ભારત સામે પાકિસ્તાનની મહિલા ટીમ 108 રનમાં તંબૂ ભેગી થઈ
દામ્બુલા: મહિલાઓના ટી-20 એશિયા કપમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમને ફક્ત 108 રનમાં ઑલઆઉટ કરી નાખી હતી. પાકિસ્તાનની કૅપ્ટન નિદા દરે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ તેનો નિર્ણય ઊંધો સાબિત થયો અને ફાયદો ભારતીય ટીમને થયો હતો.
પાકિસ્તાનની એક પણ બૅટર પચીસ રનનો આંકડો પણ પાર નહોતી કરી શકી. વનડાઉન બૅટર સિદ્રા અમીનના પચીસ રન ટીમમાં હાઇએસ્ટ હતા. તુબા હાસને બાવીસ રન બનાવ્યા હતા અને ફાતિમા સના બાવીસ રન બનાવીને અણનમ રહી હતી.
એક તબકકે પાકિસ્તાનનો સ્કોર છ વિકેટે 61 રન હતો અને ત્યારે એવું લાગતું હતું કે નિદા દરની ટીમ 80 રન પણ નહીં બનાવે. જોકે તુબા-ફાતિમા વચ્ચે સાતમી વિકેટ માટે 31 રનની ભાગીદારી થતાં ટીમ-સ્કોર 92 સુધી પહોંચી ગયો હતો અને એ તબક્કે ફરી ધબડકો શરૂ થતાં ઉપરાઉપરી ચાર વિકેટ પડી ગઈ હતી.
સ્પિનિંગ-ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ 20 રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે રેણુકા સિંહ તેમ જ પૂજા વસ્ત્રાકર અને શ્રેયંકા પાટીલે બે-બે વિકેટ લીધી હતી. રાધા યાદવને 26 રનમાં વિકેટ નહોતી મળી. જોકે 18મી ઓવરમાં સૈયદા અરૂબા શાહ (બે રન)ને રાધા યાદવે જ રનઆઉટ કરી હતી.
ભારત એશિયા કપ ટૂર્નામેન્ટનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે. વાસ્તવમાં ભારત એશિયા કપની સાતેય ટૂર્નામેન્ટ (ટી-20 અને વન-ડે)માં ચૅમ્પિયન બન્યું છે.
આ વખતના એશિયા કપમાં આઠ ટીમ ભાગ લઈ રહી છે. ભારતના ગ્રૂપ-એમાં નેપાળ અને યુએઇ પણ છે. ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બંગલાદેશ, મલેશિયા અને થાઇલૅન્ડનો સમાવેશ છે.