વીક એન્ડ

૧૧૧૧ લિંકન રોડ – પાર્કિંગ ને સામાજિક ઉપયોગીતાનો સમન્વય

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

પાર્કિંગના પ્રશ્ર્નોના નિરાકરણ માટેની આ મિયામી બીચ પર આવેલી અનોખી રચના છે. મૂળમાં ડેવલોપર અને સાથે સાથે કળામાં રસ ધરાવનાર રોબર્ટ વેનેટ નામની વ્યક્તિ દ્વારા પાર્કિંગના પ્રશ્ર્નોના નિરાકરણ સાથે પોતાની વ્યવસાયિક છબીને અનુરૂપ તથા સામાજિક ઉત્તરદાયિત્વના નિભાવ માટે સ્થપતિ હેર્ઝોગ તથા મેઓરોન દ્વારા આ મકાન નિર્ધારિત કરાયું છે. આ એક મિક્સ યુઝ પ્રકારનું – મિશ્રિત ઉપયોગીતાવાળું મકાન છે.

પાસે આવેલા મકાન સાથે વિરોધાભાસ ઊભું કરતું આ મકાન-સંકુલમાં દુકાનો પણ છે, રહેવા માટેના એપાર્ટમેન્ટ પણ છે, સામાજિક – સંસ્થાકીય સવલતો પણ છે અને પાર્કિંગ તો છે જ. આમાં સ્થાપત્યકીય નાટકીયતા મુખ્યત્વે પાર્કિંગની વ્યવસ્થા વાળા મકાનમાં જોવા મળે છે. જુદી જુદી ઊંચાઈવાળી છત, આ છતનો જરૂરિયાત મુજબનો જે તે વિસ્તારમાં ઢાળ તથા ચારે બાજુથી ખુલ્લાપણું મકાનના આ ભાગને ખાસ અને આકર્ષક બનાવે છે.

આ મકાનની એક ખાસિયતમાં તેના ભારવાહક માળખાની રચના છે. આની માટે કોન્ક્રીટનો ઉપયોગ કરાયો છે. તેની વિશેષ પ્રકારની માળખાકીય રચનાને કારણે તે આજુબાજુના મકાનોથી સાવ જુદું પડે છે. આ અલગાવ ઉગ્ર હોવા સાથે સમાવેશીય છે. ક્યાંક બે-ત્રણ માળ જેટલી ઊંચાઈ ધરાવતા આ મકાનને બહારની દીવાલ, સ્કીન ન હોવાથી તે ઉઘાડું જણાય છે. આનાથી ઊંડાણ સુધી દૃશ્ય સંપર્ક તો સ્થાપી શકાય છે જ પણ સાથે સાથે મકાનમાં પારદર્શિતા ઊભરે છે. આને કારણે એક જુદા જ પ્રકારનો રસ તે મકાન માટે જાગે છે. દરેક વ્યક્તિ તેના વિશે પોતાની આગવી કલ્પના ઊભી કરી શકે.

અહીં પાર્કિંગની વ્યવસ્થા સાથે જે અન્ય ઉપયોગીતા વણી લેવાઇ છે તે રસપ્રદ છે. અહીં તમને દુકાનો પણ મળી રહેશે, નાની પાર્ટીનું આયોજન થઈ શકે તેવી વ્યવસ્થા પણ મળશે, ખાસ ફોટોગ્રાફી માટેના સ્થાન પણ મળશે, અને આ બધા સાથે નાના સાંસ્કૃતિક કાર્યક્રમ કે લગ્ન સમારંભ માટેની સવલતો પણ મળી રહેશે. આ જે આખું પેકેજ છે તે આ મકાનને વધુ સ્વીકૃત, ચીલાચાલુ માન્યતાથી ભિન્ન, વધુ અર્થપૂર્ણ તથા અસરકારક ઉપયોગીતાવાળું બનાવે છે. તે ઉપરાંત અહીંથી દરિયો તો દેખાય જ છે અને ઊંચાઈને કારણે આજુબાજુનો કુદરતી નજારો પણ માણી શકાય છે.

આમાં જે આકર્ષણ ઊભું થાય છે તેની માટે માળખાગત રચનાથી સ્થપાતી સાદગી અને સ્પષ્ટતા મહત્ત્વના છે. આ મકાનને સ્કીન ન હોવાથી ચોક્કસ પ્રકારની બાંધકામની સામગ્રીનો આપમેળે છેદ ઊડી જાય છે. જોકે કેટલાક સામાજિક ઉપયોગીતા વાળા વિસ્તારને કાચની દીવાલોથી નિર્ધારિત કરાયા છે. પણ આનું પ્રમાણ બહુ ઓછું છે. આ એક ખુલ્લું મકાન છે કે જેમની માળખાગત રચનાને માણવાની છે. ઉપયોગિતાની વિવિધતાને કારણે જરૂરી ઊંચાઈનો તફાવત, ક્યાંક સીધા તો ક્યાંક ત્રાંસા ગોઠવાયેલા ટેકા, માળ તથા છતના નિર્ધારણ માટે પ્રયોજાયેલ પાતળી પ્લેટ, સાદગી સાથે વણાયેલ મર્યાદિત વિવિધતા અને જાણે પત્તાના મહેલ જેવી મળતી અનુભૂતિ આ મકાનની અન્ય કેટલી ખાસિયતો છે.

