ફરીથી ચીનની ચોખટ પર માલદિવ્સ, શું ખિચડી રંધાઇ રહી છે?
માલદીવ્સના વિદેશ પ્રધાન મુસા જમીર આજથી ચીનની 4 દિવસની મુલાકાતે ગયા છે. તેમની મુલાકાત દરમિયાન મુસા ઝમીર ચીનના વિદેશ પ્રધાન વાંગ યી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે. મુસા જામીરની આ મુલાકાત એટલા માટે ખાસ માનવામાં આવી રહી છે કારણ કે આ પહેલા જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીન ગયા હતા, ત્યાર બાદ ભારત પ્રત્યેનો તેમનો સૂર બદલાઈ ગયો હતો.
નવેમ્બર 2023માં માલદીવ્સના વિદેશ પ્રધાન બન્યા બાદ જમીરની ચીનની આ પ્રથમ મુલાકાત હશે. માલદીવ્સના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર ઝમીર તેમની મુલાકાત દરમિયાન માલદીવ્સના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર મોટી ચીની કંપનીઓ સાથે ચર્ચા કરશે.
માલદીવ્સના રાષ્ટ્રપતિની ચીનની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સૈન્ય સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ચીન તરફથી માલદીવ્સને મફત સૈન્ય સહાય અને મજબૂત દ્વિપક્ષીય સંબંધોની વાત કરવામાં આવી હતી. ચીન સાથેના સૈન્ય કરાર પછી જ માલદીવ્સનું ભારત પ્રત્યેનું વલણ બદલાયું હતું અને તેણે ભારતને તેના સૈનિકો પાછા ખેંચવા કહ્યું હતું. હવે માલદીવ્સના વિદેશ મંત્રી મુસા ઝમીરની ચીન મુલાકાતને લઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને દેશો ભારત વિરુદ્ધ કોઈ નવી ચાલ ચાલી શકે છે.
આ પહેલા જાન્યુઆરીમાં માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર ચીનની સરકારી મુલાકાતે હતા. ગયા વર્ષે નવેમ્બરમાં કાર્યભાર સંભાળ્યા બાદ માલદીવ્સના રાષ્ટ્રપતિની આ પ્રથમ રાજ્ય મુલાકાત હતી.