Gujarat માં સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ ,Porbandar બેટમાં ફેરવાયું, 13 થી વધુ લોકોનું રેસ્ક્યૂ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) સક્રિય થયેલા ચોમાસાએ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ કરી છે. જેમાં છેલ્લા 22 કલાકમાં પોરબંદરમાં(Porbandar)18 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તેમજ અનેક નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે. જેમાં અત્યાર સુધી 13 થી પણ વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. તેમજ કામગીરી હજુ પણ ચાલ છે. પોરબંદર જિલ્લો અને શહેર ભારે વરસાદના પગલે બેટમાં ફેરવાયું છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે.
લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા
આ ઉપરાંત શહેરના રોકડીયા હનુમાન પાસે મફતીયાપરામાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. કેટલાક ઘરોમાં એક માળ સુધી પાણી ભરાતા લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. પોરબંદરમાં શહેરમાં 15થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા જેના કારણે રસ્તા બ્લોક થયા હતા. ફાયર બ્રિગેડ ટીમ દ્વારા વૃક્ષો દૂર કરવામાં આવ્યા હતા અને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Vadodara માં શાળાની બેદરકારી, દિવાલ ધરાશાયી થતા બે બાળક ઘાયલ
ભારે વરસાદથી 6 સ્ટેટ હાઇવે પણ બંધ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભારે વરસાદથી વાહન વ્યવહારને પણ અસર થઈ છે. જેમાં મળતી માહિતી મુજબ 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા છે.આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા બે કલાકની વાત કરીએ તો ઉમરગામમાં 2 ઇંચ, જામકંડોરણામાં 1.8 ઇંચ, ઉપલેટામાં 1.6 ઇંચ વરસાદ પડ્યો છે.રાજયમાં કુલ 41 માર્ગોને અસર થઈ છે જેમાં સૌથી વધુ પોરબંદર જિલ્લાના 17 રોડને અસર થઈ છે.
અનેક ગામો સંપર્ક વિહોણા
ગુજરાતમાં હવામાન વિભાગેની આગાહી મુજબ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર ઉપરાંત પણ જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવનને અસર થઈ છે. પોરબંદરમાં આભ ફાટવાની સ્થિતિ સર્જાઇ છે. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે અને અનેક વિસ્તારોમાં વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો છે.