પાકિસ્તાનના હોશ-કોશ ઉડી શકે છે, ચૅમ્પિયન્સ ટ્રોફી છીનવાઈ જશે?
વન-ડે ટૂર્નામેન્ટ કદાચ શ્રીલંકા અથવા દુબઈમાં રખાશે: આઇસીસીની બેઠકમાં ગરમાગરમી થવાની શક્યતા
કરાચી: પાકિસ્તાન ક્રિકેટ માટે આવતા 72 કલાક અત્યંત મુશ્કેલના બની શકે. એક અહેવાલ મુજબ આગામી વર્ષના (2025ના) ફેબ્રુઆરીમાં વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ પાકિસ્તાનના હાથમાંથી છીનવાઈ શકે છે. 19-22 જુલાઈ દરમ્યાન કોલંબોમાં યોજાનારી આઇસીસીની બેઠકમાં આ સંબંધમાં ગરમાગરમી સાથે ચર્ચા થશે અને યજમાન દેશની જાહેરાત કરાશે એવી સંભાવના છે.
ફેબ્રુઆરી, 2025માં ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની છે, પણ ભારત પોતાની ટીમને ત્યાં કોઈ પણ ભોગે મોકલવાનું નથી. જો આ ટૂર્નામેન્ટને પાકિસ્તાનમાં જ રાખવાનું નક્કી કરાશે તો ભારત આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું લઈ લેશે અને જો એવું થશે તો આ ટૂર્નામેન્ટ જ ઘોંચમાં પડી શકે, કારણકે ભારત વિના કોઈ પણ આઇસીસી ટૂર્નામેન્ટ રમવી શક્ય નથી. એ સ્થિતિમાં આઇસીસી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ પાકિસ્તાનને બદલે બીજા કોઈ દેશમાં રાખે તો નવાઈ નહીં.
એક અખબારી અહેવાલ મુજબ 2025ની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફી શ્રીલંકામાં અથવા દુબઈમાં રાખવામાં આવશે એવી શક્યતા છે.
આ પણ વાંચો : Champions Trophy 2025: PCBને ઝટકો! ટીમ ઈન્ડિયાની તમામ મેચ આ દેશમાં રમાશે!
એવું પણ બની શકે કે ગયા વર્ષે જેમ હાઈબ્રિડ મૉડેલ અનુસાર પાકિસ્તાનના એશિયા કપમાં ભારતની મૅચો તેમ જ બીજી ઘણી મૅચો શ્રીલંકામાં રમાઈ હતી એવું ચૅમ્પિયન્સ ટ્રોફીની બાબતમાં પણ થઈ શકે. બની શકે કે ભારતની મૅચો શ્રીલંકામાં અથવા દુબઈમાં રમાશે. ગયા વર્ષે એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મૅચ કોલંબોમાં રમાઈ હતી.
એક સંભાવના એવી છે કે આખી ટૂર્નામેન્ટ જ પાકિસ્તાનને બદલ શ્રીલંકામાં અથવા દુબઈમાં રમાશે.
ભારત પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે એવા ભારત સરકારના નિર્ણયને ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા મોટા ક્રિકેટ-દેશો સમર્થન આપી ચૂક્યા છે. આ સ્થિતિમાં ભારત આઇસીસીની બેઠકમાં ચૅમ્પિયન્સ ટ્રોફીને પાકિસ્તાનને બદલે અન્ય કોઈ દેશમાં રાખવાની માગણી કરશે તો એને બીજા ઘણા દેશો પણ ટેકો આપશે.