ભુજબળ બાદ અજિત પવારના વિધાનસભ્ય મળ્યા શરદ પવારને
અજિત પવારની ઘરવાપસીની ચર્ચાએ ફરી જોર પકડ્યું
મુંબઈ: અજિત પવાર જૂથના દિગ્ગજ નેતા તેમ જ પ્રધાન છગન ભુજબળ શરદ પવારને મળ્યા અને ત્યારબાદ પિંપરી-ચિંચવડના એનસીપી(અજિત પવાર જૂથ)ના પ્રમુખ તેમ જ બે ભૂતપૂર્વ નગરસેવકો સહિત 28 પદાધિકારીઓ શરદ પવાર જૂથમાં જોડાયા ત્યારથી જ ચર્ચાઓ શરૂ છે તે વિધાનસભાની ચૂંટણી પહેલા અજિત પવાર ફરી કાકા શરદ પવાર સાથે હાથ મિલાવશે. જોકે શનિવારે અજિત પવારના નજીકના મનાતા વિધાનસભ્ય અતુલ બેણકેએ શરદ પવારની મુલાકાત લેતા આ ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ખેંચતાણ શરૂ: અજિત પવારના પચીસ નેતાઓ શરદ પવારને શરણે
ફક્ત એટલું જ નહીં, બેણકેએ પણ રાજકારણમાં કંઇપણ શક્ય છે. કોઇ કંઇ કહી ન શકે એમ જણાવતા કહ્યું હતું કે આગામી ચૂંટણી પૂર્વે શરદ પવાર અને અજિત પવાર એકસાથે આવી શકે તેવી શક્યતા નકારી ન શકાય.
બેણકેના નિવેદનને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે ત્યારે શરદ પવારે આ બાબતે જણાવ્યું હતું કે ઘણા લોકો મને મળવા આવે છે, તેમાં નવી વાત શું છે. તે(અતુલ બેણકે) મારા મિત્રનો દીકરો છે. જો રાજકારણની કંઇક વાત હશે તો તે યોગ્ય સમયે ખબર પડી જશે.
આ પણ વાંચો: છગન ભુજબળે શરદ પવાર અંગે કરેલા ઘટસ્ફોટથી ખળભળાટ
બીજી બાજુ એનસીપી(શરદચંદ્ર પવાર)ના નેતા ડૉ.અમોલ કોલ્હેએ જણાવ્યું હતું કે આ કોઇ રાજકીય મુલાકાત નહોતી તેથી તેના કોઇ બીજા અર્થ ન કાઢવા જોઇએ.
શરદ પવાર અને અમોલ કોલ્હેએ ભલે આ મુલાકાતને રાજકીય ન ગણાવી ટાઢું પાણી રેડ્યું હોય, પરંતુ બેણકેએ આપેલા નિવેદનને સૂચક માનીને રાજકીય વર્તુળોમાં માહોલ ગરમાયો છે.