નસીબદાર પોપ અને રેકૉર્ડ-બ્રેકર ડકેટની ઇનિંગ્સે ઇંગ્લૅન્ડને બીજી જીતનો પાયો નાખી આપ્યો?
ટ્રેન્ટ બ્રિજ: ઇંગ્લૅન્ડે ગુરુવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ (ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યાથી)ના પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા અને એ ઇનિંગ્સ પૂરી થવાને પગલે પ્રથમ દિવસની રમતનો અંત આવ્યો હતો. જોકે આ હાઈ-સ્કોરિંગ ઇનિંગ્સના બે આધારસ્તંભ ઑલી પોપ અને બેન ડકેટની બૅટિંગ ઊડીને આંખે વળગે એવી હતી. પોપને બે જીવતદાન મળ્યા હતા અને એ પરિસ્થિતિમાં તે 121 રનનું તોતિંગ યોગદાન આપવામાં સફળ થયો હતો. ઓપનર બેન ડકેટે ઇંગ્લૅન્ડને (કુલ 26 બૉલમાં) ફાસ્ટેસ્ટ ટીમ-ફિફ્ટીનો વર્લ્ડ રેકૉર્ડ નોંધાવવામાં સફળતા અપાવવાની સાથે જે 71 રન બનાવ્યા હતા એ આ મૅચમાં આગળ જતાં યજમાન ટીમને ખૂબ ઉપયોગી થશે.
ડકેટે 32 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. એ સાથે, તે ઇંગ્લૅન્ડનો ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરિયન ઓપનર બન્યો છે. તેણે 50 રન 11 ફોરની મદદથી બનાવ્યા હતા.
પોપે 249 મિનિટ (ચાર કલાકથી વધુ સમય) સુધી ક્રીઝ પર રહીને 167 બૉલમાં એક સિક્સર, 15 ફોરની મદદથી 121 રન બનાવ્યા હતા. લંચ પહેલાં તે 46 રને હતો ત્યારે અને 54 રન પર હતો ત્યારે તેનો આસાન કૅચ છૂટ્યો હતો. જોકે આ જીવતદાનો વચ્ચે તેણે ત્રણ મહત્ત્વની ભાગીદારી કરી હતી. જો રૂટ (14 રન) સાથે ત્રીજી વિકેટ માટે તેની 37 રનની, હૅરી બ્રૂક (36 રન) સાથે ચોથી વિકેટ માટે 59 રનની અને પાંચમી વિકેટ માટે કૅપ્ટન બેન સ્ટોક્સ (69 રન) 80 રનની પાર્ટનરશિપ થઈ હતી.
બ્રિટિશ ટીમના છ બૅટરે 30 રનનો આંકડો પાર કર્યો હતો જેમાંથી એક બૅટર સેન્ચુરી અને બે બૅટર હાફ સેન્ચુરી ફટકારવામાં સફળ થયા હતા.
ત્રણ ટેસ્ટની સિરીઝમાં 1-0થી સરસાઈ ધરાવતી ઇંગ્લૅન્ડની ટીમે ‘બાઝબૉલ’ના (આક્રમક અભિગમના) અપ્રોચ સાથે બૅટિંગ કરી જેનું પરિણામ એ આવ્યું કે કૅરિબિયન ટીમના છ બોલરમાંથી બે બોલરની બોલિંગમાં 90-પ્લસ રન, બે બોલરની બોલિંગમાં 60-પ્લસ અને બીજા બે બોલરની બોલિંગમાં 40-પ્લસ રન બન્યા હતા. અલ્ઝારી જોસેફે સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ કેવમ હૉજ, કેવિન સિન્કલેર તથા જેડન સીલ્સે બે-બે વિકેટ લીધી હતી. જેસન હોલ્ડરને 60 રનમાં વિકેટ નહોતી મળી.
હવે વેસ્ટ ઇન્ડિઝના બૅટર્સની કસોટી છે. જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડના યુગ પછી ઇંગ્લૅન્ડ પહેલી ટેસ્ટ રમી રહ્યું છે જેમાં માર્ક વૂડ, બેન સ્ટોક્સ, ગસ ઍટકિન્સન, શોએબ બશીર અને ક્રિસ વૉક્સની બોલિંગની કસોટી થશે.
Also Read –