ભાજપ બિધૂડીને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
લોકસભામાં ચંદ્રયાન-૩ મિશન પરની ચર્ચા દરમિયાન ભાજપના દિલ્હી (સાઉથ)ના સાંસદ રમેશ બિધૂડીએ માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સાંસદ કુંવર દાનિશ અલીન આતંકવાદી, ઉગ્રવાદી વગેરે ગાળોથી નવાજ્યા તેનો મુદ્દો ધાર્યા કરતાં મોટો થઈ ગયો છે. એ સ્વાભાવિક પણ છે કેમ કે આ દેશના જન પ્રતિનિધિ બેસે છે એવા ગૃહમાં એક સાંસદને કોઈ આતંકવાદી ગણાવે એ બહુ મોટો આક્ષેપ કહેવાય.
વિપક્ષો બિધૂડીને સસ્પેન્ડ કરવા સહિતની આકરી કાર્યવાહીની માગ કરીને હોહા કરી રહ્યા છે. બિધૂડી સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરી ત્યારે ભાજપ આ મામલે ચૂપ છે કેમ કે બિધૂડીએ બકવાસ કર્યો છે એ ભાજપને પણ સમજાય જ છે. બિધૂડીનો બકવાસ સાંભળ્યા પછી સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે તરત જ લોકસભામાં ઊભા થઈને માફી માગી હતી. ભવિષ્યમાં પોતે આ મુદ્દે બિધૂડી સામે જુબાની આપવાની નોબત ના આવે ને ભાજપ વધારે શરમજનક સ્થિતિમાં ના મૂકાય એ માટે રાજનાથે લોકસભામાં એવું કહ્યું કે, મેં આ ટિપ્પણીઓ સાંભળી નથી પણ સ્પીકરને આગ્રહ કર્યો છે કે આ ટિપ્પણીઓથી વિપક્ષના સાંસદોની લાગણીને ઠેસ પહોંચી હોય તો તેને કાર્યવાહીમાંથી દૂર કરી દેવામાં આવે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ બિધૂડીને ચેતવણી આપી હતી અને તેમની સ્પીચને રેકોર્ડમાંથી કાઢી નાખવા આદેશ આપ્યો હતો. ભાજપે પણ બિધૂડીને શો કોઝ નોટિસ ફટકારીને અસંસદીય ભાષાનો પ્રયોગ કરીને કરેલા શિસ્તભંગ બદલ જવાબ માંગ્યો છે. બિધૂડી ભાજપના સાંસદ છે ને સામાન્ય સંજોગોમાં ભાજપના કોઈ નેતા પર પ્રહાર થાય ત્યારે આખો ભાજપ તૂટી પડતો હોય છે પણ બિધૂડીના કિસ્સામાં ભાજપના નિશિકાંત દુબે જેવા નમૂનાઓને બાદ કરતાં કોઈ તેમના બચાવમાં આવ્યું નથી.
દુબે લપલપિયા છે ને પોતાને લાગતું વળગતું હોય કે ના હોય પણ દરેક વાતમાં કડછો મારવાની આદત છે. બિધૂડીના મુદ્દે પણ એ સમજ્યા કરાવ્યા વિના કૂદી પડ્યા છે ને બે પાનાંનો પત્ર સ્પીકરને ફટકારી દીધો છે. આ પત્રમાં તેમણે દાનિશ અલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટીપ્પણીઓ કરીને ઉશ્કેર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે દાનિશ અલીનાં નિવેદનોની તપાસ કરવાની પણ માગ કરી છે.
આ આક્ષેપ અને માગ કરીને દુબેજી હાસ્યાસ્પદ ઠરી રહ્યા છે કેમ કે મોદી કે ભાજપના બીજા નેતા સામે રાજકીય ટીપ્પણી કરવી ને એક સાંસદને આતંકવાદી ગણાવવામાં ફરક છે. આ સાંસદ બીજા કોઈ હોત તો હજુ વાત અલગ હતી પણ સાંસદ મુસ્લિમ છે તેથી તેની ગંભીરતા વધી જાય છે. આતંકવાદી હોવાનો મતલબ દેશદ્રોહી હોવો છે. બિધૂડીએ દાનિશ અલીને દેશદ્રોહી ગણાવીને અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે ને આ દેશના સાંસદની દેશ તરફની વફાદારી સામે શંકા ઊભી કરી દીધી છે ને એ પણ કોઈ પણ પુરાવા વગર. આ આક્ષેપ પાછો તેમણે લોકસભામાં ઊભા રહીને કર્યો છે.
મજાની વાત પાછી એ છે કે, દુબેજી સિવાય કોઈએ કુંવર દાનિશ અલીએ મોદી વિશે કરેલી વાંધાજનક ટીપ્પણી સાંભળી નથી. સાંભળી હોત તો દુબેજીના સમર્થનમાં બહાર આવ્યા હોત ને? થોડા સમય પહેલાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીએ સંસદમાંથી બહાર નીકળતી વખતે મહિલા સાંસદો સામે ફ્લાઈંગ કિસ કરી હોવાનો આક્ષેપ કરીને હોહા કરી નાંખેલી.
