કાયદો શીખવાડતી કોલેજમાં વિદ્યાર્થિની સાથે થયું દુષ્કર્મ, ગુજ.હાઇકોર્ટે કોલેજ સત્તાધીશોને ખખડાવ્યા

અત્યંત શરમજનક કહેવાય તેવી આ ઘટના છે કે જેમાં ‘ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી’ એટલે કે કાયદો અને ન્યાયતંત્રનું જ્ઞાન આપતી યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને અન્યાય સહન કરવાનો વારો આવ્યો હતો. આ વિદ્યાર્થિની પર તેની સાથે ભણતા સહપાઠીએ દુષ્કર્મ આચર્યું હતું, અને આ અંગેની ફરિયાદ નોંધાવવા તેણે અનેકવાર કોલેજ સત્તાધીશોની ઓફિસના બારણા ખટખટાવ્યા પણ કોઇ તેની મદદમાં ન આવ્યું. છેવટે મીડિયા અહેવાલોમાં આ મામલો ચગ્યો તેમજ તેણે કોલેજના સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ ગુપ્ત રાખીને સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું ત્યારે લોકોને આ બનાવની જાણ થઇ. હવે આખો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે અને હાઇકોર્ટે આજે સુઓમોટો પિટિશન હાથ ધરી કોલેજ સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી.
ગુજરાત હાઇકોર્ટે કોલેજમાં બનેલા 2 બનાવોની નોંધ લીધી હતી કે જેમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને અન્ય એક સમલૈંગિક વિદ્યાર્થી સાથે તેની સમલૈંગિકતાને કારણે તેની સાથે ભણતા વિદ્યાર્થીઓએ કરેલો દુર્વ્યવહાર, આ બંને ઘટનાઓને ટાંકીને હાઇકોર્ટે કહ્યું હતું કે જો મીડિયા અહેવાલ સાચો હોય તો જરૂરી કાનૂની પગલાં ભરવા જોઇએ.
કોલેજ દ્વારા ઘટના બાબતે બચાવ કરતા નિવેદન આપવામાં આવ્યું હતું કે આ પ્રકારના બનાવો રોકવા માટે કોલેજ પાસે આંતરિક ફરિયાદ કમિટી છે, જો કે વિદ્યાર્થિની તરફથી દુષ્કર્મ બાબતની કોઇ ફરિયાદ મળી નથી તેમ કોલેજે જણાવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટે GNLUના હેડ અને રજીસ્ટ્રારને નોટિસ પાઠવી છે, પીડિતોને ઓળખીને ગુપ્તતાના ધોરણે તેમના નિવેદન રેકોર્ડ કરવા કહ્યું છે. આ સાથે જ કોર્ટે GNLUની આંતરિક ફરિયાદ કમિટીના સભ્યોના નામ પણ માંગ્યા છે. આ મુદ્દે GNLUએ 10 ઓક્ટોબર સુધીમાં કોર્ટમાં જવાબ રજૂ કરવાનો રહેશે.