સેમિ ફાઇનલનો પ્રવેશ ભારતીય મહિલા ક્રિકેટર્સનું રવિવારનું લક્ષ્ય
દામ્બુલા: હરમનપ્રીત કૌરના સુકાનમાં શ્રીલંકામાં ટી-20નો એશિયા કપ રમવા ગયેલી ભારતીય ટીમની રવિવારે બીજી મૅચ (બપોરે 2.00 વાગ્યાથી) યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ) સામે રમાશે અને એમાં પણ જીતીને ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં સ્થાન પાક્કું કરવા મક્કમ છે.
શુક્રવારે ભારતે પાકિસ્તાનની ટીમને સાત વિકેટે હરાવી દીધી હતી. પાકિસ્તાનને માત્ર 108 રનમાં ઑલઆઉટ કરીને ભારતે 14.1 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 112 રન બનાવીને વિજય મેળવ્યો હતો.
ભારત એશિયા કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પોતાનું જે સંપૂર્ણ વર્ચસ્વ રહ્યું છે એનો પુરાવો ભારતીય ટીમે શુક્રવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે આસાનીથી જીતીને આપ્યો હતો. સ્પિનિંગ-ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. તેણે 20 રનમાં પાકિસ્તાનની ત્રણ વિકેટ લીધી હતી. શ્રેયંકા પાટીલ, રેણુકા સિંહ અને પૂજા વસ્ત્રાકરે બે-બે વિકેટ લીધી હતી.
ભારતીય ઓપનર્સ શેફાલી વર્મા (40 રન) અને સ્મૃતિ મંધાના (45 રન)ની જોડીએ માત્ર 9.3 ઓવરમાં 85 રન બનાવીને ભારતની જીત આસાન બનાવી હતી.
ભારત પાસે બે પૉઇન્ટ અને +2.29નો નેટ રનરેટ છે.
ભારતીય ટીમ ઇશા ઓઝાના નેતૃત્વ હેઠળની યુએઇની ખેલાડીઓને હળવાશથી નહીં લે, કારણકે શુક્રવારે નેપાળ સામે હારી જતાં પહેલાં યુએઇની ટીમે નેપાળને સારી એવી ટક્કર આપી હતી. યુએઇની સ્પિનર કવિશા એગાડાગેએ ફક્ત 12 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. યુએઇ પાસે કુલ આઠ બોલર છે. એની બૅટર ખુશી શર્માએ શુક્રવારે નેપાળ સામે 36 રન બનાવ્યા હતા.