પુરુષ

સ્પષ્ટ મત આપવો અને અરોગન્સીમાં ફરક હોય છે!

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

આજકાલ અરોગન્સ બાબતે બહુ ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. હાલની પેઢીને સામેના માણસને હાલતા ને ચાલતા ‘એ માણસ અરોગન્ટ છે’ એવું કહી દેવાની આદત છે. તો બીજી તરફ પોતે અરોગન્ટ નથી દેખાવું એ બાબતને લઈને પણ તેઓ એવા જ સજાગ છે. એટલે અરોગન્સી ન દેખાય એના પ્રયત્નોમાં તેઓ સાવ વિચિત્ર, દંભી અને ખોટું વર્તન કરે છે ! એવું કેમ? તો કે હાલના સમયમાં એવું માની લેવાયું છે કે સ્પષ્ટ વિચાર રજૂ કરવો અથવા શબ્દો ચોર્યા વિના પોતાનો મત રજૂ કરવો એ અરોગન્સી છે! આસપાસમાં નજર કરી ત્યારે સમજાયું કે એવા અનેક લોકોના કપાળે અરોગન્ટ હોવાનું લેબલ ચોંટી ગયું છે, જે લોકો દિલના તો સાફ છે જ, પરંતુ બીજાને મદદ કરવા માટે હંમેશાં તત્પર પણ રહ્યાં છે ! પરંતુ આ જ લોકો જૂઠા કે અબુધ લોકોની વાતોને ફગાવી દે છે કે અત્યંત નમ્રતાપૂર્વક પોતાનો ભિન્ન મત રજૂ કરે છે તો એ લોકો અરોગન્ટ થઈ જાય છે.

જોકે આ રીતે સામેના માણસને ખોટું ટેગ લગાડી દેવાનો અભિગમ અત્યંત ખોટો છે. બલકે ભિન્ન મતનો સ્વીકાર હોવો જોઈએ. જેથી
એ મતથી આપણે પણ જરા જુદી રીતે વિચારતા થઈ શકીએ! અને શું
ખબર એ ભિન્ન મત અથવા જુદા દૃષ્ટિકોણથી જ આપણને સીધો લાભ
પણ થાય? પરંતુ મને લાગે છે કે સામેની વ્યક્તિની સ્પષ્ટ વાત કે સ્પષ્ટ
મતને અરોગન્સી માની લેવાની આદત પણ આજના સોશિયલ મીડિયાના સમયની દેન છે! કારણ કે હવે સોશિયલ મીડિયામાં જો કોઈ બે બાબતે માણસના મનનો ભરડો લીધો હોય તો એ બાબતો છે ભ્રામકતા અને ‘જીહુજૂરી’.

ભ્રામકતાની આજના માણસ પર એટલી બધી નકારાત્મક અસર
થઈ છે કે તેને હવે ઈન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયાની ફ્રેમમાં
શું દેખાડવું છે એની જ ચિંતા છે. એ ફ્રેમમાં એ કાશ્મીરનો પ્રવાસ
પણ બતાવી શકે છે કે એ જ ફ્રેમમાં એ જીવનમાં કેટલો સુખી છે એ
પણ બતાવી શકે છે. જે હવે આજના માણસનું જીવન ધ્યેય બની
ગયું છે. વળી, આ જ માણસ બીજાએ તેને બતાવેલી ભ્રામકતાથી પણ એટલો જ પ્રભાવિત થાય છે! જેને કારણે વાસ્તવ સાથેનો તેનો સંબંધ તૂટી ગયો છે.

જોકે અહીં ‘જીહુજૂરી’ને બહુ સીમિત અર્થમાં લેવાની થાય છે. એટલે કે આપણે જે કંઈ પોસ્ટ કરીએ અથવા કહીએ એ સંદર્ભે સામેના માણસની સંમતિ હોવી જોઈએ. જો સામેનો માણસ અસહમત થયો તો વાત પૂરી! આ સીમિત જીહુજૂરીના અભિગમને કારણે જ માનવમન એટલું બધુ સંકુચિત અને સ્વકેન્દ્રી બની ગયું છે કે તેમને સામેનો માણસ ડિફર થાય એ જરા ય ન ચાલે! ડિફર તો શું માત્ર જુદી રીતે વિચાર રજૂ કરે તો ય એને એમ થઈ જાય કે સામેના માણસે મારા આખા અસ્તિત્વ પર પ્રશ્ર્ન ઊભો કરી દીધો છે! અને એટલે જ આજનો માણસ હાલતા ને ચાલતા બીજા લોકોને અરોગન્ટ કહી દે છે.

પરંતુ એવું નથી. અરોગન્ટ હોવું એટલે ઘમંડી હોવું થાય. ઘમંડીઓનું વિશ્ર્વ અને તેમની ચાલ જ જુદી હોય. તેઓ તો દુષ્ટ પણ હોય! તો શું આપણી આસપાસ જે કોઈ હોય એ બધા ઘમંડી કે દુષ્ટ હોવાના? ના એવું નથી. કેટલાકને બાદ કરતા મોટાભાગના લોકો આપણા પ્રિયજનો, મિત્રો, સ્વજનો કે હિતેચ્છુઓ હોવાના. તેમને આપણી સાથે દલીલ કરવી નથી હોતી. તેમને આપણને નીચા નથી દેખાડવા હોતા. તેઓ જસ્ટ તેમનો આઈડિયા, તેમની માન્યતા કે તેમનો દૃષ્ટિકોણ રજૂ કરતા હોય છે. જે
કદાચ આપણા આઈડિયા, વિચાર કે માન્યતાથી જુદા હોઈ શકે ! બસ આટલી જ વાત છે. પણ ખોડ આપણામાં છે કે આજના સમયમાં સોશિયલ મીડિયાને કારણે આપણને હવે પેલી સીમિત જીહુજૂરીની ટેવ પડી ગઈ છે. જેને કારણે આપણને લગભગ દરેક માણસ ગમતો નથી અને તે અરોગન્ટ લાગે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?