કચ્છના રાપરના મેવા ગામમાંથી પ્રથમ વખત કૂદતા કરોડિયાની બે નવી પ્રજાતિ મળી આવી
ભુજઃ ખડીરથી ખાવડા અને અબડાસાથી આડેસર સુધી આગવી વન્યજીવ સંપદા ધરાવતા ભાતીગળ કચ્છ પ્રદેશમાં બે જમ્પિંગ સ્પાઈડર એટલે હવામાં ઉડી શકતા કરોળિયાની પ્રજાતિ જોવા મળતાં જીવ વૈજ્ઞાનિકો રોમાંચિત બન્યા છે. તાજેતરમાં વેબ ઓફ નેચર રિસર્ચ ફાઉન્ડેશને ગુજરાતના કચ્છમાં પ્રથમ વખત બે જમ્પિંગ સ્પાઇડરની પ્રજાતિઓને નોંધી છે. આ કરોળિયાની વિશિષ્ટ જાતિઓ સ્ટેનાએલુરીલ્લુસ મારુસિકી અને સ્ટેનાએલુરીલ્લુસ વ્યાગરી તેવું અઘરું વૈજ્ઞાનિક નામ ધરાવે છે.
કચ્છ જિલ્લાનાં પાકિસ્તાનને અડીને આવેલા સીમાવર્તી રાપર તાલુકાના મેવા ગામમાંથી આ કરોળિયો વૈજ્ઞાનિકોની એક ખાસ ટુકડીને મળી આવવાની સાથે ગુજરાતમાં આ પ્રજાતિઓની પ્રથમ વખત નોંધ થઇ હતી. સ્ટેનાએલુરીલ્લુસ મારુસિકી સ્પાઈડર મેહસાણા જિલ્લાના તરંગામા પણ મળ્યો હતો. આ પહેલાં આ જાતિઓ માત્ર મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાઈ હતી. આ સંશોધન જર્નલ ઓફ થ્રેટન્ડ ટેક્ષા નામની પ્રસિદ્ધ જર્નલમાં પ્રકાશિત થયું છે. આ સંશોધન વેબ ઓફ નેચર (WON) રિસર્ચ ફોઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં આર.આર.લાલન કોલેજ ભુજના સુભાષ પરમાર, પ્રણવ પંડ્યા અને વેબ ઓફ નેચર રિસર્ચ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ધ્રુવ પ્રજાપતિએ સંપાદિત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેનાએલુરીલ્લુસ સિમોન નામના આ જમ્પ કરી શકતા આ કરોળિયાની ૫૯ જેટલી વિવિધ પ્રજાતિઓ વિશ્વભરમાં નોંધાયેલી છે. જેમાંથી ૨૦ પ્રજાતિઓ અત્યાર સુધી ભારતમાં નોંધાઈ છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આ બે પહેલી વખત નોંધાઈ છે અને અગાઉ બે નોંધાઈ હતી એટલે કુલ ચાર પ્રજાતિઓ નોંધાયેલી છે.
| Also Read: https://bombaysamachar.com/gujarat/chandipura-virus-spreading-in-gujarat-61-suspected-cases-21-deaths/
દરમ્યાન, સૂકા રણપ્રદેશમાં નોંધાયેલા આ દુર્લભ કરોળિયા અંગે જાણીતા સંશોધક પરમારે જણાવ્યું હતું કે, આ કરોળિયાની ઓળખ માટે તેઓએ રંગ, પ્રજનન તંત્ર, આંખ, પગ અને ગ્રંથિ જેવા વિવિધ શારીરિક પરિબળોને આધારે ઓળખ પ્રસ્થાપિત થતી હોય છે. રાપર તાલુકાના મેવા ગામમાંથી મળેલા આ જમ્પિંગ સ્પાઈડરની આઠ આંખ હોય છે અને તે ચાલવાને બદલે કૂદકા મારીને આગળ વધે છે. આ વિવિધ પાસાઓ થકી વૈજ્ઞાનિક ઢબે તેની ઓળખ કરવામાં આવે છે.
જમ્પિંગ સ્પાઈડર મનુષ્યને કરડી શકે છે. તેના ઝેરમાં રહેલું ટોક્સિક દ્રવ્ય મુખ્યત્વે તેમના શિકાર અને શિકારીઓને લક્ષ્ય બનાવે છે અને સામાન્ય રીતે મનુષ્યો માટે જીવલેણ નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે એ પણ નોંધનીય છે કે, અનેક રહસ્યોથી ધરબાયેલા કચ્છ જેવા દેશના બીજા નંબરના સૌથી મોટા જિલ્લામાં કરોળિયા અને તેની વિવિધ પ્રજાતિઓ પર આજદિન સુધી કોઈ ખાસ સંશોધનો થયા નથી પરંતુ સંશોધક સુભાષ પરમાર, પ્રણવ પંડ્યાએ કચ્છમાં પ્રથમ વખત આ મુદ્દે પહેલ કરી છે જેની વિશ્વસ્તરે નોંધ લેવાઈ છે.