વીક એન્ડ

મ્યુઝિયમ સાયન્સ એટલે કે મ્યુઝિયોલોજીમાં છે મજબૂત ને મહત્વપૂર્ણ કારકિર્દી

કરિયર પ્લઝ – નરેન્દ્ર કુમાર

મ્યુઝિયોલોજી એટલે કે મ્યુઝિયમ સાયન્સ એ જ્ઞાન -વિજ્ઞાનનું ક્ષેત્ર છે, જેમાં મ્યુઝિયમના આયોજન અને વ્યવસ્થાપન અંગે અભ્યાસ કરવામાં આવે છે. આ અભ્યાસ દ્વારા મ્યુઝિયમમાં રાખવામાં આવેલી વિવિધ વસ્તુઓને ગોઠવવાનું શિક્ષણ આપવામાં આવે છે અને ભૂતકાળની આ વસ્તુઓને વર્તમાનના સંબંધિત સંદર્ભમાં જાણવા અને સમજવામાં આવે છે. મ્યુઝિયોલોજીનો કોર્સ પૂરો કર્યા પછી, દેશના વિવિધ મ્યુઝિયમોમાં મેનેજમેન્ટ અને મેન્ટેનન્સની નોકરીઓ સરળતાથી મળી જાય છે. મ્યુઝિયોલોજીના ક્ષેત્રમાં કામ કરનારાઓને મ્યુઝિયોલોજીસ્ટ કહેવામાં આવે છે. આમાં વિવિધ જોબ ટાઇટલ ધરાવતા ઘણા પ્રોફેશનલ હોય છે જેમ કે, ક્યુરેટર, ડેપ્યુટી ક્યુરેટર, રિસર્ચ એસોસિયેટ, મેનેજર વગેરે.. એક જમાનામાં મ્યુઝિયમો માત્ર સરકારી હતા, આજે સરકારીની સાથે ખાનગી સંગ્રહાલયો પણ સારી સંખ્યામાં છે, જેના કારણે મ્યુઝિયોલોજિસ્ટને માત્ર ભારતમાં જ નહીં પણ ભારતની બહાર પણ નોકરી મેળવવાની પૂરતી સંભાવનાઓ છે. ભારતની બહાર આ ક્ષેત્ર લગભગ ૧૫ થી ૨૦ ટકાના વાર્ષિક દરે વિકાસ કરી રહ્યો છે. એકંદરે, આ ક્ષેત્રમાં કારકિર્દી સલામત છે.

વાસ્તવમાં, સંગ્રહાલયોમાં રાખવામાં આવેલી વસ્તુઓ એક પેઢી અને બીજી પેઢી વચ્ચેના તફાવત અને સાંસ્કૃતિક વાતાવરણને સમજવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મ્યુઝિયમમાં માત્ર વસ્તુઓની જાળવણીની વ્યવસ્થા જ નથી હોતી, પરંતુ એ દરેકની વિગતવાર માહિતી પણ લેખિત સ્વરૂપે ઉપલબ્ધ હોય છે.

મ્યુઝિયમ દેશના વારસાનો ભંડાર છે. અહીં કામ કરતા લોકો ખૂબ જ જવાબદાર હોય છે. હાલમાં, દેશના તમામ મ્યુઝિયમોને ઘણી જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય છે આર્ટ મ્યુઝિયમ, હિસ્ટ્રી મ્યુઝિયમ, આર્કિયોલોજિકલ મ્યુઝિયમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી મ્યુઝિયમ, મેરીટાઇમ મ્યુઝિયમ અને મિલિટરી એન્ડ વોર મ્યુઝિયમ. મ્યુઝિયોલોજીમાં કારકિર્દી એવા લોકો માટે જ ફાયદાકારક બની શકે છે જેમને ભૂતકાળમાં રસ છે અને જેઓ જાણવા માંગે છે કે જૂના સમયમાં કઈ વસ્તુઓ સારી હતી અને કઈ ખરાબ હતી.

