‘માઝા લાડકા ભાઉ’ યોજના અંગે સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં શાસક પક્ષને પછડાટ સહન કરવી પડી હોવાથી રાજ્ય આઠ લાખ કરોડના દેવાના બોજ હેઠળ દબાયેલું હોવા છતાં મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર પ્રજા માટે લ્હાણીની જાહેરાત કરી રહી છે એવો આક્ષેપ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કર્યો હતો.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ યુવાનો માટે નોકરીની તાલીમ અને સ્ટાઇપેન્ડ યોજનાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ રાઉતે આ ટિપ્પણી કરી છે. યુવાનો માટેની આ સ્કીમનું નામ ‘માઝા લાડકા ભાઉ’ (Maza Ladka Bhau Yojna 2024) યોજના રાખવામાં આવ્યું છે. સરકારે પાત્ર મહિલાઓ માટે માસિક આર્થિક સહાય યોજના રજૂ કર્યાના કેટલાક દિવસો પછી આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.
રાજ્યના બજેટમાં જાહેર કરવામાં આવેલી ‘મુખ્યમંત્રી માઝી લડકી બહિણ’ યોજના હેઠળ 21-60 વર્ષની પરિણીત, છૂટાછેડા લીધેલી અને નિરાધાર મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા મળશે. વાર્ષિક પારિવારિક આવક 2.5 લાખ રૂપિયા હોય એવા લાભાર્થીઓનો આમાં સમાવેશ છે.
આ પણ વાંચો : કંગના રનૌત આવી એકનાથ શિંદેના સમર્થનમાં, જાણો શું કહ્યું અવિમુક્તેશ્વરાનંદને?
સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં રાઉતે વધુમાં જણાવ્યું હતું કે ‘સરકારે મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવા માટે મધ્ય પ્રદેશ સરકારની (લાડલી બહેના) યોજનાની નકલ કરી છે, જ્યારે ‘લાડકા ભાઉ’ યોજના હેઠળ, ધોરણ બારમું ધોરણ પાસ પુરુષોને 6,000 રૂપિયા અને બેરોજગાર ગ્રેજ્યુએટ્સને 10,000 રૂપિયા મળશે. શા માટે મહિલાઓને માત્ર 1500 રૂપિયા મળવા જોઈએ? શું તેઓ આટલી રકમમાં પોતાનું ઘર ચલાવી શકશે?
લાડકી બહિણ (પ્રિય બહેન)ને પણ દર મહિને 10,000 રૂપિયા મળવા જોઈએ એવી અમારી માંગણી છે. રાજ્ય પર પહેલેથી જ ૮ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ કોઈ નાની રકમ નથી.’ તેમણે ઉમેર્યું હતું કે ‘લોકસભા ચૂંટણી પહેલા સત્તાધારી મહાયુતિ ગઠબંધનનું કહેતું હતું કે વિપક્ષ મહારાષ્ટ્રમાં 10 સંસદીય બેઠકો પણ જીતી શકશે નહીં, પરંતુ મહા વિકાસ આઘાડી (એમવીએ)ને 31 બેઠકો મળી હતી.’
રાઉતે દાવો કર્યો હતો કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષ એમવીએ 280 (કુલ 288માંથી) બેઠકો જીતશે. તેમણે જણાવ્યું હતું કે ‘એમવીએ માટે હજી સુધી કોઈ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી નથી. હાલ અમે તમામ 288 વિધાનસભા મતવિસ્તારોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. કોણ કઈ બેઠક પર ચૂંટણી લડશે એ સાથે બેસી નક્કી કરવામાં આવશે.