. બીજું, તે મોટા ભાગે યુરોપની સર્કિટ પર જ પ્રૅક્ટિસ કરતો હોય છે જ્યાં આવા પ્રકારના અદ્યતન ટ્રૅક બનેલા હોય છે. આ આખા રમતોત્સવ માટે આયોજકોએ બ્લ્યૂ, ગ્રીન અને પર્પલ કલરની થીમ પસંદ કરી છે અને એને અનુરૂપ જાંબુડી રંગનો ટ્રૅક તૈયાર કરાયો છે. ઇટલી-સ્થિત મૉન્ડો ગ્રૂપે ટોચના કેટલાક ઍથ્લીટો સાથેની સલાહ-મસલત બાદ આ બે સ્તરવાળા આ ફાસ્ટેસ્ટ ટ્રૅકની ડિઝાઇન તૈયારી કરી છે જેમાં ટ્રૅકની સપાટી વલ્કૅનાઇઝડ રબરથી બનાવાઈ છે જેના પર ઍથ્લીટોને બહુ સારી ગ્રિપ મળે છે અને ટ્રૅકની સપાટી લવચીક પણ હોય છે. ટ્રૅકની અંદર અનેક જગ્યાએ હવા ભરાઈ જવાની હવે કોઈ સંભાવના નહીં રહે. ટૂંકમાં, અગાઉની ઑલિમ્પિક્સની તુલનામાં આ બધામાં સુધારો કરાયો છે.

ઑલિમ્પિક્સમાં ક્રિકેટ ૧૨૪ વર્ષથી નથી રમાઈ

ભારત ક્રિકેટક્રેઝી દેશ છે. લગભગ ૮૦ ટકા લોકોને માત્ર ક્રિકેટનો ક્રેઝ છે. બીજી રમતો પણ છેલ્લાં થોડાં વર્ષોથી ભારતમાં લોકપ્રિય થઈ છે, પરંતુ ક્રિકેટ સર્વોપરી છે એટલે કોઈ પણ ભારતીયના મનમાં સવાલ થાય કે પૅરિસ ઑલિમ્પિક્સમાં ક્રિકેટની સ્પર્ધા રમાવાની છે કે નહીં? જવાબ એ છે કે આ વખતે નહીં, પણ ૨૦૨૮ની અમેરિકાની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં જરૂર ક્રિકેટની રમત કમબૅક કરશે.

તમને જાણીને નવાઈ લાગશે કે ઑલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ ફક્ત એક વાર રમાઈ છે અને એ પણ છેક ૧૯૦૦ની ઑલિમ્પિક્સમાં એટલે કે ૧૨૪ વર્ષ પૂર્વે. યોગાનુયોગ, વિશ્ર્વનો આ સૌથી મોટો રમતોત્સવ ત્યારે પૅરિસમાં જ યોજાયો હતો. એની ક્રિકેટ-સ્પર્ધામાં ફક્ત બે દેશની મેન્સ ટીમે ભાગ લીધો હતો અને ગ્રેટ બ્રિટને ફ્રાન્સ પર વિજય મેળવ્યો હતો.

સેન નદી સાફ કરાઈ ૧૨૬ અબજ રૂપિયાના ખર્ચે

મુંબઈમાં જેમ લોકલ ટ્રેન શહેરની લાઇફલાઇન મનાય છે એમ પૅરિસમાં સેન નદી જાહેર જનતાની જિંદગીની સૌથી મહત્ત્વની કડી તરીકે ઓળખાય છે. ખાસ ઑલિમ્પિક્સ માટે સેન નદી ૧.૫ બિલિયન ડૉલર (અંદાજે ૧૨૬ અબજ રૂપિયા)ના ખર્ચે સાફ કરવામાં આવી છે. આ સાફસફાઈ ઝુંબેશની શરૂઆત થોડાં વર્ષો પહેલાં જ થઈ ગઈ હતી. પૅરિસમાં આ પહેલાં ક્યારેય કોઈ પ્રૉજેક્ટ આટલા જંગી ખર્ચનો નહોતો. નદીને ક્લીન કરવાનું કામ ગયા અઠવાડિયે પૂરું થયું ત્યાર બાદ એમાં પહેલી ડૂબકી પૅરિસનાં મેયર ઍન હિડાલ્ગોએ મારી હતી. તેમણે વેટસૂટ અને ગૉગલ્સ પહેરીને ડૂબકી મારવાની સાથે બધાને સંકેત આપ્યો હતો કે હવે આ નદી પૂરેપૂરી સાફ છે અને એમાં ઑલિમ્પિક્સની સ્વિમિંગની હરીફાઈઓ કોઈ પણ પ્રકારની સમસ્યા અને ખચકાટ વિના રાખી શકાશે.

