Dharavi Redevelopment: ઉદ્ધવ ઠાકરેના આક્ષેપો સામે શિંદે જૂથે કર્યા સામા સવાલ
પહેલા 400 તો હવે 500 સ્ક્વેર ફૂટની માગણી કેમ?
મુંબઈ: ધારાવી રિડેવલપમેન્ટ(પુનર્વિકાસ) પ્રોજેક્ટ બાબતે ઉદ્ધવ ઠાકરેએ એક પત્રકાર પરિષદમાં કરેલા આક્ષેપો અંગે એકનાથ શિંદે જૂથ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને ઉદ્ધવ ઠાકરેને તે બેવડું વલણ ધરાવતા હોવાનો આરોપ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ જો તેમની સરકાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવે તો અદાણી જૂથને આપવામાં આવેલું ધારાવીના રિેડવલપમેન્ટનું ટેન્ડર રદ કરવાની જાહેરાત પણ પત્રકાર પરિષદમાં કરી હતી.
આ પણ વાંચો: …તો ધારાવીનું રિડેવલપમેન્ટ અટકાવી દઇશું: ઉદ્ધવ ઠાકરેએ આપી ચેતવણી
આ બાબતે શિંદે જૂથના નેતા રાહુલ શેવાળેએ ઉદ્ધવ ઠાકરે પર વળતો પ્રહાર કરતા પૂછ્યું હતું કે પહેલા ઉદ્ધવ ઠાકરેએ તેમની સરકાર હતી ત્યારે ધારાવીવાસીઓને 400 સક્વેર ફૂટના ઘર આપવાનો વાયદો કર્યો હતો, તો પછી હવે તે તેમની માટે 500 સ્ક્વેર ફૂટના ઘરોની માગણી કેવી રીતે કરી શકે છે?
આ પણ વાંચો: ધારાવી રિડેવલપમેન્ટ માટે સર્વેક્ષણ શરૂ
શેવાળેએ ઉદ્ધવ ઠાકરે પર ચૂંટણી પહેલા ધારાવીના લોકોને તે ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આરોપ પણ મૂક્યો હતો અને તે પૂરી ન કરી શકાય તેવી ગેરવાજબી માગણી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
ઉદ્ધવના વિધાનસભ્યો ખરીદે છે અદાણીના શેર
ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ શહેરને અદાણી શહેર નહીં બનવા દઇએ તેવું કહી અદાણી જૂથ પર નિશાન સાધ્યું તેનો જવાબ આપતા શેવાળેએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે અદાણી પર પ્રહાર કરી રહ્યા છે ત્યારે તેમના પોતાના વિધાનસભ્યો અદાણીના શેર ખરીદી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના વિધાન પરિષદના સભ્યએ પોતાના સોગંદનામામાં તેમની પાસે અદાણીના શેર હોવાનું જાહેર કર્યું છે.
ઉદ્ધવ ઠારે 350 સ્ક્વેર ફૂટ આપવા તૈયાર થયા હતા
શેવાળેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું હતું કે ધારાવીમાં સીઆરઝેડ(કોસ્ટલ રેગ્યુલેશન ઝોન) અને સિવિલ એવિએશનમાં આવતું હોવાથી એફએસઆઇ(ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ)નો પૂરેપૂરો ઉપયોગ ન કરી શકાય એમ હોવાથી ઉદ્ધવ ઠાકરે આ પહેલા ફક્ત 350 સ્ક્વેર ફૂટના ઘર આપવા માટે પણ તૈયાર થયા હતા.