બાંગ્લાદેશમાં અનામત મુદ્દે બબાલઃ સરકાર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા તૈયાર, સૈન્ય તહેનાત
ઢાકાઃ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અનામત વિરોધ (Reservation Agitation)માં પ્રદર્શન થઇ રહ્યા છે. બાંગ્લાદેશ સરકાર અનામત પ્રદર્શનકારીઓ સાથે વાતચીત માટે તૈયાર કરી હતી. સરકારે હિંસક પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં સૈન્ય તહેનાત કર્યું હતું.
બાંગ્લાદેશ સરકારે કહ્યું હતું કે તે અનામતનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. અનામતના મુદ્દા પર દેશભરમાં બંધ લાગુ કરવાના પ્રયાસ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.
આ પણ વાંચો: Bangladesh માં હિંસક પ્રદર્શન બાદ 105 લોકોના મોત, દેશની કમાન સેનાને સોંપાઈ
સત્તાવાર બીએસએસ ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજધાની સહિત દેશભરમાં બોર્ડર ઓફ બાંગ્લાદેશના જવાનોને તૈનાત કર્યા છે. પત્રકાર પરિષદને સંબોધતા કાયદા પ્રધાન અનીસુલ હકે જણાવ્યું હતું કે સરકારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત માટે બેઠક કરવાનો નિર્ણય કર્યો છે.
તેમને અને શિક્ષણ મંત્રી મોહિબુલ હસન ચૌધરીને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપાઇ છે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ (પ્રદર્શનકારીઓ)સહમત થશે ત્યારે અમે બેસીશું. તેમણે જણાવ્યું હતું કે “સરકાર ક્વોટા સુધારાવાદીઓ સાથે વાતચીત કરવા માટે સહમત થઈ છે.”
તેમણે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ કાયદા પ્રધાનને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ અનામત સંબંધિત કેસની વહેલી સુનાવણી હાથ ધરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેમણે એટોર્ની જનરલને આ અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે અગાઉથી જ સૂચના આપી દીધી છે અને એટોર્ની જનરલ રવિવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની વહેલી સુનાવણીની માંગ સાથે અપીલ દાખલ કરશે.
આ પણ વાંચો: Bangladesh માં ઇમરજન્સી જેવા હાલત, હિંસક પ્રદર્શનના પગલે કર્ફ્યૂ લદાયો
બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં ચાર વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ મામલે તપાસ માટે સરકારે હાઇકોર્ટના જસ્ટિસ ખંડેકર દિલીરુઝમાનના નેતૃત્વમાં ન્યાયિક તપાસ સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય ન્યાયાધીશની મંજૂરી મળ્યા બાદ સમિતિની રચના કરવામાં આવશે.
કાયદા પ્રધાને વિરોધીઓને વિનંતી પણ કરી કે તેઓ તેમનો વિરોધ સમાપ્ત કરે અથવા મોકૂફ રાખે કારણ કે સરકાર તેમની સાથે વાટાઘાટો કરવા તૈયાર છે.