Microwsoft Surver down: બીજે દિવસે પણ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ્સ રદ થઈ
અમદાવાદઃ શુક્રવારે માઈક્રોસોફ્ટના સર્વરમાં સર્જાયેલી ખામીના કારણે દુનિયાભરમાં વિન્ડોઝથી ચાલતી કમ્પ્યુટર સિસ્ટમ્સ ઠપ થઈ ગઈ હતી. આ મુશ્કેલીના કારણે ગુજરાતના શહરોમાં પણ ઉદ્યોગો સહિત એરલાઇન્સ, બેન્કિંગ સેવા, ટિકિટ બુકિંગ, વેબચેક ઇન બોર્ડિંગ પાસ વગેરે સેવાઓ થંભી થઈ ગઈ હતી. ત્યારે માઈક્રોસોફ્ટના સર્વરમાં સર્જાયેલી ખામીના કારણે અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હવાઈ મુસાફરો પરેશાન થયા હતા. આ ઉપરાંત મુસાફરો એરપોર્ટ પર ચેક ઇન ન કરી શકતા ફ્લાઈટ પણ તેના નિશ્ચિત સમયના ઘણા સમય બાદ ટેક ઓફ થઈ શકી હતી. આજે પણ માઈક્રોસોફ્ટ આઉટેજની અસર હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. આજે અમદાવાદ એરપોર્ટથી આવતી-જતી મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની નવ ફ્લાઈટ રદ થઈ છે. જ્યારે લંડન, કુવૈતની ફ્લાઈટ બેથી ત્રણ કલાક મોડી પડી હતી.
કઈ કઈ ફ્લાઈટ રદ થઈ, કઈ મોડી પડી
અમદાવાદ આવતી મુંબઈની બે, દિલ્હીથી આવતી બે, બેંગ્લોરથી આવતી એક, અમદાવાદથી દિલ્હી જતી બે, મુંબઈ જતી એક અને બેંગ્લોર જતી એમ એમ નવ ફ્લાઈટ રદ કરવામાં આવી છે.
માઈક્રોસોફ્ટના સર્વરમાં સર્જાયેલી ખામીના કારણે ગઈકાલે દુનિયાભરની ફ્લાઈટને અસર થઈ હતી. જેને પગલે આજે લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ બે કલાક, જ્યારે કુવૈત સિટીથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ ત્રણ કલાક માટે મોડી પડી હતી. સાઉદી અરેબિયાના જેહાદથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ ચાર કલાક કરતાં પણ વધુ સમય માટે મોડી પડવાની શક્યતા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ડોમેસ્ટિક ફ્લાઈટમાં દિલ્હી, મુંબઈ જેવા શહેરોની મોટાભાગની ફ્લાઈટ એક કલાક જેટલા સમય માટે મોડી પડી છે.
આજે સાંજ સુધીમાં બધુ સમયસર થશે
ગઈકાલે કેટલાક મુસાફરો ફ્લાઈટ રદ થતાં પોતાના સ્થાન પર પહોંચી શક્યા નહોતા. જે લોકો બહારગામથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી ક્યાંક જવાના હતા તે તમામ મુશ્કેલીમાં મૂકાયા હતા. આજે પણ અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરોની ભારે અવરજવર રહેવાની શક્યતા છે. અમદાવાદ એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારસુધીમાં તમામ ગતિવિધિ રાબેતા મુજબ છે અને સાંજ સુધીમાં જે કોઈપણ ફ્લાઈટ વિલંબિત થઈ હશે તે તમામ રાબેતા મુજબ થવાની પૂરતી સંભાવના છે.