ઘાટકોપરના વેપારીની સી-લિંક પરથી કૂદકો મારી આત્મહત્યા
અંતિમ પગલું ભરતાં પૂર્વે વેપારીએ પુત્રને વીડિયો કૉલ પણ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરના ગુજરાતી વેપારીએ બાન્દ્રા-વરલી સી-લિંક પરથી દરિયામાં કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અંતિમ પગલું ભરતાં પહેલાં વેપારીએ પુત્રને વીડિયો કૉલ કર્યો હતો અને કારમાંથી સુસાઈડ નોટ પણ મળી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બાન્દ્રા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સંજય મરાઠેએ જણાવ્યું હતું કે ઘટના બુધવારની બપોરે 3.10 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકની ઓળખ ઘાટકોપરના રહેવાસી ભાવેશ નગીન શેઠ (58) તરીકે થઈ હતી.
મળતી માહિતી અનુસાર ગારોડિયા નગરના વસંત એપાર્ટમેન્ટમાં સાતમા માળે પત્ની અને પુત્ર સ્મિત સાથે રહેતા શેઠનો બૉલ બેરિંગનો વ્યવસાય હતો. છેલ્લાં ત્રણેક વર્ષથી સ્મિત પણ પિતાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.
બુધવારની બપોરે શેઠ બાન્દ્રા ગયા હતા. સી-લિંક નજીકથી તેમણે એક કારમાં લિફ્ટ માગી હતી. સી-લિંક પર કાર બંધ પડી હોવાથી પોતાને ત્યાં છોડી દેવાની વાત તેણે કારચાલકને કરી હતી.
આ પણ વાંચો: પુણેમાં બહેનપણી સાથે દારૂની પાર્ટી કર્યા બાદ સગીરાની આત્મહત્યા
સી-લિંક પર પહોંચીને કારમાંથી ઊતર્યા પછી વેપારીએ દરિયામાં કૂદકો માર્યો હતો. કૂદકો મારતાં પહેલાં વેપારીએ પુત્રને વીડિયો કૉલ કરી સુસાઈડ બાબતે જાણ કરી હતી. આ ઘટના સી-લિંક પર લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી.
વેપારીને કૂદકો મારતી વખતે સી-લિંક પરની એક વ્યક્તિએ જોતાં તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બીજી બાજુ, વેપારીના પુત્રએ પણ પોલીસને માહિતી આપી હતી. દરમિયાન બનાવની જાણ થતાં બાન્દ્રા પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો સી-લિંક નજીક પહોંચી ગયા હતા.
માછીમારો સાથે બોટની મદદથી દરિયામાં વેપારીની શોધ હાથ ધરવામાં આવી હતી. લગભગ ચારેક કલાક બાદ વેપારીનો મૃતદેહ કોસ્ટલ રોડ નજીકથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
દરમિયાન વેપારીએ જે કારમાં લિફ્ટ માગી હતી તેને પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે શોધી કાઢી હતી. કારમાંથી પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં વેપારીએ અંતિમ પગલું ભરવા અંગે ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: બાળકોની આત્મહત્યાએ ચિંતામાં મૂકી સુપ્રીમ કોર્ટને પણઃ સરકાર પાસે માગ્યો જવાબ
જોકે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. વ્યવસાયમાં કરોડો રૂપિયાનું નુકસાન જવાને કારણે તેમણે આવું પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસ દ્વારા તપાસવામાં આવી રહી છે. પરિવારજનોનાં નિવેદન નોંધ્યાં પછી આ અંગે ચોખવટ થઈ શકશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
નાગદેવી બૉલ બેરિંગ ઍસોસિયેશનના પ્રમુખ યોગેશ શાહે જણાવ્યું હતું કે ભાવેશ શેઠે નુકસાન કર્યાની વાત બજારમાં અન્ય વેપારીઓને હતી એટલે બજારમાં તેમને ફરી ઊભા કરવા અનેક વેપારીઓ પ્રયત્નશીલ હતા. તેને માનસિક ટેકો પણ આપતા હતા, પરંતુ કોઈને નુકસાન ન થાય તે માટે કદાચ શેઠે આવું પગલું ભર્યું હોઈ શકે.