પૂજા ખેડકરે જેનું સરનામું આપેલું એ કંપની સીલ
દિવ્યાંગ સર્ટિફિકેટમાં ઘરના સરનામામાં પિંપરી-ચિંચવડની કંપનીનું એડ્રેસ હતું
પુણે: વિવાદાસ્પદ આઇએએસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિસ સર્વિસીસ) ઓફિસર પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધી રહી હોઇ તેની માતા મનોરમા સાથે કડી ધરાવતી એન્જિનિયરિંગ કંપનીને શુક્રવારે પિંપરી-ચિંચવડ મહાપાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે. કંપની દ્વારા રૂ. બે લાખનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી.
મનોરમા ખેડકર ક્રિમિનલ કેસમાં હાલ પુણે પોલીસની કસ્ટડીમાં છે. તેની તલાવડે વિસ્તારમાં બંધ પડેલી કંપની થર્મોવેરિટા ઇન્ડિયા પ્રા.લિ.નો પ્રોપર્ટી ટેક્સ ભરાયો નથી. જેને કારણે પાલિકાએ તેને સીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂજા ખેડકરે સિવિલ સર્વિસીસમાં ક્વોટામાં પસંદગી માટે પિંપરી-ચિંચવડમાં યશવંતરાવ ચવાણ મેમોરિયલ હોસ્પિટલમાં દિવ્યાંગતાના પ્રમાણપત્ર માટે અરજી કરી હતી અને ઘરના સરનામામાં આ એન્જિનિયરિંગ કંપનીનું એડ્રેસ આપ્યું હતું.
આ પણ વાંચો : IAS પૂજા ખેડકર કેસમાં મોટું અપડેટ, UPSCએ FIR નોંધાવી
આ કંપનીનો 2022-23 અને 2023-24 એમ બે વર્ષનો પ્રોપર્ટી ટેક્સ ભરાયો નથી. એ ઉપરાંત વર્તમાન વર્ષનો ટેક્સ પણ બાકી છે. લેણાં નહીં ચૂકવતાં સૌપ્રથમ તેમને (માલિક) નોટિસ અપાઇ હતી. બાદમાં પ્રતિસાદ ન મળતાં પાણીજોડાણ કાપી નખાયું હતું. હવે નિયમ અનુસાર કંપની સીલ કરવામાં આવી છે, એમ પાલિકાના કમિશનર શેખર સિંહે જણાવ્યું હતું.
બે વર્ષનો ટેક્સ રૂ. 1.96 લાખ છે અને વર્તમાન વર્ષ સાથે તે રૂ. 2.77 લાખ થાય છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
2023માં પુણેના મુળશી તાલુકામાં ધડવલી ગામમાં જમીન વિવાદને લઇ મનોરમાએ અમુક લોકોને પિસ્તોલ બતાવીને ધમકાવ્યા હતા. આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને રાયગડ જિલ્લાના મહાડમાં લોજમાંથી ગુરુવારે મનોરમાને પકડી પાડવામાં આવી હતી. (પીટીઆઇ