Vadodara માં શાળાની બેદરકારી, દિવાલ ધરાશાયી થતા બે બાળક ઘાયલ
વડોદરા : વડોદરા(Vadodara) શહેરમાં વધુ એક શાળાની બેદરકારી સામે આવી છે. જેમાં મળતી માહિતી મુજબ વડોદરા શહેરની ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ શાળાની પ્રથમ માળની દિવાલ પડી હતી. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેમજ શાળાને ખાલી કરાવાવમાં આવી હતી. શાળા સંચાલકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ટીમ સ્કૂલ પર પહોંચીને કામ શરૂ કર્યું હતું. જ્યારે ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
જેમાં મળતી માહિતી મુજબ શહેરના વાઘોડિયા રોડ પર આવેલી શાળા ચાલુ હતી તે દરમિયાન દીવાલ ધરાશાયી થઇ હતી. જેમાં એક સાઈડનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો જેમાં બે બાળકો ઘાયલ થયા હતા.આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
શાળામાં બે સાપ ઘૂસી આવતા ભયનો માહોલ
જો કે આ તરફ વડોદરા શહેરમાં બીજી ઘટનામાં માંજરોલ પ્રાથમિક શાળામાં બે સાપ ઘૂસી ગયા હતા. શાળાના કમ્પાઉન્ડમાં બે સાપ અચાનક આવી ચડતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ફેલાયુ હતું. સાપ ધસી આવવાની ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંન્ને સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.