નેશનલ

વધી રહેલા આતંકવાદી હુમલા વચ્ચે આર્મીએ ઉઠાવ્યું આ પગલું….

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં એક પછી એક આતંકવાદી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અમરનાથ યાત્રા પર પણ આતંકવાદનો છાયો છે. અમરનાથ યાત્રાને લઈને સતત એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના 50-55 આતંકવાદીઓનો સામનો કરવા માટે આ વિસ્તારમાં લગભગ 500 પેરા સ્પેશિયલ ફોર્સ કમાન્ડોને તૈનાત પણ કર્યા છે. આ આતંકવાદીઓ આતંકવાદને પુનઃજીવિત કરવા માટે જમ્મુમાં પ્રવેશ્યા છે. એવા સમયે હવે આર્મી મહત્વનું કદમ ઉઠાવવા જઇ રહી છે.

જમ્મુ ક્ષેત્રમાં સતત વધી રહેલી આતંકવાદી ઘટનાઓ વચ્ચે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજે જમ્મુની મુલાકાત લેશે. આર્મી ચીફ બન્યા બાદ ઉપેન્દ્ર દ્વિવેદીની જમ્મુ-કાશ્મીરની આ બીજી મુલાકાત છે. આર્મી ચીફ અહીં જમ્મુમાં સેનાના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક કરશે. આ સિવાય તે સુરક્ષાની સ્થિતિની પણ સમીક્ષા કરશે. આર્મી ચીફ જમ્મુમાં તૈનાત સેનાના અધિકારીઓ અને જવાનોને પણ મળશે. આર્મી ચીફની જમ્મુની મુલાકાત એ અર્થમાં મહત્વની છે કે તાજેતરમાં આ વિસ્તાર વારંવાર આતંકવાદી હુમલાનો શિકાર બન્યો છે. આતંકવાદીઓએ માત્ર સામાન્ય લોકોને જ નિશાન બનાવ્યા નથી પરંતુ સેનાને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે.

આતંકવાદ સામેની આ લડાઈમાં ભારતીય સેનાને કેન્દ્ર સરકારનું સંપૂર્ણ સમર્થન છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પહેલા જ સેનાને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મુક્ત લગામ આપી ચૂક્યા છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે સરકાર આતંકવાદી ઘટનાઓને રોકવા માટે ગંભીર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના પર સતત નજર રાખી રહ્યા છે. ડોડાની પહાડીઓ પર સેનાનું ઓપરેશન ચાલુ છે. ધીમે-ધીમે સેનાના જવાનો તે જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. સેનાએ ડોડા પહાડીઓ પરની ગુફાઓની તપાસ કરી છે, જ્યાં દેખરેખથી બચવા માટે આતંકવાદીઓ છુપાયા હતા.

નોંધનીય છે કે આતંકવાદીઓએ પોતાની રણનીતિ બદલી છે. પહેલા તેઓ કાશ્મીરમાં હુમલાઓ કરતા હતા હવે તેઓ જમ્મુમાં હુમલાઓ કરી રહ્યા છે. સૌથી પહેલા 9 જૂનના રોજ આતંકવાદીઓએ જમ્મુના રિયાસીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 9 લોકો માર્યા ગયા હતા. તે પછી, 8 જુલાઈના રોજ આતંકવાદીઓએ કઠુઆમાં સેનાના એક વાહનને નિશાન બનાવ્યું હતું, જેમાં 5 જવાન શહીદ થયા હતા. છેલ્લા એક મહિનામાં આતંકવાદીઓએ 7 મોટી ઘટનાઓને અંજામ આપ્યો છે, જેમાં 12 જવાનો શહીદ થયા છે અને 9 નાગરિકોના મોત થયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button