Gujarat માં વહેલી સવારથી 63 તાલુકામાં વરસાદ, જૂનાગઢના વંથલીમાં 5.24 ઈંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે વરસાદ શરૂ થયું છે. જેમાં આજે શુક્રવારે જુનાગઢ શહેર સહિત જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને વંથલી અને કેશોદ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
જુનાગઢના કેશોદમાં 4.69 ઈંચ વરસાદ
જેમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી સૌથી વધુ જુનાગઢના વંથલીમાં 5.24 ઈંચ વરસાદ વરસયો છે. આ ઉપરાંત જુનાગઢના કેશોદમાં 4.69 ઈંચ, મેંદરડામાં 2.91 ઈંચ, ભેસાણમાં 2.48 ઈંચ, માળીયા હાટીનામાં 2.09 ઈંચ, જુનાગઢ શહેરમાં 2.76 ઈંચ, માંગરોળ (જૂનાગઢ) 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર શહેરમાં 3.74 ઈંચ, રાણાવાવમાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2.17 ઈંચ, ખંભાળિયામાં 1.77 ઈંચ, કલ્યાણપુરમાં 1.26 ઈંચ, જામનગરના જોડીયામાં 1.30 ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં 1.06 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જુનાગઢની સોનરખ નદીમાં ઘોડાપૂર
બીજી તરફ જુનાગઢની સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગિરનાર પર ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે. ગિરનાર પર્વત પર અવિરત મેઘ મહેર થઈ રહી છે. સોનરખ નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. લોકોને નદીના પટમાં અવરજવર કરવા પર મનાઈ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે 19મી જુલાઈએ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.