ટ્રેન્ટ બ્રિજનું પૅવિલિયન એન્ડ આજથી કોના નામે ઓળખાશે જાણો છો?
ઇંગ્લૅન્ડ-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બીજી ટેસ્ટ શરૂ થશે
નૉટિંગહૅમ: અહીં ટ્રેન્ટ બ્રિજ ખાતે આજે ઇંગ્લૅન્ડની વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ શરૂ થશે એ સાથે અહીંના મેદાન પરના પૅવિલિયન એન્ડને નવું નામ મળશે. ઇંગ્લૅન્ડના ટોચના ફાસ્ટ બોલર્સમાં ગણાતો સ્ટુઅર્ટ બ્રોડ ગયા વર્ષે નિવૃત્ત થયો હતો. આજથી આ ગ્રાઉન્ડ પરનું પૅવિલિયન એન્ડ તેના નામે ઓળખાશે.
38 વર્ષના સ્ટુઅર્ટ બ્રોડે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની ઍશિઝ સિરીઝ પછી રિટાયરમેન્ટ લઈ લીધું હતું. તે ઇંગ્લૅન્ડ વતી રમનારા નૉટિંગહૅમના શ્રેષ્ઠ બોલર્સમાં ગણાય છે.
આજે (ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે) ટેસ્ટ મૅચ શરૂ થશે એ પહેલાં યોજાનારી નામકરણ વિધિમાં સ્ટુઅર્ટ સાથે તેના ક્રિકેટર-પિતા ક્રિસ બ્રોડ તેમ જ ઇંગ્લૅન્ડના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગ નિમિત્તે પ્રેક્ષકોને વહેલા આવી જવાની વિનંતી સત્તાવાળાઓ તરફથી કરવામાં આવી છે.
ક્રિસ બ્રોડ તેમના પુત્ર સ્ટુઅર્ટનું નામ પૅવિલિયન એન્ડને મળવાનું હોવાથી બેહદ ખુશ છે અને ગર્વ અનુભવી રહ્યા છે.
રાઈટ-આર્મ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે 167 ટેસ્ટમાં 604 વિકેટ લીધી હતી. વન-ડે અને ટી-20માં તેણે કુલ મળીને 240 વિકેટ લીધી હતી.
આજે ઇંગ્લૅન્ડની ટીમ 1-0ની સરસાઈ સાથે બીજી ટેસ્ટ શરૂ કરશે.
Also Read –