આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Elections: અજિત પવાર જૂથની મોટી જાહેરાત, વિદર્ભમાં આટલી સીટ પર લડશે

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહાયુતિનો દેખાવ 2019ની લોકસભા ચૂંટણી પૂર્વે અત્યંત કંગાળ રહ્યો હતો અને વિધાનસભાની ચૂંટણી (Assembly Elections)માં એ જ રીતનો ધબડકો ન થાય એ માટે મહાયુતિના પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે એવામાં બેઠકોની વહેંચણી મુદ્દે મહાયુતિમાં ખેંચતાણ થઇ શકે તેવી શક્યતા છે. તેમાં પણ અજિત પવાર જૂથની એનસીપી દ્વારા બેઠકોની વહેંચણી નક્કી થાય એ પૂર્વે જ વિદર્ભની બેઠક પર પોતાના કેટલા ઉમેદવાર ઊભા કરશે તેવી જાહેરાત કરી દીધી છે.

અજિત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલે વિદર્ભની 15થી 20 બેઠકો પરથી પોતાા પક્ષે ચૂંટણીમાં ઝંપલાવવું જોઇએ તેવું કહ્યું હોવાની જાણકારી અજિત પવાર જૂથના નેતા ધર્મરાવ અત્રામે જણાવ્યું છે.

અજિત પવારે તે મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર સર્વેક્ષણ કરશે તેવી જાહેરાત કરી હતી. આ સર્વેક્ષણ શરૂ છે ત્યારે અજિત પવાર જૂથ વિદર્ભની 15થી 20 બેઠકો પર જીતી શકે તેવી 100 ટકા ખાતરી હોવાનું અત્રામે જણાવ્યું હતું.
અત્રામે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે અમારો સર્વે શરૂ છે અને તે મુજબ અમે વિદર્ભની 60થી 65 બેઠકોમાંથી 15થી 20 બેઠકો નોંધી છે જેમા અમને 100 ટકા જીતની ખાતરી છે.

આ પણ વાંચો : અજિત પવારનો પક્ષ વધુ તૂટે તેવી શક્યતા! પુણેમાં અજિત પવારની NCP નેતાઓ સાથે બેઠક

નાગપુર બેઠકમાં અજિત પવાર જૂથ અને શરદ પવાર જૂથ વચ્ચે ખરાખરીનો જંગ જામી શકે છે અને આ અંગે અત્રામે જણાવ્યું હતું કે નાગપુરમાં અનિલ દેશમુખ એ શરદ પવાર જૂથના દિગ્ગજ નેતા છે અને તેમની વિરુદ્ધ અજિત પવાર જૂથ પ્રબળ ઉમેદવાર ઊભો કરશે. તેમના જ કુટુંબનો એક સક્ષમ ઉમેદવાર અમારી પાસે છે, જેને અમે અનિલ દેશમુખ વિરુદ્ધ ઊભા કરીશું, એમ અત્રામે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી બાદ ભાજપની તાકાત મહારાષ્ટ્રમાં ઘટી છે ત્યારે સાથી પક્ષો શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-અજિત પવાર) વિધાનસભાની ચૂંટણી માટે વધુ બેઠકોની માગણી કરી શકે છે. જોકે કોણ કેટલી બેઠકો પરથી લડશે તેનો નિર્ણય ત્રણેય પક્ષના નેતાઓ સાથે મળીને લેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button