મુલુંડમાં સગીરા પર બે જણે ગુજાર્યો બળાત્કાર: એકની ધરપકડ
ઘેનયુક્ત ઠંડું પીણું પિવડાવી દુષ્કર્મ આચર્યાનો સગીરાનો આક્ષેપ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડમાં 16 વર્ષની સગીરા સાથે બે જણે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે પડોશીની ધરપકડ કરી હતી. ઘેનયુક્ત ઠંડું પીણું અને શરાબ પિવડાવી આરોપીએ બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ સગીરાએ કર્યો હતો.
મુલુંડ પશ્ચિમમાં વિજય નગર પાસેના પરિસરમાં રહેતી સગીરાએ આ મામલે રવિવારે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે બન્ને આરોપી છેલ્લા પાંચ મહિનાથી સગીરાનું કથિત જાતીય શોષણ કરતા હતા. ફરિયાદને આધારે પોલીસે 21 વર્ષના યુવકની ધરપકડ કરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર સગીરા અને આરોપી એક જ વિસ્તારમાં રહે છે અને તમિળનાડુના વતની છે. ફરિયાદીનાં માતા-પિતા છેલ્લાં કેટલાંક વર્ષથી અલગ રહે છે. ફરાર 37 વર્ષનો આરોપી સગીરાની માતાનો મિત્ર હોવાથી તે સમયાંતરે તેમના ઘરે આવતો હતો. સૌપ્રથમ મે મહિનામાં ફરાર આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતની જાણ તેણે સગીરાના પડોશમાં રહેતા 21 વર્ષના મિત્રને કરી હતી. બાદમાં પડોશી યુવકે પણ સગીરા સાથે કુકર્મ કર્યું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે સગીરાને ઘેનયુક્ત ઠંડું પીણું અથવા દારૂ પિવડાવવામાં આવતો. તે અર્ધબેભાન અવસ્થામાં હોય ત્યારે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવતું.
ઘટના રવિવારે પ્રકાશમાં આવી હતી. સગીરાને પેટમાં સખત દુખાવો ઊપડ્યો હતો. તબીબી તપાસમાં તે ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું જણાયું હતું. પોલીસે બળાત્કારની કલમ અને પોક્સો ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધી પડોશીની ધરપકડ કરી હતી, જ્યારે તેનો મિત્ર ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની શોધમાં રાજ્ય બહાર ગઈ હોવાનું અધિકારીનું કહેવું છે.