પૅરિસ પહોંચેલી ભારતીય તીરંદાજે કહ્યું, ‘હું દીકરીને મિસ કરું છું, પરંતુ ઑલિમ્પિક-મેડલ પણ મહત્ત્વનું છે’
ભારતીયોમાં સૌથી પહેલાં તીરંદાજોની ટીમ ઑલિમ્પિક વિલેજમાં પહોંચી
પૅરિસ: ભારતના તીરંદાજો અને રૉવિંગ (હલેસાવાળી નૌકાની હરીફાઈ)ની ટીમ ઑલિમ્પિક્સમાં પૅરિસ પહોંચેલી ભારતની સૌથી પહેલી ટીમો છે. ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછીથી તેઓ ઍથ્લીટો તથા ખેલાડીઓ માટેના ઑલિમ્પિક વિલેજમાં પહોંચ્યા હતા. ભૂતપૂર્વ ચૅમ્પિયન શૂટર અને ભારતીય સંઘના વડા ગગન નારંગે આ માહિતી આપી હતી અને ઉમેર્યું હતું કે આ ઍથ્લીટો ઑલિમ્પિક રમતોત્સવ શરૂ થાય એની રાહ જોઈ રહ્યા છે.
ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન તીરંદાજ દીપિકા કુમારીએ પત્રકારોને કહ્યું હતું કે ‘હું મારી દીકરીને મિસ કરી રહી છું, પરંતુ ઑલિમ્પિક-મેડલ મેળવવો એ પણ મારા માટે ખૂબ અગત્યનું છે. દોઢ વર્ષની નાની દીકરીને છોડીને આવવાનું મન નહોતું થતું, પણ વર્ષોથી જે મહેનત કરી હોય એ બદલ કંઈક હાંસલ કરવું એ પણ મહત્ત્વનું હોય એટલે અહીં ફરી એકવાર ઑલિમ્પિક્સમાં મેડલના લક્ષ્ય સાથે આવી છું.’
દીપિકા કુમારીની પુત્રી 19 મહિનાની છે. તેનું નામ વેદિકા છે. દીપિકાએ તીરંદાજ અતનુ દાસ સાથે લગ્ન કર્યા છે.
દીપિકાની આ ચોથી ઑલિમ્પિક ગેમ્સ છે. તેણે 2012ની લંડન ઑલિમ્પિક્સ, 2016ની રિયો ઑલિમ્પિક્સ અને 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ ભાગ લીધો હતો. તે અર્જુન અવૉર્ડ તેમ જ પદ્મશ્રી પુરસ્કાર મેળવી ચૂકી છે. તે 2012માં મહિલા આર્ચરીમાં વર્લ્ડ નંબર-વન બની હતી.
આ પણ વાંચો: Paris Olympics: સ્પેનના જૂના અને નવા ટેનિસ ચૅમ્પિયનને સાથે મળીને પૅરિસ ઑલિમ્પિક્સનો મેડલ જીતવો છે
ભારતીય સંઘના ચીફ ગગન નારંગ ગુરુવારે રાત્રે પૅરિસ પહોંચી ગયા હતા. ત્યાં જઈને તેમણે ઑલિમ્પિક વિલેજમાં ભારતીય ઍથ્લીટો-પ્લેયરો માટે જે વ્યવસ્થા છે એનું અવલોકન કર્યું હતું. આર્ચરી તથા રૉવિંગ ટીમના મેમ્બર્સ શુક્રવારે પૅરિસ પહોંચ્યા હતા.
દરમ્યાન, ભારતીય તીરંદાજોના કોરિયન કોચ બાએક વૂન્ગ કીએ શનિવારે પૅરિસ પહોંચ્યા પછી ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશનની ટીકા કરતા કહ્યું હતું કે ‘મેં બે વર્ષ સુધી ભારતીય તીરંદાજોને તાલીમ આપી અને હવે ખરા સમયે (ઑલિમ્પિક્સ નજીક આવી ગઈ છે ત્યારે) મને ઑલિમ્પિક કોચિંગની જવાબદારીમાંથી છૂટો કરવામાં આવી રહ્યો છે.
મને પૅરિસ ઑલિમ્પિક્સ માટેનું ઍક્રિડિટેશન નથી આપવામાં આવ્યું. હું હવે ભારત પાછો જઈશ, પરંતુ 30મી ઑગસ્ટે કૉન્ટ્રૅક્ટ પૂરો થશે ત્યાર પછી હું મુદત નથી વધારવાનો.’