કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસી પર આતંકીઓએ ફરી એકવાર ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને બે ઘૂસણખોરોને ઠાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર માહિતી અનુસાર, પહેલા નિયંત્રણ રેખા (LOC) પાર કરવાનો પ્રયાસ કરી રહેલા ઘૂસણખોરો અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો, જે બાદમાં અથડામણમાં ફેરવાઈ ગયો હતો. ભારતીય સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ મામલે હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં, સોમવારે, કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા હતા. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.
જમ્મુમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ઓચિંતા હુમલામાં સેનાના ઘણા જવાનો શહીદ થયા છે. જમ્મુમાં આતંકી હુમલાને કારણે સુરક્ષા જવાનોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તાજેતરના સમયમાં, જમ્મુ અને કાશ્મીરના સરહદી જિલ્લાઓ, પૂંચ અને રાજૌરી સિવાય ડોડામાં પણ આતંકવાદી ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે.