ઉત્સવ

તમારી વિચારધારા સબળ હોય તો…

દુનિયાની પરવા કર્યા વિના આગળ વધો !

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

‘માય ડિયર ફેલો, હુ વિલ અલાઉ યુ…?’ મારા ‘પ્રિય’ વિદ્યાર્થી, તને આવું કરવા માટે કોણ પરવાનગી આપશે?

એક આર્કિટેક્ચર કોલેજનો ડિન અત્યંત પ્રતિભાશાળી એવા એક વિદ્યાર્થી હાવર્ડ રોર્કને સવાલ કરે છે. હાવર્ડ સહેજ પણ ખચકાયા વિના ડિનને જડબાતોડ જવાબ આપે છે અને સાથે જ સામો સવાલ પણ કરે છે:

‘ધ ક્વેશ્ર્ચન ઇઝ નોટ ધેટ, હુ વિલ અલાઉ મી. ધ ક્વેશ્ર્ચન ઇઝ ધેટ, હુ વિલ સ્ટોપ મી!’ અર્થાત સવાલ એ નથી કે મને કોણ પરવાનગી આપશે… સવાલ એ છે કે મને કોણ રોકી શકશે!

આ સંવાદો વીસમી સદીમાં વિશ્ર્વવિખ્યાત બનેલાં લેખિકા આયન રેન્ડના પુસ્તક ‘ધ ફાઉન્ટનહેડ’ના છે.

વાચકના દિમાગમાં વિચારોનું વાવાઝોડું ફૂંકી દેવાની ક્ષમતા આયન રેન્ડની કલમમાં હતી. અમેરિકન લેખિકા તરીકે એ જાણીતાં બન્યાં હતાં, પરંતુ એમનો જન્મ રશિયામાં થયો હતો. મૂળ નામ એલિસા રોઝનબોમ હતું. રશિયામાં ક્રાંતિ થઈ એ સમયે એ બાર-તેર વર્ષનાં હતાં. એમણે કારમી ગરીબી જોઈ હતી અને ખૂબ મહેનત – સંઘર્ષ કરીને આગળ આવ્યાં હતાં.
સામૂહિક હિતના નામ હેઠળ લોકોને કેવી રીતે કચડી નાખવામાં આવે છે એનો અનુભવ આયન રેન્ડને બાળપણમાં જ થઈ ગયો હતો. પિતા યહૂદી હતા અને કેમિસ્ટ તરીકે દુકાન ચલાવીને કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. એ દુકાન જબરદસ્તીથી એમની પાસેથી છીનવી લેવામાં આવી હતી. એ સમયમાં કારખાનાં, બેન્કો, લોકોની માલ-મિલકતો બધું જ રાષ્ટ્રની માલિકીનું બન્યું હતું અને ઠેર ઠેર એવાં ચોપાનિયાંઓ ફેંકાતાં હતાં કે માણસે સમૂહ માટે જીવવું જોઈએ.

એ સ્થિતિ વિરુદ્ધ આયન રેન્ડના મને બળવો કર્યો હતો. કિશોરાવસ્થામાં વિચાર આવ્યો કે આ દેશ મારો નથી એટલે મારે અહીંથી ભાગી છૂટવું જોઈએ. ખૂબ મનોમંથનને અંતે છેવટે એમણે વ્યક્તિસ્વાતંત્ર્ય માટે પ્રતિષ્ઠા ધરાવનારા અમેરિકામાં જઈને વસવાનો નિર્ણય લીધો અને ૨૧ વર્ષની ઉંમરે અમેરિકા સ્થળાંતર કરી ગયાં અને એ વખતે એમણે પોતાના દેશનો જ નહીં પોતાની માતૃભાષાનો અને પોતાના નામનો પણ ત્યાગ કરી દીધો હતો.

એલિસ અમેરિકા જઈને આયન રેન્ડ બની ગયાં. અમેરિકામાં શરૂઆતના દિવસોમાં ગરીબી અને ભૂખમરો ભોગવવાં પડ્યાં. આર્થિક રીતે સ્વતંત્ર બની રહેવા માટે કારકુન તરીકે એમણે કામ કર્યું, ઘરે-ઘરે અખબારો નાખવાનું કામ પણ કર્યું. બે ટંકનું ખાવાનું મળી રહે એ માટે એ હોલિવૂડ જઈને ફિલ્મોમાં એક્સ્ટ્રા તરીકે કામ કર્યું, એ સિવાય પણ જીવનનિર્વાહ માટે જે કામ મળ્યું એ અપનાવ્યું. જોકે એ દરમિયાન એમનું સપનું લેખિકા બનવાનું હતું એટલે રાત-દિવસ જ્યારે પણ સમય મળે ત્યારે લખતાં રહેતાં હતાં.

એમની નવલકથા ‘ધ ફાઉન્ટનહેડ’માં સ્થાપત્ય શાસ્ત્રને એટલે કે આર્કિટેક્ચરને સાંકેતિક રીતે દર્શાવીને ગાડરિયા પ્રવાહ વિરુદ્ધ સંઘર્ષ કરનારા એક સર્જનશીલ આર્કિટેક્ટની સંઘર્ષ કથાનું આલેખન કર્યું. એ નવલકથાનો નાયક હાવર્ડ રોર્ક પ્રચલિત માન્યતાઓનો ભુક્કો બોલાવીને કોઈની કશી જ પડી ન હોય એ રીતે પોતે જે માને પોતાની માન્યતા પ્રમાણે જીવે છે. અને એના માટે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ વહોરી લેવાની તૈયારી દર્શાવે છે. એમાં વાસ્તવમાં આયન રેન્ડના જીવનનું જ પ્રતિબિંબ ઝિલાયું હતું.

એ નવલકથામાં એમણે હાવર્ડ રોર્કની સામે એલ્ઝ્વર્થ ટુહી નામના પાત્રનું સર્જન કર્યું. ટુહી એક બૌદ્ધિક પણ બદમાશ અને વગદાર વિવેચક છે. આજના સમયના દંભી અને સ્પાઈનલેસ એટલે કે કરોડરજ્જુ વિનાના માણસોનું પ્રતિબિંબ એના વ્યક્તિત્વમાં છલકાતું રહે છે.

ફેબ્રુઆરી ૨, ૧૯૦૫ના દિવસે જન્મેલા અને માર્ચ ૬, ૧૯૮૨ના દિવસે મૃત્યુ પામેલાં એલિસા ઝિનોવ્યેવ્ના રોઝેનબોમ ઊર્ફે આયન રેન્ડ એક વિચારશીલ લેખક અને ફિલોસોફર તરીકે પોતાની અમીટ છાપ છોડી ગયાં. એમની નવલકથાઓના અનુવાદ સંખ્યાબંધ ભાષાઓમાં થયા. આમ તો એમની શરૂઆતની નવલકથાઓ નિષ્ફળ નીવડી હતી. એમણે બ્રોડવે માટે બે નાટક પણ લખ્યાં હતાં, પરંતુ ૧૯૪૩માં એમની ‘ધ ફાઉન્ટનહેડ’ નવલકથા આવી અને એ ચોતરફ છવાઈ ગયાં. ૧૯૫૭માં ‘એટલાસ શ્રગ્ડ’ નવલકથા લખી, એ પછી તો એ જગમશહૂર બની ગયાં અને એમનું મૃત્યુ થયું ત્યાં સુધી પછી એ નોન-ફિક્શન લેખન કરતાં રહ્યાં ને પોતાની ફિલોસોફી-વિચારધારાને આગળ ધપાવતા રહ્યાં. એમણે પોતાનું એક સામયિક ચાલુ કર્યું હતું. એમાં ઘણા નિબંધો પ્રકાશિત કર્યા હતા. એમનો જન્મ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં થયો હતો અને મૃત્યુ અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં થયું હતું.
આયન રેન્ડે સૌપ્રથમ ‘વી ધ લિવિંગ’ નામની નવલકથાથી લેખનની શરૂઆત કરી હતી. અને તેમની છેલ્લી નવલકથા હતી ‘એટલાસ શ્રગ્ડ.’

આયન રેન્ડનાં પુસ્તકોની ૩૭ મિલિયન એટલે કે ત્રણ કરોડ સિત્તેર લાખથી વધુ કોપીઓ અત્યાર સુધીમાં વેચાઈ ચૂકી છે.

દરેક વ્યક્તિએ આયન રેન્ડની ‘ધ ફાઉન્ટનહેડ’ નવલકથા ખાસ વાંચવી જોઈએ. એ વાંચ્યા પછી પોતાની અંદર હાવર્ડ રોર્ક છે એવું જણાય તો દુનિયાની પરવા કર્યા વિના આગળ વધવું જોઈએ અને જો પોતાની અંદર એલ્ઝ્વર્થ ટુહી છે એવું લાગે તો ઘેટાની જેમ જિંદગી પસાર કરી દેવી જોઈએ. અને જો આપણને એમ લાગે કે આપણી આજુબાજુ એલ્ઝ્વર્થ ટુહીઓ એકઠા થયા છે તો ચેતી જવું જોઈએ અને એવા સંબંધો પર તત્કાળ ચોકડી મારી દેવી જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?