એફિલ ટાવર નજીક વૉલીબૉલ, ફ્રેન્ચ ઓપનની કોર્ટ પર ટેનિસ

૨૬મી જુલાઈએ પૅરિસમાં સમર ઑલિમ્પિક ગેમ્સનું ખુલ્લામાં (સ્ટેડિયમની બહાર) થવાનું હોવાથી બૅકગ્રાઉન્ડમાં જગવિખ્યાત એફિલ ટાવર તો દેખાશે જ, આ રમતોત્સવની વૉલીબૉલની ટૂર્નામેન્ટ એફિલ ટાવરની લગોલગ અને સેન નદીની નજીક બનેલા સ્ટેડિયમમાં રમાશે જે આ ગેમ્સનું મોટું નજરાણું છે. એ ઉપરાંત, દર વર્ષે પૅરિસમાં રૉલાં ગૅરો ખાતે ફ્રેન્ચ ઓપન ગ્રૅન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટની મૅચો જે ટેનિસ કોર્ટ પર રમાતી હોય છે ત્યાં પૅરિસ ઑલિમ્પિક્સના ટેનિસ મુકાબલા યોજાશે.

શું તમે જાણો છો?

(૧) ૧૪ વર્ષની સ્વિમર ધીનિધી દેશિંગુ પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતની યંગેસ્ટ ઍથ્લીટ છે, જ્યારે ૪૪ વર્ષનો ટેનિસ ખેલાડી રોહન બોપન્ના ભારતનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે.

(૨) આ ૩૦મી સમર ઑલિમ્પિક ગેમ્સ છે. ૧૮૯૬માં ગ્રીસના ઍથેન્સમાં પહેલી વાર સમર ઑલિમ્પિક્ય યોજાઈ હતી. જોકે આ રમતોત્સવમાં ઇનામરૂપે મેડલ આપવાની શરૂઆત ૧૯૦૪ની અમેરિકા-સ્થિત ઑલિમ્પિક ગેમ્સથી થઈ હતી. છેલ્લે ૨૦૨૧માં (કોવિડ-૧૯ સંબંધિત લૉકડાઉનના માહોલમાં) ઑલિમ્પિક ગેમ્સ જાપાનના ટોક્યો શહેરમાં યોજાઈ હતી.

(૩) પહેલી વાર સમર ઑલિમ્પિક્સમાં પુરુષ અને મહિલા સ્પર્ધકોની સંખ્યા લગભગ અડધી છે. ૧૦,૭૦૦ જેટલા સ્પર્ધકોમાં અડધા ભાગના (૫,૩૫૦) પુરુષો અને બાકીના ૫,૩૫૦ મહિલા સ્પર્ધકો છે.

(૪) ઇઝરાયલના ઍથ્લીટો ઑલિમ્પિક્સમાં ભાગ લેશે ત્યારે તેમની વિરુદ્ધ પૅલેસ્ટીન-તરફી પ્રેક્ષકો હુરિયો બોલાવશે એવી પાકી સંભાવના છે. ઑક્ટોબર, ૨૦૨૩માં પૅલેસ્ટીન-પ્રેરિત હમાસ આતંકવાદીઓએ ઇઝરાયલની સરહદ નજીકના નાગરિકો પર ઘાતક હુમલો કર્યો ત્યાર બાદ ઇઝરાયલે ગાઝા પટ્ટી પર યુદ્ધ શરૂ કર્યું જેમાં હજારો લોકોના તેમ જ ૩૦૦થી વધુ ઇઝરાયલી સૈનિકોનાં મૃત્યુ થયાં છે.

(૫) બ્રેકડાન્સિંગ અથવા બ્રેકિંગ તરીકે ઓળખાતી શહેરી ડાન્સ સ્ટાઇલની સ્પર્ધા આ વખતે ઑલિમ્પિક્સમાં ડેબ્યૂ કરશે. આ ડાન્સ સાથે હિપ-હૉપ કલ્ચર પણ જોડાયેલું છે.