ભાજપની બીજી મહિલા સાંસદોએ પણ હઈસો હઈસોમાં જોડાઈને સ્મૃતિની વાતને ટેકો આપીને હોહા કરી નાંખેલી. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયે તો રાહુલ ફ્લાઈંગ કિસ કરે છે એવો વીડિયો પણ મૂકેલો. એ વીડિયો જોયા પછી કોઈએ માલવિયજીને ખરેખર ફ્લાઈંગ કિસ કોને કહેવાય તેનું જ્ઞાન આપવાની જરૂર હતી. ખેર, વાત થોડી આડે પાટે ચડી ગઈ પણ દુબેજીએ સ્મૃતિ ઈરાનીની જેમ જે બન્યું જ નથી એ બન્યું હોવાની સાબિત કરવાનાં ફાંફાં શરૂ કર્યાં તેમાં હાંસીને પાત્ર બની ગયા છે.
રસપ્રદ વાત પાછી એ પણ છે કે, આ મુદ્દે બિધૂડી પોતે પણ ચૂપ છે. દુબે તેમના બચાવ માટે ફાંફાં મારી રહ્યા છે પણ બિધૂડી પોતે પોતાના બચાવની કોઈ કોશિશ કરી રહ્યા નથી. તેના પરથી સ્પષ્ટ છે કે, હાઈકમાન્ડે બિધૂડીને પણ મોંમાં મગ ઓરીને બેસી રહેવા કહી દીધું છે. બિધૂડી પહેલાં જ બહુ બકવાસ કરી ચૂક્યા છે ને હવે મોં ખોલીને વધારે ગંદવાડ ના ઓકે ઓવું ભાજપ નેતાગીરી ઈચ્છે છે તેથી બિધૂડીને પત્રકારોએ આ મુદ્દે સવાલ કર્યો ત્યારે નો કોમેન્ટ કરીને તેમણે ચાલતી પકડી લીધી.
ભાજપનું વલણ સારું છે. ભાજપે બિધૂડીને શો કોઝ નોટિસ ફટકારીને જવાબ માંગ્યો એનાં વખાણ કરવાં જોઈએ કેમ કે બીજા પક્ષો તો આવું પણ કરતા નથી. જો કે ભાજપ ખાલી શો કોઝ નોટિસ આપીને અટકી જવાના બદલે બિધૂડી સામે આકરાં પગલાં લઈને દાખલો બેસાડે એ વધારે જરૂરી છે. બિધૂડીએ દાનિશ અલીને બીજું પણ ઘણું કહેલું. ચંદ્રયાનની ચર્ચા દરમિયાન દાનિશ અલી વચ્ચે બોલતા હતા ત્યારે રમેશ બિધૂડીઓ અકળાઈને દાનિશ અલીને ઉગ્રવાદી, આતંકવાદી, મુલ્લા સહિત ઘણી ગાળો આપી હતી. બિધૂડીએ એક મિનિટમાં દાનિશ અલીને ૧૧ ગાળો આપી હોવાનું કહેવાય છે.
બિધૂડીનું વર્તન ભાજપમાં એક વર્ગની હળાહળ મુસ્લિમ વિરોધી માનસિકતાનું પ્રતિબિંબ પાડે છે. પોતાના રાજકીય ફાયદા માટે મુસલમાનોને આતંકવાદ સાથે જોડીને આતંકી ચિતરવા, તેમના દેશપ્રેમ સામે શંકા કરીને દેશદ્રોહી હોવાની છાપ ઊભી કરવી એ જ આ લોકોનો એજન્ડા છે.
આ દેશના મુસલમાનો આતંકવાદી નથી કે દેશદ્રોહી પણ નથી, દેશના બીજા નાગરિકો જેટલા જ દેશપ્રેમી છે. બિધૂડી જેવા હલકાઓ પાસેથી મુસ્લિમોને દેશપ્રેમના સર્ટિફિકેટની જરૂર નથી પણ ભાજપે પોતે આ વિચારધારાને પોષતો નથી એ સાબિત કરવાની જરૂર છે. મુસ્લિમોને આતંકવાદી માનનારા બિધૂડ઼ી જેવા નમૂનાઓનું પોતાને ત્યાં સ્થાન નથી ને આવો બકવાસ ભાજપ હરગિજ સહન નહીં કરે એ સાબિત કરવા ભાજપે બિધૂડીને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડવાની જરૂર છે. ભાજપે ભૂતકાળમાં નુપૂર શર્માને સસ્પેન્ડ કરીને એ કરેલું ને બિધૂડીના કેસમાં પણ એવું જ કરવું જોઈએ.