ગૌતમ ગંભીરના પાંચ નામ નકારાયા પછી કેકેઆરના બે નિષ્ણાતો સપોર્ટ-સ્ટાફમાં મળ્યા
નવી દિલ્હી: ગૌતમ ગંભીરનું નામ ભારતીય ટીમ સાથે જેટલું જોડાયેલું છે એટલું જ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સાથે પણ સંકળાયેલું છે. તેણે ટીમ ઇન્ડિયા જેટલું જ યોગદાન કેકેઆરને આપ્યું છે. 2007ના ટી-20 વર્લ્ડ કપની અને 2011ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલના આ સુપરસ્ટાર બૅટરે આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમ્યાન જ કૅપ્ટન તરીકે કેકેઆરને બે ટાઇટલ (2012 અને 2014માં) અપાવ્યા હતા અને આ વર્ષે મેન્ટરના રૂપમાં કેકેઆરને ચૅમ્પિયન બનવામાં ભૂમિકા ભજવી. હવે ગંભીર ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ છે અને તેણે શ્રીલંકા ખાતેના પ્રથમ પ્રવાસથી બીસીસીઆઇ પાસે પોતાની પસંદગીના કેટલાક કોચ માગ્યા હતા, પણ ક્રિકેટ બોર્ડે એ નકારી દીધા બાદ તેને સપોર્ટ-સ્ટાફમાં બે એવા નિષ્ણાતો આપ્યા છે જેઓ કેકેઆરમાં તેની સાથે જ હતા.
ભારત વતી ત્રણ વન-ડે રમી ચૂકેલા ઑલરાઉન્ડર અભિષેક નાયરને ગંભીરનો સહાયક-કોચ બનાવવામાં આવ્યો હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. એ ઉપરાંત, નેધરલૅન્ડ્સના ભૂતપૂર્વ ક્રિકેટર રાયન ટેન ડૉશ્ચેટને પણ ગંભીરનો અસિસ્ટન્ટ-કોચ બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : હું તેમની તાકાત અને નબળાઈઓથી વાકેફ છું’….કેપ્ટન સૂર્યકુમારના વિચારો થયા વાયરલ
નાયર અને ડૉશ્ચેટ કેકેઆરમાં આ વર્ષે ગંભીરના સપોર્ટ-સ્ટાફમાં હતા અને હવે તેઓ ગંભીરના ટીમ ઇન્ડિયા માટેના સપોર્ટ-સ્ટાફમાં આવી ગયા છે. ડૉશ્ચેટ આઇપીએલમાં કેકેઆરનો ફીલ્ડિંગ-કોચ હતો અને ગંભીરે બીસીસીઆઇને વિનંતી કરી હતી કે તેને ટીમ ઇન્ડિયાનો ફીલ્ડિંગ-કોચ બનાવવામાં આવે. જોકે એવું મનાય છે કે બીસીસીઆઇએ તેની વિનંતી નકારી છે અને ટી-20 વર્લ્ડ કપ સમયના ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપને જાળવી રાખવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે બેન્ગલૂરુની ક્રિકેટ ઍકેડેમી ખાતેના ઑસ્ટ્રેલિયન કોચ ટ્રૉય કુલીને જ હમણાં ભારતીય ટીમના બોલિંગ-કોચ તરીકે જાળવી રખાશે.