આ ઉપરાંત પાર્કિંગની સવલત, સલામતી અને અનુકૂળતા તો ખરી જ.

બસ કે રેલવે સ્ટેશન પર બનાવવામાં આવતા કાર પાર્કિંગ એકદમ ચીલા ચાલુ હોય છે. તેનું કોઈ સ્થાપત્યકીય મૂલ્ય નથી હોતું. આની માટે તર્ક એવો છે કે કાર એ કંઇ જીવંત પદાર્થ નથી અને તેથી તેના મકાનમાં અમુક પ્રકારની સંવેદનશીલતા જરૂરી નથી. કાર ગોઠવાઈ જાય અને તેને આવવા જવાની વ્યવસ્થા હોય તો પૂરતું છે. અહીં કારની લાગણીઓ સંતોષવાની નથી હોતી. પદાર્થ તરીકે કારની કોઈ ઈચ્છા પણ ન હોય કે જેને માન આપવું પડે. બસ આ તો સવલત માટે ઊભું થયેલું માળખું માત્ર હોય છે. પાર્કિંગના મકાન માટેની આ બધી માન્યતાઓ વચ્ચે આ મકાન એક નવો જ ચીલો ઊભો કરે છે.

પાર્કિંગના મકાનોમાં સામાન્ય રીતે છતની ઊંચાઈ ઓછી હોય, જગ્યાઓ ચારે બાજુથી બંધીયાર હોય, સાંકડા જરૂરિયાતની પહોળાઈ મુજબના જ ઢાળવાળા રસ્તા હોય, ચારે બાજુ પાઇપ અને અગ્નિશામક વ્યવસ્થાની ગોઠવણ દેખાતી હોય અને આ બધા સાથે જ્યાં મઝાથી બેસી શકાય તેવી કોઈ વ્યવસ્થા ન હોય. અહીં આ માન્યતાનો છેદ ઉડાડી દેવાયો છે. લોકોને અહીં ચાલતા ચાલતા આંટો મારવાનું મન થતું હોય છે. લોકો ખાસ અહીં જે તે વસ્તુ ખરીદવા આવતા હોય છે, અન્ય દુકાનોમાં સામગ્રી મળી રહે તેમ હોવા છતાં. અહીં દરિયો દેખાતો હોવાથી સાંજ માણવા માટે અહીં ઘણા લોકો માત્ર ફરવા આવે છે. પાર્કિંગના મકાનની આ કદાચ સૌથી મોટી ઉપલબ્ધિ ગણાય.

કોલમ કહી શકાય તેવી રચનામાં વિવિધતા હોવા છતાં આ મકાનની છત એક પ્રકારનું એકત્વ સ્થાપે છે. આમ તો આ મકાન અર્વાચીન સ્થાપત્યનો નમૂનો કહેવાય પણ તે એ સિવાય પણ સ્થાપત્યની બ્રુટાલીઝમ શૈલીની પણ વાત કરે છે. અહીં ક્યાંય દંભ નથી. માત્ર દેખાવ માટે અહીં કોઈ વિશેષ રચના કરવામાં નથી આવી. અહીં રંગનો ઉપયોગ પણ નથી થયો, કોન્ક્રીટ સહિતની દરેક સામગ્રીને જેમની તેમ રાખવામાં આવી છે. અહીંની દરેક પરિસ્થિતિ નિખાલસતાથી પ્રસ્તુત કરાઈ છે. જેને આ મકાનનું સૌથી સફળ અને સશક્ત પાસું કહી શકાય. સાથે સાથે, માત્ર માળખાકીય રચનાથી પણ સ્થાપત્યની દૃશ્ય અનુભૂતિમાં કેવી સમૃદ્ધિ આવી શકે તે આ મકાન દર્શાવે છે.

નવા પ્રયોગો જરૂરી છે. નવી વિચારધારા જરૂરી છે. નવા પ્રકારનો અભિગમ જરૂરી છે. અમુક જ મકાનો દેખાવમાં સુંદર બનાવી શકાય અથવા અમુક જ મકાનો દેખાવમાં સુંદર બનાવવા જોઈએ તે પ્રકારની માન્યતાનું આ મકાન વિશ્વાસ અને દૃઢતાથી ખંડન કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button