ગુજરાતમાં 17 ‘શ્રમિક બસેરા’નું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું, 3 લાખ શ્રમિકને મળશે લાભ
ગાંધીનગરઃ ગુજરાતમાં(Gujarat) શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું અમદાવાદમાં ભૂમિપૂજન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. જેમાં તેમણે બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આર્થિક આધાર ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
ત્રણ લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત શ્રમિક બસેરા
અમદાવાદમાં જગતપુર ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું ભૂમિપૂજન શ્રમ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું હતું. જેમા તેમણે આ શ્રમિક બસેરા તૈયાર થતાં અંદાજે 15 હજારથી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે. આગામી ત્રણ વર્ષમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ-શ્રમિક બસેરા ઉભા કરવામાં આવશે.
નિર્વાહ માટે દર મહિને રૂ. 3000 પેન્શન
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે પંડિત દીન દયાળ ઉપાધ્યાયના હર હાથ કો કામ, હર હાથ કા સન્માનના મંત્રને સાકાર કરતાં ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના આવા બાંધકામ શ્રમિકોને મૂળભૂત સુવિધાઓ સાથે કામચાલાઉ આવાસ શ્રમિક બસેરાથી મળશે. શ્રમિક 60 વર્ષની વયે પહોંચે અને વયના કારણે કામકાજ કરવા શક્તિમાન ન રહે તો પણ તેના નિર્વાહ માટે દર મહિને રૂ. 3000 જેટલી પેન્શન રકમ પી. એમ. શ્રમયોગી માન ધન યોજના અન્વયે મળે છે.
આ પણ વાંચો : ‘પોલીસ વિભાગમાં અડધી જગ્યાઓ પર જ ભરતી કેમ?.’ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકારી
શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ
રાજ્યમાં ત્રણ લાખથી વધુ શ્રમિકોને આ યોજનાઓનું કવચ મળેલું છે. તેમણે આ અવસરે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓના મળીને 28 લાભાર્થીઓને રૂ. 6.80 લાખની સહાયનું વિતરણ પણ કર્યું હતું. શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
2 કરોડ 54 લાખ ભોજન વિતરણ થયું
તેમણે ઉમેર્યું હતું કે બાંધકામ શ્રમિકોને આવાસ સાથે આહાર મળે તે માટે વડાપ્રધાનના દિશાદર્શનમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે. આવા શ્રમિકોને માત્ર પાંચ રૂપિયાના રાહત દરે રાજ્યભરમાં 290થી વધુ શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર પરથી ગરમ અને પૌષ્ટિક ભોજન અપાય છે. અત્યાર સુધીમાં 2 કરોડ 54 લાખ ભોજન વિતરણ થયું છે
17 સાઈટ પર હંગામી આવાસના નિર્માણની કામગીરી શરૂ
આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક શ્રમિકની ચિંતા કરી છે. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર શ્રમિકોની સુવિધાઓમાં સતત વધારો કરી રહી છે. સરકારની આ કાર્યપ્રણાલીને આગળ વધારતા આજે 17 સાઈટ પર હંગામી આવાસના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.