વીક એન્ડ

બાઈક ટેક્સી: દિલ્હી અભી દૂર હૈ

વિશેષ – પ્રથમેશ મહેતા

પહેલા સમય એવો હતો કે પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા સરકાર જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પર ભાર મૂકતી, પરંતુ હાલમાં પરિસ્થિતિ કંઈક એવી છે કે વિકાસના નામે ઠેર-ઠેર રસ્તાઓ ખોદીને રાખવામાં આવ્યા છે, જેને કારણે રસ્તાઓ પર પુષ્કળ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. આમ મહાનગરમાં જાહેર પરિવહન વ્યવસ્થા બોજારૂપ બની ગઈ હોય એવું લાગે છે. પરિણામસ્વરૂપે ખાનગી વાહનોને રસ્તા પર લાવવા સિવાય કે રિક્ષા કે કેબ જેવા ખાનગી પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. શહેરના એક ખૂણેથી બીજા ખૂણે જવા અને ટ્રાફિકથી બચવા ટુ-વ્હિલર પણ એક સારો પર્યાય છે. તેનો એક ફાયદો એ છે કે તમે નાની લેનમાંથી પણ નિકળી શકો છો અને બીજો ફાયદો એ છે કે જાહેર પરિવહન પર આધાર રાખીને સમય બગાડવાને બદલે આપણા સમયે નીકળીને આપણા સમયે પહોંચવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જોકે હાલમાં તો ઘર દીઠ જેટલા સભ્યો તેટલાં વાહનો થઈ ગયા છે. પરંતુ ટ્રાફિકમાં પોતાનું વાહન રસ્તા પર ઉતારવું કે નહીં એ મૂંઝવણની વચ્ચે ‘બાઈક ટેક્સી’નો પર્યાય કેટલો ઉપયોગી નીવડશે તે હવે ચકાસવામાં આવશે. મુંબઈ, નાગપુર, પુણે, થાણે, નવી મુંબઈમાં ‘બાઈક ટેક્સી’ સેવાને લીલીઝંડી મળી ગઈ છે. તે એપ આધારિત સેવા છે, જેમાં તમારા મોબાઇલ પર એપ દ્વારા બુકિંગ કરીને બાઇક ટેક્સીને તમારા સ્થાને બોલાવો, પેમેન્ટ કરો અને બાઇક સવારની પાછળ બેસીને ઇચ્છિત મુકામ પર પહોંચો. જો કે તે જેટલું સરળ લાગે છે, તેટલું છે નહીં. રિક્ષા કે ટેક્સી સેવાઓની જેમ આવી એપ આધારિત સેવાઓને નિયંત્રિત કરવી જોઈએ તેવી માંગ છે. તેના કારણે રિક્ષા એસોસિએશન દ્વારા બાઇક ટેક્સીનો વિરોધ કરવામાં આવ્યો છે અને આગળ પણ કરશે.

બે વર્ષ પહેલા કેન્દ્ર સરકારે બાઇક ટેક્સીની પૉલિસીને મંજૂરી આપી હતી. પરંતુ, આ નીતિનો અમલ કરતી વખતે, રાજ્યોને તેમના પોતાના નિયમો અને લાયસન્સિંગ નીતિઓ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. વર્તમાન પ્રારંભિક ડ્રાફ્ટ મુજબ, સર્વિસ આપનાર કંપનીને ૫૦ ટુ-વ્હિલરની જરૂર છે, તે માટે એક લાખ રૂ. નોંધણી ફી ચૂકવવી પડશે. જેઓ ૧૦,૦૦૦ થી વધુ ટુ-વ્હિલર ધરાવે છે, તેમની ફી પાંચ લાખ રૂપિયા હશે. મુંબઈમાં ૧૦ કિમી., જ્યારે અન્ય શહેરોમાં પાંચ કિમી.ની અંદર સેવા આપવાની મંજૂરી આપવામાં આવશે. તમામ બાઇકમાં જીપીએસ હોવું ફરજિયાત રહેશે અને બાઇક ઓપરેટરોની નોંધણી અને તાલીમ જરૂરી રહેશે.

