ઝારખંડની ડેમોગ્રાફી પર ભાજપ શ્ર્વેતપત્ર લાવશે: અમિત શાહ
રાંચી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે એવો દાવો કર્યો હતો કે બેફામ ઘૂસણખોરીને કારણે ઝારખંડમાં આદિવાસી વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે જો ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે તો ડેમોગ્રાફી પર શ્ર્વેત પત્ર કાઢવામાં આવશે જેથી આદિવાસીઓની જમીન અને હક્કોનું રક્ષણ થઈ શકે.
ભાજપને ઝારખંડમાં કમળ ખીલવાનો વિશ્ર્વાસ છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં રાજ્યની 81માંથી 51 વિધાનસભા મતદારસંઘમાં ભાજપને સરસાઈ મળી હતી. અમિત શાહે રાંચીના પ્રભાત તારા ગ્રાઉન્ડમાં પાર્ટીના કાર્યકર્તાઓની રેલીને સંબોધતાં જણાવ્યું હતું. ભાજપની કારોબારી સમિતિની બેઠકમાં તેમણે આ દાવો કર્યો હતો.
ઝારખંડમાં સત્તા બનાવ્યા બાદ આદિવાસી લોકોના રક્ષણ, તેમની જમીનો, અનામત અને હક્કોના રક્ષણ માટે ભાજપ ડેમોગ્રાફી પર શ્ર્વેતપત્ર કાઢશે.
હેમંત સોરેનનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે ઝારખંડના આદિવાસી મુખ્ય પ્રધાન રાજ્યમાં ચાલી રહેલી લવ-જેહાદ અને લેન્ડ-જેહાદના મદદકર્તા છે. તેમની તુષ્ટિકરણ અને વોટબેંકની રાજનીતિને કારણે રાજ્યમાં ડેમોગ્રાફિક ફેરફાર થઈ રહ્યા છે.
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ઘૂસણખોરો ઝારખંડમાં દાખલ થઈ રહ્યા છે. આદિવાસી છોકરીઓની સાથે લગ્ન કરીને તેઓ સર્ટિફિકેટ મેળવી રહ્યા છે અને પછી જમીનો ખરીદી કરી રહ્યા છે.
આ પણ વાંચો: 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, ગૃહ પ્રધાન અમિત શાહે કરી સુરક્ષા સ્થિતિની સમીક્ષા
તેમણે ઈન્ડી ગઠબંધન અને રાહુલ ગાંધી સહિતના કૉંગ્રેસના નેતાઓની ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર પચાવી શકતા ન હોવાથી ઘમંડ દર્શાવી રહ્યા છે.
ઈન્ડી ગઠબંધન અને કૉંગ્રેસના નેતાઓ બાર લાખ કરોડનાં કૌભાંડોમાં લિપ્ત થવા બદલ, તુષ્ટિકરણની રાજનીતિ બદલ, વંશવાદી રાજકારણ બદલ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરવા બદલ ઘમંડ દેખાડી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું. ભાજપને લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની ત્રણ ચૂંટણીઓ 2014, 2019 અને 2014ની મળીને જેટલી બેઠકો મળી છે તેના કરતાં વધુ બેઠકો પર વિજય મેળવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જેએમએમના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે અને તેને દરવાજા દેખાડવાનો સમય આવી ગયો છે.
આ બેઠકમાં હાજર ભાજપના નેતાઓમાં કેન્દ્રીય પ્રધાન અન્નાપૂર્ણા દેવી, લક્ષ્મીકાંત બાજપેયી અને અર્જુન મુંડાનો સમાવેશ થાય છે. (પીટીઆઈ)