(૬) સ્કેટબોડિર્ંગ, સ્પોર્ટ ક્લાઇમિંગ તેમ જ સર્ફિંગ જેવી રમતોની હરીફાઈ પણ આ વખતે કમબૅક કરી રહી છે.

(૭) ૨૬ જુલાઈએ પૅરિસમાં સેન નદીની આસપાસ યોજાનારી ઓપનિંગ સેરેમની માટે ૨,૨૨,૦૦૦ પ્રેક્ષકોને મફતમાં પાસ વહેંચવામાં આવ્યા છે, જ્યારે ૧,૦૪,૦૦૦ ટિકિટો વેચવામાં આવી છે.

(૮) પૅરિસની ઓપનિંગ સેરેમની દરમ્યાન સલામતીની અને અન્ય પ્રકારની સુવિધાના હેતુસર ૪૫,૦૦૦ પોલીસ કર્મચારીઓ તેમ જ હજારો સ્વયંસેવકોની નિયુક્તિ કરાઈ છે.

(૯) ઓપનિંગ સેરેમની માટે સેન નદીના રૂટની આસપાસની ઇમારતો પર સ્નાઇપર્સ તેમ જ ઍન્ટિ-ડ્રોન સિસ્ટમ ગોઠવવામાં આવ્યા છે.

(૧૦) સેન નદીની આસપાસ રહેનારાઓને અવરજવર માટે ક્યૂઆર કોડ આપવામાં આવ્યા છે તેમ જ નદીની નજીકની મેટ્રો રેલવે લાઇન હમણાં સ્થગિત કરાઈ છે તેમ જ પુલ પણ બંધ રાખવામાં આવ્યા છે.

(૧૧) ઓપનિંગ સેરેમની દરમ્યાન પૅરિસના આકાશમાંથી એક પણ વિમાન ઉડાડવાની
પરવાનગી નહીં અપાય. માત્ર સેરેમનીને લગતી હવાઈ સફરની છૂટ અપાઈ છે.

(૧૨) પૅરિસ ઑલિમ્પિક્સ સંબંધમાં આતંકવાદી હુમલાની કોઈ ધમકી નથી અપાઈ, પરંતુ જો અસલામતીને લગતી મોટી સમસ્યા સર્જાશે તો બૅક-અપ પ્લાન તૈયાર રખાયો છે જેમાં ઓપનિંગ સેરેમની ટ્રૉકેડેરો સ્ક્વેરમાં કે એફિલ ટાવર નજીક કે સ્ટેડ દ ફ્રાન્સ સ્ટેડિયમમાં રાખી દેવામાં આવશે. પોલીસને માત્ર લોન-અટૅકર (સિંગલ આત્મઘાતી હુમલાખોર)નો ડર છે જેના માટે અલગથી સલામતી વ્યવસ્થા વિચારાઈ છે. મે મહિનામાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સાથે સંકળાયેલા શકમંદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી.

(૧૩) પૅરિસના ઑલિમ્પિક વિલેજમાં ઍથ્લીટો અને ખેલાડીઓ માટેના એક પણ રૂમમાં ઍર-કન્ડિશનિંગ (એસી)ની સુવિધા નહીં હોય. ‘હરિત રમતોત્સવ’ના હેતુથી આ નિર્ણય લેવાયો છે અને એસીને બદલે એવી કૂલિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે જેમાં ભૂગર્ભમાંના પાણીનો ઉપયોગ થતો રહેશે અને એ સિસ્ટમના મુખ એવી રીતે ગોઠવાયા છે જેના પર સૂર્યના બને એટલા ઓછા કિરણો પડે.

(૧૪) કૅનેડાના ઘોડેસવારીના ૫૯ વર્ષની ઉંમરના ઍથ્લીટ મારિયો ડેસ્લૉરિયર્સ આ વખતની ઑલિમ્પિક્સના સૌથી મોટી ઉંમરના સ્પર્ધક છે. તેમણે સૌથી પહેલાં ૧૯૮૪ની ઑલમ્પિક્સમાં ભાગ લીધો હતો ત્યારે તેઓ ૧૯ વર્ષના હતા.

(૧૫) ભારતના સ્પોર્ટ્સપ્રેમીઓ ૨૬ જુલાઈથી ૧૧ ઑગસ્ટ દરમ્યાન ખેલકૂદની વિવિધ ચૅનલો પર ઑલિમ્પિક્સની હરીફાઈઓ લાઇવ તેમ જ હાઇલાઇટ્સ માણી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button