આ સિવાય કેટલાક અન્ય પ્રશ્ર્નો પણ મૂંઝવણ ઊભી કરી રહ્યા છે. જે બાઇકનો ‘ટેક્સી’ તરીકે ઉપયોગ કરવામાં આવશે, તે પેસેન્જર તરીકે રજિસ્ટર થશે કે કમર્શિયલ? તેની નંબર પ્લેટ કેવી હશે? ડ્રાઈવરનું ડ્રાઈવિંગ લાયસન્સ કયું હશે? તે અંગે શરૂઆતથી જ સ્પષ્ટતા લાવવી જરૂરી છે. બીજું એ કે ડ્રાઈવર સિવાય માત્ર એક જ પેસેન્જર ‘બાઈક ટેક્સી’ પર મુસાફરી કરી શકશે. નિયમો અનુસાર, પાછળની સીટ માટે પણ હેલ્મેટ ફરજિયાત છે, તે કોણ આપશે એ મુદ્દાને નિયમોની લિસ્ટમાં લાવવો જરૂરી છે. જો તમે તમારું પોતાનું લાવશો, તો તમને ડિસ્કાઉન્ટ મળશે? ભાડું નક્કી કરતી વખતે બાઇક પેટ્રોલ છે કે ઇ-બાઇક તેની પણ ચર્ચા કરવામાં આવશે. જો પેસેન્જર સાથે નાનું બાળક હોય, તો શું તેને સીટ પર બેસવા દેવાશે? જો અકસ્માત થાય છે, તો જવાબદારી સેવા આપતી કંપનીની કે ડ્રાઇવરની? આ માટે, જો એડવાન્સ ઇન્સ્યોરન્સ લેવો હોય, તો કયો વિકલ્પ પસંદ કરવો તે કંપનીના હાથમાં રહેશે કે પેસેન્જરના? સેવાની ગુણવત્તા બાબતે કોને પ્રશ્ર્ન કરવો? આવા એક નહીં અનેક પ્રશ્ર્નોનો કાળજીપૂર્વક વિચાર કરવો પડશે.

બાઇક ટેક્સીને મંજૂરી આપનાર મહારાષ્ટ્ર તેરમું રાજ્ય છે. ગોવા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, બંગાળ, કર્ણાટક વગેરે રાજ્યોમાં તેને મંજૂરી છે. આ રાજ્યોએ નિયમો કેવી રીતે બનાવ્યા છે, તેમાં કઈ સમસ્યાઓ આવી હતી તેનો પણ અભ્યાસ કરવો જોઈએ. દરમિયાન, ઉત્તર પ્રદેશમાં બાઇક ટેક્સી સેવાઓ પ્રદાન કરવાનો દાવો કરતી એક કંપનીએ યુવાનો પાસેથી મોટા વળતરની લાલચ સાથે નોંધણી ફી વસૂલ કરી હતી, પરંતુ સેવા ચાલુ રહી ન હતી. હવે તે કંપની પર ઈડીએ છાપા માર્યા છે. તેથી જ સરકારે સેવા આપતી કંપનીની પસંદગી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ, તાજેતરમાં પુણેમાં દર્દી સુધી ઝડપથી પહોંચવા માટે પ્રાથમિક સારવારના સાધનો સાથે બાઇક એમ્બ્યુલન્સ અને ક્રાઈમસ્પોટ પર ઝડપથી પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક સાધનોના બોક્સ સાથે ‘આઇ બાઇક’ સેવા જેવા પ્રયોગો શરૂ કરવામાં આવ્યા છે. એ જ તર્જ પર, બાઇક ટેક્સી એ મહાનગરની મૂંઝવણનો શ્રેષ્ઠ ઉકેલ છે કે નહીં એ જોવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button