આમ તો મ્યુઝિયોલોજી આર્કિયોલોજીનો જ એક વિષય છે. આ વિષયમાં મ્યુઝિયમ આયોજન અને વહીવટ અને મ્યુઝિયમ આર્કિટેક્ચરને લગતી માહિતી આપવામાં આવે છે. થોડા વર્ષો પહેલા સુધી મ્યુઝિયોલોજી હેઠળ માત્ર આર્કિયોલોજી, આર્ટ અને પેંટિંગ જેવા વિષયોની જ માહિતી આપવામાં આવતી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં, મ્યુઝિયોલોજીમાં એન્થ્રોપોલોજી, આર્મ્સ એન્ડ આર્મર, ન્યુમિસ્મેટીક્સ, એપિગ્રાફી, જ્વેલરી વગેરે જેવા વિષયો પણ ઉમેરાયા છે. ભારતમાં હાલમાં એક હજારથી પણ વધુ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમોમાં ઘણીવાર લાયકાત ધરાવતા લોકોની જરૂર હોય છે. કેન્દ્ર સરકારના મ્યુઝિયમ અને રાજ્ય સરકારોના મ્યુઝિયમોમાં રોજગારની કોઈ કમી નથી. આ ઉપરાંત, ટ્રસ્ટના મ્યુઝિયમો અને ખાનગી ક્ષેત્રના મ્યુઝિયમોમાં પણ ઘણી વખત રોજગાર મળી રહે છે. કોઈપણ સંસ્કૃતિને લગતો ઈતિહાસ અને માહિતી મેળવવા માટે મ્યુઝિયમ સૌથી ભરોસાપાત્ર માધ્યમ છે. તેથી, તેની દેખરેખ માટે ફક્ત તે જ લોકોની નિમણૂક કરવામાં આવે છે, જેઓ માત્ર જ્ઞાન અને માહિતીથી ભરપૂર નથી પણ મ્યુઝિયમના મહત્વ વિશે સારી જાણકારી ધરાવતા હોય છે.

મ્યુઝિયમના કામમાં વિવિધ પ્રકારની કારકિર્દી ઉપલબ્ધ છે. આમાં મુખ્ય છે મ્યુઝિયમ ડાયરેક્ટર, ક્યુરેટર, એજ્યુકેટર, એગ્ઝિબિટ ડિઝાઇનર, આર્કાઇવિસ્ટ અને ક્ધઝર્વેશન સ્પેશિયાલિસ્ટ વગેરે. મ્યુઝિયોલોજિસ્ટ સામાન્ય રીતે ભારત સરકાર માટે કામ કરે છે. તેમની આવક પણ સરકારી કર્મચારીઓ જેટલી સારી હોય છે. આ સિવાય તેમને અન્ય ઘણી સુવિધાઓ પણ આપવામાં આવે છે. આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી કોઈપણ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

લાયકાત:

મ્યુઝિયોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે લઘુત્તમ લાયકાત વિજ્ઞાન, ઇતિહાસ, ફાઇન આર્ટ્સ, આર્કિયોલોજી જેવા વિષયોમાં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ છે. એમએ અને પીએચ કોર્સમાં પ્રવેશ માટે, સ્નાતક સ્તરે ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ હોવા આવશ્યક છે. કોઈપણ એક સંસ્કૃતિ અથવા વિદેશી ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક છે. તેમાં સંસ્કૃત, ફારસી, અરબી, ગ્રીક, લેટિન, જર્મન, ફ્રેન્ચ, ઇટાલિયન વગેરે મુખ્ય છે. માસ્ટર ડિગ્રી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા અને ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડે છે. મ્યુઝિયમ ઓપરેશન અંતર્ગત ઘણા કોર્સ ઉપલબ્ધ છે, જેમાં હિસ્ટ્રી ઓફ મ્યુઝિયમ, કલેક્શન મેનેજમેન્ટ, ડોક્યુમેંટેશન, પ્રેજંટેશન અને ઇંટરપ્રિટેશન, મ્યુઝિયમ આર્કિટેક્ચર, હિસ્ટ્રી એન્ડ આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા, પ્રિઝરવેશન ઓફ નેચરલ હિસ્ટ્રી સ્પેશીમેન, ક્ધઝર્વેશન ઑફ કલ્ચરલ પ્રોપર્ટી વગેરે મુખ્ય છે.

મુખ્ય સંસ્થા :

જીવાજી યુનિવર્સિટી, ગ્વાલિયર, મધ્ય પ્રદેશ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત
નેશનલ મ્યુઝિયમ ઈન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હી
યુનિવર્સિટી ઑફ કોલકાતા, પશ્ચિમ બંગાળ
યુનિયન ક્રિશ્ચિયન કોલેજ, અલુવા, કેરળ
સેન્ટ થોમસ કોલેજ, પલાઈ, કેરળ
અઝમ્પ્શન કોલેજ, ચંગનસેવી, કેરળ તથા
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, ઉત્તર પ્રદેશ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button