UPSC ચેરમેનના રાજીનામા બાદ કોંગ્રેસના સરકાર પર પ્રહારો ‘NTAના પ્રમુખને હજુ કેમ બચાવવામાં આવી રહ્યા છે?’

નવી દિલ્હી: UPSC ચેરમેન મનોજ સોનીના રાજીનામા બાદ વિપક્ષ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. રાજીનામાં પર કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાનો વધુ એક મોકો મળ્યો છે. મનોજ સોનીના રાજીનામા બાદ કોંગ્રેસે દાવો કર્યો છે કે ઘણા લોકો એવા છે કે જેમણે વ્યવસ્થાને દૂષિત કર્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સોનીનું રાજીનામું એક મહિના સુધી છુપાવવામાં આવ્યું અને શું હાલના આટલા કૌભાંડો અને આ રાજીનામાને કોઈ સબંધ છે? પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પ્રશ્ન કર્યો હતો કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ના વડા પ્રદીપ કુમાર જોશીને શા માટે હજુ બચાવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે UPSC વિવાદને જોતા સોનીની હકાલપટ્ટી કરવામા આવી છે. UPSC ચેરમેન મનોજ સોનીએ “વ્યક્તિગત કારણોસર” તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. સત્તાવાર સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મનોજ સોનીનો કાર્યકાળ મે 2029માં પૂરો થવાનો હતો.
મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને ટાંકતા કહ્યું હતું કે ‘ભાજપ-આરએસએસ વ્યવસ્થિત રીતે ભારતની બંધારણીય સંસ્થાઓના સંસ્થાકીય કબજામાં વ્યસ્ત છે, જેનાથી આ સંસ્થાઓની પ્રતિષ્ઠા, પવિત્રતા અને સ્વાયત્તતાને નુકસાન થાય છે.’
આ પણ વાંચો: Puja Khedkar વિવાદ વચ્ચે યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ આપ્યું રાજીનામું
જયરામ રમેશે ‘X’ પરની પોસ્ટમાં કહ્યું હતું કે 2014 બાદ તમામ બંધારણીય સંસ્થાઓની પવિત્રતા, પ્રતિષ્ઠા, સ્વાયત્તતા અને વ્યાવસાયિકતાને ખરાબ રીતે નુકસાન થયું છે.પરંતુ સમય-સમય પર સ્વઘોષિત નોન-બાયોલોજિકલ વડા પ્રધાનને પણ એ કહેવા માટે મજબૂર થવું પડ્યું હતું કે ‘બસ હવે બહુ થયું’.
નરેન્દ્ર મોદી 2017માં ગુજરાતમાંથી તેમના મનપસંદ ‘શિક્ષણવિદો’માંથી એકને UPSC સભ્ય તરીકે લાવવામાં આવ્યા અને 2023માં તેમને છ વર્ષની મુદત માટે અધ્યક્ષ બનાવ્યા.” પરંતુ આ કહેવાતા પ્રતિષ્ઠિત સજ્જને હવે તેમની મુદત પૂરી થવાના પાંચ વર્ષ પહેલા રાજીનામું આપી દીધું છે.
જયરામ રમેશે કહ્યું કે, ‘કારણો ગમે તે બતાવવામાં આવે, પરંતુ સ્પષ્ટ રૂપથી એ લાગી રહ્યું છે કે UPSCમાં ચાલી રહેલા હાલના વિવાદને જોતા તેમને હાંકી કાઢવામાં આવ્યા છે’ તેમણે કહ્યું કે આવા બીજા ઘણા લોકોએ સિસ્ટમને ભ્રષ્ટ કરી છે. રમેશે કહ્યું NTAના પ્રમુખ હજુ પણ કેમ બચાવવામાં આવી છે? આ મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રોબેશનરી IAS (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ઓફિસર પૂજા ખેડકરનો મામલો સામે આવ્યા બાદ સોનીના રાજીનામાનો ‘યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો સાથે કોઈ લેવાદેવા નથી’