આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને આપી સૌથી મોટી રાહત, ચૂંટણી પંચે ભર્યું આ પગલું

મુંબઈ: અવિભાજિત શિવસેનામાં બે ફાંટા પડ્યા અને ઉદ્ધવ ઠાકરેથી છૂટા પડીને એકનાથ શિંદેએ પોતાની અલગ શિવસેના બનાવી ત્યાર પછી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને ચૂંટણી પંચ (Election Commission) તરફથી મોટા ફટકા પહોંચ્યા હતા. ચૂંટણી પંચે પક્ષનું ખરું નામ અને ચૂંટણી ચિન્હ ધનુષ્યબાણ એકનાથ શિંદે જૂથની શિવસેનાને ફાળવ્યું હતું.

જોકે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રીય ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને મોટી રાહત આપી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને હવેથી નાણા ભંડોળ સ્વીકારવાની પરવાનગી આપી છે. જેને પગલે હવેથી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેના ભંડોળ સ્વીકારી શકશે. ચૂંટણી પંચના આ નિર્ણયને પગલે ઉદ્ધવ ઠાકરે જૂથમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ચૂંટણી પંચની Jharkhand મુલાકાત : રાજ્યમાં નિર્ધારિત સમય કરતાં પહેલા જ ચૂંટણી થાય તેવા સંકેતો

હાલમાં જ ચૂંટણી પંચે શરદચંદ્ર પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ને ભંડોળ સ્વીકારવાની મંજૂરી આપી હતી. જ્યાર બાદ ઉદ્ધવ ઠાકરે જૂથે પણ નાણા ભંડોળ સ્વીકારવા માટે ચૂંટણી પંચ સમક્ષ ભંડોળ સ્વીકારવા માટે અરજી કરી હતી, જે ચૂંટણી પંચે માન્ય કરી છે.

ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેએ સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી અને તેને ખરી શિવસેના ગણાવી ત્યાર પછી ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ સમક્ષ પોતાના પક્ષને ખરી શિવસેના જાહેર કરવા માટે તેમ જ ચૂંટણી ચિન્હ પોતાના પક્ષને આપવાની અરજી કરી હતી.

જોકે લોકસભા પૂર્વે ચૂંટણી પંચ તરફથી ઉદ્ધવ ઠાકરેને આ બાબતે કોઇ રાહત મળી નહોતી અને વિધાનસભ્યોના બળને ધ્યાનમાં રાખીને શિવસેના નામ અને તેનું ચૂંટણી ચિન્હ એકનાથ શિંદેના જૂથને ફાળવવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button