ટી-20 કૅપ્ટનની પસંદગીના મુદ્દે મડાગાંઠ: જાણો, જય શાહ અને ગૌતમ ગંભીર વચ્ચે શું મતભેદ છે
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ જીતી લીધા પછી કૅપ્ટન રોહિત શર્માએ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્તિ લઈ લીધી એને કારણે હવે કૅપ્ટનપદે તેનો અનુગામી કોણ એ મુદ્દે મડાગાંઠ સર્જાઈ છે. શ્રીલંકા સામે શનિવાર, 27મી જુલાઈએ (આઠ દિવસ બાદ) ત્રણ મૅચવાળી ટી-20 સિરીઝ શરૂ થવાની છે, પણ આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં ટી-20 ટીમનો કૅપ્ટન કોણ એ વિશે નક્કર નિર્ણય લેવાયો નહોતો.
નિર્ણયની વાત જવા દો, એવું સંભળાયું હતું કે કૅપ્ટનની પસંદગીની બાબતમાં બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ અને નવા હેડ-કોચ ગૌતમ ગંભીર વચ્ચેના મતભેદ સપાટી પર આવ્યા છે.
ક્રિકેટ જગતમાં અત્યારે સૌ કોઈનું ધ્યાન ભારતનો નવો ટી-20 કૅપ્ટન કોણ? એના પર છે. બધાની નજર બીસીસીઆઇના નિર્ણય પર મંડાયેલી છે. કેટલાક રિપોર્ટમાં જણાવાયું છે કે હાર્દિક પંડ્યાને ટી-20 ટીમનું સુકાન સોંપાશે. બીજા અહેવાલમાં કહેવાયું છે કે કૅપ્ટન્સી હાર્દિકને નહીં, પણ સૂર્યકુમાર યાદવને સોંપાશે, કારણકે ગયા વર્ષે તેણે સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા સામે નેતૃત્વ સારી રીતે સંભાળ્યું હતું.
એક મહત્ત્વના અહેવાલમાં જણાવાયું છે કે જય શાહ ઇચ્છે છે કે ટી-20 ટીમનું સુકાન હાર્દિકને સોંપવામાં આવે. જોકે ગૌતમ ગંભીર એ માટે રાજી નથી. આ મુદ્દે જ બન્ને વચ્ચે મતભેદ હોવાનું મનાય છે. ગંભીર એવું માને છે કે વારંવાર ઈજા પામવા બદલ, બ્રેક લેવા બદલ અને વર્કલૉડ મૅનેજમેન્ટના કારણસર હાર્દિકને સુકાન ન સોંપાવું જોઈએ.
ગંભીરે સીધું સૂર્યકુમારનું નામ નથી આપ્યું, પણ હાર્દિક માટે તે તૈયાર નથી.
અગાઉ કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું કે ભારતની ટી-20 ટીમની જાહેરાત બુધવાર, 17મી જુલાઈએ કરાશે, પરંતુ અચાનક જ સિલેક્શન કમિટીની બેઠક મુલતવી રખાઈ હોવાનું બહાર આવ્યું હતું. હવે એવું જાણવા મળ્યું છે કે જય શાહે 19-22 જુલાઈ દરમ્યાન આઇસીસીની મીટિંગ માટે કોલંબો જવાનું હોવાથી ટી-20 ટીમની અને નવા કૅપ્ટનની જાહેરાત તાબડતોબ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શુભમન ગિલના સુકાનમાં ભારતે તાજેતરમાં જ ઝિમ્બાબ્વેમાં ટી-20 સિરીઝ 4-1થી જીતી લીધી હતી. જોકે હવે પછીની ટી-20 ટીમ ઇન્ડિયામાં (નિવૃત્ત ખેલાડીઓ રોહિત, વિરાટ, જાડેજાને બાદ કરતા) મોટા ભાગના ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓ હશે અને એ ટીમના સુકાનના મુદ્દે ગૂંચ પડી છે.
Also Read –