મુંબઈગરા માટે મેટ્રો બની ‘જોયરાઈડ’: આટલા કરોડ પ્રવાસીએ કરી મુસાફરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈ સહિત મેટ્રો પોલિટન રિજનમાં લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારા પછી સસ્તા પરિવહન માટે હવે લોકલ ટ્રેનના વિકલ્પ પર નજર દોડાવવામાં આવી રહી હતી. કોવિડ પછી લોકલ ટ્રેનના પ્રવાસીની સંખ્યામાં ઘટાડાની સાથે મેટ્રોના પ્રવાસીની સંખ્યામાં વધારો થવાની રાહતવાળી બાબત છે. મેટ્રો ટૂએ અને સેવન કોરિડોર ફુલ્લી ચાલુ કરવામાં આવ્યા પછી લગભગ 17 મહિનામાં પ્રવાસીઓની સંખ્યા પાંચ કરોડને પાર થઈ છે.
બીજી એપ્રિલ 2022થી 24મી સપ્ટેમ્બર 2023 સુધીમાં મેટ્રોમાં પ્રવાસ કરનારાની સંખ્યા પાંચ કરોડને પાર થઈ છે. મુંબઈ રિજનમાં મેટ્રો ધીમે ધીમે મુંબઈગરા માટે વિકલ્પ બની રહ્યો છે, જે સૌથી મોટી વાત છે, એમ મહા મુંબઈ મેટ્રો કોરપોરેશન લિમિટેડ (એમએમએમઓસીએલ)ના અધિકારીએ જણાવ્યું હતું.
વાસ્તવમાં પાંચ કરોડની સંખ્યા સૌથી મોટી બાબત છે, જ્યારે મેટ્રોમાં મુસાફરી માટે પ્રવાસીઓને ટિકિટ માટે સર્વોતમ વિકલ્પ આપવામાં આવ્યો છે. મેટ્રો કાર્ડ મારફત ટ્રાવેલ કરનારાની સંખ્યા 1.49 લાખ છે, જેમાં ડેઈલી ટ્રાવેલ કરનારાની 40 ટકા સંખ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મેટ્રો-ટૂ એ અને મેટ્રો સેવન કોરિડોર ચાલુ કરવામાં આવ્યા પછી સૌથી વ્યસ્ત મેટ્રો સ્ટેશનમાં ગુંદવલી, અંધેરી વેસ્ટ, આનંદનગર, દહાણુકવાડી, દહીસર પૂર્વ અને કાંદિવલી પશ્ચિમ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા મેટ્રો સ્ટેશન પરથી પ્રવાસીઓની સૌથી વધુ અવરજવર રહે છે, જે મુંબઈગરા માટે પરિવહનનો સુવિધાજનક વિકલ્પ હોવાનું કહી શકાય, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
મેટ્રોના પ્રવાસીઓની સુવિધાના આપવા માટે ખાસ કરીને મુંબઈ મેટ્રો કોર્પોરેશન લિમિટેડે લાઇન 7 પર ગુંદવલી મેટ્રો સ્ટેશન પર એક્સ્ટ્રા એન્ટ્રીગેટની સુવિધા ઊભી કરી છે, તેનાથી પ્રવાસીઓ માટે અવરજવર કરી શકે છે, જ્યારે પીક અવર્સ દરમિયાન ભીડ ઘટાડશે.
મુંબઈવાસીઓ તેમના પરિવહનના પસંદગીના માધ્યમ તરીકે મેટ્રોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે અને દર મહિને 5 ટકા વધારો થવાની બાબત સૌથી મોટી સિદ્ધિ છે. અમારા 40 ટકા પ્રવાસી મુંબઈ વન કાર્ડને પસંદ કરી રહ્યા છે, જેનાથી કાગળ આધારિત ટિકિટો પરની નિર્ભરતા ઓછી થઈ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.