…તો શું પાંચ દિવસ બાદ એ 25,000 કરોડની નોટો થઈ જશે રદ્દી?
નવી દિલ્હીઃ રૂપિયા 2000ની નોટ બંધ થવા માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે 5 દિવસ બાદ જ આ નોટનું મૂલ્ય શૂન્ય થઈ જશે. હજી પણ બજારમાં રૂપિયા 2000ની નોટ છે અને આ નોટોની કિંમત 3 અબજ ડોલર એટલે કે 25 હજાર કરોડ રૂપિયા જેટલી છે.
હવે આ બધા વચ્ચે લાખ રૂપિયાનો સવાલ એ છે કે જો આ 2000 રૂપિયાની નોટ બેંકોમાં જમા નહીં કરાવવામાં આવે તો 3 અબજ ડોલર એટલે કે 25 હજાર કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો પસ્તી બની જશે? અહીંયા તમારી જાણ માટે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI દ્વારા 19મી મેના રોજ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો.
આરબીઆઈ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે જે લોકો પાસે પણ હજી 2000 રૂપિયાની ચલણી નોટ છે તેમણે કાં તો તેને 30મી સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જમા કરાવે અથવા બેંકોમાં જઈને બદલી આવે, કારણ કે ત્યાર બાદ આ નોટોનું કોઈ મૂલ્ય નહીં રહે.
નવેમ્બર 2016માં રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને ચલણમાંથી બાદ કર્યા બાદ રૂ. 500ની અને રૂ. 2,000ની નવી નોટ જારી કરી હતી. સેન્ટ્રલ બેંક દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે 2018-19માં રૂ. 2,000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું હતું કારણ કે અન્ય મૂલ્યોની નોટોનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હતો. દરમિયાન આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 2,000 રૂપિયાની નોટોનો વ્યવહારો માટે વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી, જેને કારણે આ નોટ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આરબીઆઈ દ્વારા એવી માહિતી આપવામાં આવ્યો હતો કે અગાઉ કહ્યું હતું કે 30 સપ્ટેમ્બર પછી પણ નોટો કાયદેસરનું ચલણ રહેશે. પરંતુ તેઓ વ્યવહારના હેતુઓ માટે સ્વીકારવામાં આવશે નહીં અને ફક્ત RBIમાં જઈને જ બદલી શકાશે.