અમિત મિશ્રાના મતે કયા બે ક્રિકેટર 2027ના વન-ડે વર્લ્ડ કપમાં કદાચ નહીં જોવા મળે?
મુંબઈ: રોહિત શર્મા અને વિરાટ કોહલી (તેમ જ રવીન્દ્ર જાડેજા પણ) ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદ સાથે હવે આ સૌથી ટૂંકા ફૉર્મેટની ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે એટલે હવે પછી 2026માં રમાનારા ટી-20 વિશ્ર્વ કપમાં તેઓ નહીં જોવા મળે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અમિત મિશ્રાનું એવું માનવું છે કે રોહિત અને કોહલી 2027ના વન-ડે વર્લ્ડ કપમાં કદાચ નહીં જોવા મળે.
રોહિત ટી-20 વર્લ્ડ કપમાં 257 રન બનાવીને અને કોહલી 29મી જૂને સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં 76 રન બનાવીને મૅન ઑફ ધ ફાઇનલના અવૉર્ડ સાથે આ ફૉર્મેટમાં પોતાની ઊંડી છાપ છોડતા ગયા છે. જોકે હવે સવાલ એ છે કે આ બન્ને દિગ્ગજો બાકીના બે ફૉર્મેટ (વન-ડે અને ટેસ્ટ)માં કેટલું ખેંચશે? કોહલી 36 વર્ષનો થઈ ગયો છે અને રોહિત તેનાથી એક વર્ષ મોટો છે. તેમનું હાલનું બૅટિંગ-ફૉર્મ જોતાં 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી રમી શકે એવું માની તો શકાય, પરંતુ ત્યાં સુધીમાં રોહિત 40 વર્ષનો અને કોહલી 39 વર્ષનો થઈ ગયો હશે.
અમિત મિશ્રાનું એવું માનવું છે કે આ બન્ને પીઢ ખેલાડી 2027ના વન-ડે વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે એની સંભાવના બહુ ઓછી છે.
ભારત વતી 2003થી 2017 સુધી કુલ 68 મૅચ રમીને કુલ 156 વિકેટ લેનાર અમિત મિશ્રા એક મુલાકાતમાં કહે છે, ‘આવતા બે-ત્રણ વર્ષ પછી રમાનારા વન-ડે વર્લ્ડ કપમાં રોહિત-કોહલી જોવા મળે એની શક્યતા બહુ ઓછી છે. તેઓ ત્રણ-ચાર વર્ષ હજી રમી શકે એમ છે, પણ ભારત વતી નહીં. તેઓ બન્ને આઇપીએલમાં રમતા રહેશે, પરંતુ ભારત વતી બહુ નહીં રમે એવું મને લાગે છે. સામાન્ય રીતે જો કોઈ ખેલાડીની કરીઅર એકસરખી લાંબી રહી હોય તો તે વધુમાં વધુ 39થી 40 વર્ષની ઉંમર સુધી રમી શકે.’
Also Read –